અમદાવાદથી લઈને બેંગલુરુ સુધી…. મેટ્રો શહેરમાં રહેવું ‘મોંઘું’! ઘરનું ભાડું ₹20,000 અને મહિનાની આવક ₹30,000; બાકીના ખર્ચા કેમના પૂરા કરવા?
દેશના મોટા શહેરોમાં રહેવું મધ્યમ વર્ગ માટે વધુને વધુ મોંઘું થઈ રહ્યું છે. ઘર ભાડામાં સતત થઈ રહેલા વધારાથી મિડલ ક્લાસના લોકો ચિંતિત છે.

દેશના મોટા શહેરોમાં રહેવું મધ્યમ વર્ગ માટે વધુને વધુ મોંઘું થઈ રહ્યું છે. એક અહેવાલ મુજબ આજે ઘણા મેટ્રો શહેરોમાં સરેરાશ પગાર દર મહિને ₹30,000 ની આસપાસ છે, જ્યારે ભાડું ₹20,000 કે તેથી વધુનું છે. આનો અર્થ એ છે કે, મોટાભાગની આવક ફક્ત ઘર ભાડા પર જ ખર્ચવામાં આવે છે.
LinkedIn પોસ્ટમાં Sujay U એ લખ્યું છે કે, ભારતના મેટ્રો સિટીઝમાં સામાન્ય જીવન વધુને વધુ મુશ્કેલ બની રહ્યું છે. સુજયની પોસ્ટે મેટ્રોપોલિટન શહેરોમાં રૂમ ભાડા વિશે ચર્ચા ફરી શરૂ કરી છે, જે સરેરાશ આવક અને વધતાં ભાડા ખર્ચ વચ્ચેની અસમાનતાને દર્શાવે છે.
સુજયે ઉદાહરણ આપતા કહ્યું કે, મુંબઈ સહિત ઘણા મોટા શહેરોમાં સરેરાશ માસિક આવક હાલમાં ₹25,000 ની આસપાસ છે અને 1BHK ફ્લેટનું ભાડું ₹20,000 ની આસપાસ પહોંચી ગયું છે. સુજય વધુમાં કહે છે કે, જ્યારે લોકો મહિને ₹30,000 કમાય છે, ત્યારે ભાડું તેમની આવકના અડધાથી વધુ ખર્ચ કરે છે. એવામાં તેઓ બીજા ખર્ચાઓ કેવી રીતે મેનેજ કરી શકે?
સુજયે અહેવાલમાં જણાવ્યું હતું કે, લોકોના પગારનો લગભગ 80% ભાગ ફક્ત ભાડા પર ખર્ચવામાં આવે છે. આનાથી ફૂડ, ટ્રાન્સપોર્ટેશન, બાળકોના શિક્ષણ જેવા અન્ય ખર્ચાઓ લગભગ અશક્ય બની રહ્યા છે. બેંગલુરુમાં સરેરાશ પગાર ₹28,000 થી ₹30,000 સુધીનો છે અને અહીં 1BHK નું ભાડું ₹20,000 સુધી પહોંચી ગયું છે. દિલ્હી, હૈદરાબાદ અને અમદાવાદ જેવા શહેરોમાં પણ પરિસ્થિતિ આવી જ છે.
અહેવાલમાં જણાવાયું છે કે, છેલ્લા કેટલાક વર્ષોમાં ભાડા અને મકાનોના ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે પરંતુ વ્યક્તિનો પગાર વધતો નથી. નવાઈની વાત એ છે કે, મેટ્રો શહેરોમાં નોકરીઓની સંખ્યામાં વધારો થયો છે પરંતુ ત્યારે પગાર વૃદ્ધિ ખૂબ જ ધીમી રહી છે.
શું નાના શહેરોમાં ઘર ખરીદવું એ સારો વિકલ્પ?
અહેવાલમાં પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો છે કે, જો વ્યક્તિના પગારનો 60-70% ભાગ ફક્ત ભાડા પાછળ ખર્ચવામાં આવે છે, તો શું મેટ્રો શહેરોમાં રહેવું યોગ્ય છે? ઘણા યુવાનો હવે વિચારી રહ્યા છે કે, નાના શહેરોમાં રિમોટ વર્ક કરવું અથવા તો સેમી-મેટ્રો વિસ્તારોમાં ઘર ખરીદવું એ વધુ સારો વિકલ્પ બની શકે છે.
