Breaking News: Star Health Insuranceમાં ‘મોટી ગરબડ’ આવી સામે, તપાસ બાદ IRDAI એ ફટકાર્યો ‘₹2 કરોડનો દંડ’
વીમા નિયમનકાર ઇરડા (IRDAI) એ સ્ટાર હેલ્થ એન્ડ એલાઈડ ઇન્સ્યોરન્સ પર ₹2 કરોડનો દંડ ફટકાર્યો છે. ક્લેમને ખોટી રીતે નકારવા, પોલિસીની શરતોથી વિરુદ્ધ કપાત કરવા અને ગ્રાહકોને પૂરતી માહિતી ન આપવા સહિતની અનિયમિતતાઓ બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે.

દિગ્ગજ હેલ્થ ઇન્સ્યોરન્સ કંપની સ્ટાર હેલ્થ એન્ડ એલાઈડ ઇન્સ્યોરન્સને વીમા નિયમનકાર ઇરડા (IRDAI) એ મોટો ઝટકો આપ્યો છે. ઇરડાએ સ્ટાર હેલ્થ પર ₹2 કરોડનો દંડ ફટકાર્યો છે.
વીમા કંપની પર આ કાર્યવાહી ઇન્સ્યોરન્સ ક્લેમને ખોટી રીતે નકારવા, પોલિસીની શરતોથી વિરુદ્ધ કપાત કરવા અને પોલિસીધારકોને ક્લેમ સંબંધિત નિર્ણયો વિશે પૂરતી માહિતી ન આપવાના કારણે કરવામાં આવી છે.
ઇરડાના 20 નવેમ્બર, 2026 ના પરિપત્ર મુજબ આ આદેશ 31 જાન્યુઆરીથી 11 ફેબ્રુઆરી 2022 દરમિયાન કરવામાં આવેલી તપાસ બાદ આવ્યો છે. ત્યારબાદ 4 ડિસેમ્બર 2024 ના રોજ કંપનીને કારણદર્શક નોટિસ (શો-કોઝ નોટિસ) ફટકારવામાં આવી હતી અને 18 જૂન 2025 ના રોજ વ્યક્તિગત સુનાવણી થઈ હતી.
તપાસમાં IRDAI એ શું જોયું?
તપાસ દરમિયાન ઇરડાએ જોયું કે, સ્ટાર હેલ્થે કોવિડ-19 (COVID-19) ક્લેમ સહિતના ઘણા હેલ્થ ઇન્સ્યોરન્સ ક્લેમ્સને કોઈ નક્કર આધાર વિના ફગાવી દીધા હતા.
તપાસમાં એ પણ સામે આવ્યું કે, કંપનીએ ક્લેમમાં એવા આધારે કપાત કરી, જેનો પોલિસીની શરતોમાં કોઈ ઉલ્લેખ જ નહોતો. ઇરડાના પરિપત્ર મુજબ ઘણા કિસ્સાઓમાં તો પોલિસીધારકોને ચુકવણી ત્યારે મળી, જ્યારે ઇરડાએ કંપનીનું ધ્યાન અનિયમિતતાઓ તરફ દોર્યું.
ઇરડાએ એ પણ ઉલ્લેખ કર્યો કે, પોલિસીધારકોને એ ખાસ શરતો વિશે પણ જણાવવામાં આવ્યું નહોતું, જેના આધારે તેમના દાવાઓને નકારવામાં આવ્યા હતા અથવા તેમાં કપાત કરવામાં આવી હતી. આ કારણે પોલિસીધારકો પાસે કંપનીના નિર્ણયોને પડકારવા માટે કોઈ યોગ્ય આધાર બચ્યો નહોતો.
2 કિસ્સાઓમાં Star Health પર ₹2 કરોડનો દંડ
ઇરડાએ ₹2 કરોડનો દંડ બે અલગ-અલગ કિસ્સાઓમાં ફટકાર્યો છે. તેમાંથી ₹1 કરોડનો દંડ તો ઇરડા (હેલ્થ ઇન્સ્યોરન્સ) રેગ્યુલેશન્સ, 2016 ના રેગ્યુલેશન 27(5) ના ઉલ્લંઘન સાથે સંબંધિત છે. બાકીનો ₹1 કરોડનો દંડ ઇરડા (થર્ડ પાર્ટી એડમિનિસ્ટ્રેટર્સ- હેલ્થ સર્વિસીસ) રેગ્યુલેશન્સ, 2016 ના અન્ય નિયમોના ઉલ્લંઘન બદલ લગાવવામાં આવ્યો છે.
ક્લેમ સેટલમેન્ટ લેટરમાં આપવી પડશે પૂરી માહિતી
ઇરડાએ નેટવર્ક હોસ્પિટલ તરફથી મળેલા ડિસ્કાઉન્ટની માહિતી હોસ્પિટલના બિલમાં ન દેખાવા અને પોલિસીધારકોને આ અંગે ન જણાવવા બદલ સ્ટાર હેલ્થને ચેતવણી આપી છે.
ઇરડાએ વીમા કંપનીને એ સુનિશ્ચિત કરવાનો આદેશ આપ્યો છે કે, ક્લેમ સેટલમેન્ટ લેટરમાં પૂરી વિગતો (જેમ કે- કેટલા ક્લેમને મંજૂરી આપવામાં આવી, કેટલા નકારવામાં આવ્યા, કયો ખર્ચ કવર નથી, ડિસ્કાઉન્ટ કેટલું છે અને સમ ઇન્સ્યોર્ડમાં કોઈપણ પ્રકારની કપાત) હોવી જોઈએ.
IRDAI એ વીમા કંપનીને ચેતવણી આપી
આ ઉપરાંત ઇરડાએ વીમા કંપનીને એ બાબત માટે પણ ચેતવણી આપી છે કે, તે 90 દિવસથી વધુ સમય પહેલા પોલિસી રિન્યુ કરાવવા માટે પ્રીમિયમ વસૂલતી હતી. આ સિવાય જે લોકોએ ફરિયાદ કરી, તેમને ઇન્સ્યોરન્સ ઓમ્બડ્સમેનની માહિતી ન આપવા બદલ પણ સ્ટાર હેલ્થને ચેતવણી મળી છે.
ઇરડાનું કહેવું છે કે, વીમા કંપનીએ સુધારા સંબંધિત કેટલાક પગલાં લીધા છે, જેને રેકોર્ડ પર લેવામાં આવ્યા છે. હવે ઇરડાનો આદેશ કંપની પોતાના બોર્ડ સમક્ષ રજૂ કરશે. કંપનીને એક એક્શન ટેકન રિપોર્ટ (ATR) જમા કરાવવો પડશે. આમાં કંપનીએ જણાવવું પડશે કે, ઇરડાના નિર્દેશો બાદ તેણે શું-શું સુધારા કર્યા છે?
