Rich Sweet : ભારતની સૌથી મોંઘી મીઠાઈ ! એક કિલોની કિંમત ₹1.11 લાખ, એવું તો શું ખાસ છે આ ‘મિષ્ટાન્ન’માં?
શું તમને ખબર છે કે, ભારતની સૌથી મોંઘી મીઠાઈ કઈ છે? જો ના, તો આ લેખ તમારા માટે ખૂબ જ ખાસ છે. વાત એમ છે કે, 'ત્યોહાર' નામની એક મીઠાઈની દુકાને 'દિવાળી 2025' માટે ખાસ મીઠાઈ બનાવી છે. એવામાં ચાલો જાણીએ કે, આ મીઠાઈમાં ખાસ શું છે....

શું તમે ક્યારેય સોના અને ચાંદીમાંથી બનેલી મીઠાઈઓ જોઈ છે? જો ના, તો હવે જોઈ લેજો. ‘ત્યોહાર’ નામની એક મીઠાઈની દુકાને ‘દિવાળી 2025’ માટે 24 કેરેટ સોના અને ચાંદીમાંથી બનેલી મીઠાઈઓને લઈને પોતાની તરફ બધાનું ધ્યાન ખેંચ્યું છે.
શું છે ખાસ?
જયપુરમાં ‘ત્યોહાર’ નામની દુકાને 24 કેરેટ સોના અને ચાંદીથી બનેલી મીઠાઈઓ તૈયાર કરી છે, જે હાલ લોકોમાં ચર્ચાનો વિષય બની રહી છે. મળતી માહિતી મુજબ, આ દુકાનમાં સૌથી મોંઘી મીઠાઈ ‘સ્વર્ણ પ્રસાદમ’ છે, જેની કિંમત ₹1.11 લાખ પ્રતિ કિલોગ્રામ છે. તેને દેશની સૌથી મોંઘી મીઠાઈ તરીકે ઓળખવામાં આવી રહી છે.
મીઠાઈનું નામ શું છે?
આ મીઠાઈની દુકાન શહેરના વૈશાલી નગર વિસ્તારમાં આવેલી છે. આ મીઠાઈની દુકાન ‘દિવાળી 2025’ માટે 24 કેરેટ સોનામાંથી બનેલી ‘સ્વર્ણ ભસ્મ પાક’ અને ચાંદીની રાખમાંથી બનેલી ‘ચાંદી ભસ્મ પાક’ સાથે લોકોનું ધ્યાન ખેંચી રહી છે. આ મીઠાઇની કિંમતો ₹45,000 થી ₹1 લાખ પ્રતિ કિલોગ્રામ સુધીની છે.
આ દુકાનમાં સ્વર્ણ પ્રસાદમ નામની મીઠાઈ પણ છે, જેની કિંમત પ્રતિ કિલોગ્રામ ₹1.11 લાખ છે. તેને ભારતની સૌથી મોંઘી મીઠાઈ માનવામાં આવે છે. આ દિવાળી પર જો તમે તમારા પ્રિયજનોને કંઈક ખાસ અને યાદગાર ભેટ આપવા માંગતા હોવ, તો આ મીઠાઈ એક અનોખી પસંદગી બની શકે છે.
કોણે બનાવી છે આ મીઠાઈ?
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અંજલિ જૈન આ અનોખી મીઠાઈ પાછળના મુખ્ય સૂત્રધાર છે. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટમાંથી આંત્રપ્રિન્યોર બનેલા અંજલિ જૈને આ અનોખી મીઠાઈ બનાવી છે. ANI સાથે વાત કરતા અંજલિએ સમજાવ્યું કે, મીઠાઈની વિશેષતા તેની સામગ્રીમાં રહેલી છે, જેમાં પાઈન નટ્સ (સૌથી મોંઘા ડ્રાયફ્રૂટ), ઘી, ખાંડ અને સૌથી અગત્યનું 24-કેરેટ ખાદ્ય સોનું પણ છે.
દિવાળી 2025 ની ખાસ ઓફર
અંજલિએ કહ્યું કે, “આ દિવાળી અમે તમારા માટે ‘સુનહરી દિવાળી બાય ત્યોહાર’ લઈને આવ્યા છીએ, જેમાં લક્ઝરી જ્વેલરી બોક્સ જેવા પેકેજિંગમાં ઉપલબ્ધ મીઠાઈઓની સંપૂર્ણ સોનાની સિરીઝ છે.”
અંજલિ જૈનના જણાવ્યા મુજબ, ‘ત્યોહાર’ની આ દિવાળી 2025 ની ખાસ ઓફર “દિલ સે દિવાળી” થીમ પર આધારિત છે, જેમાં બુલેટ બોમ્બ, સ્ટ્રિંગ બોમ્બ અને ચકરી જેવા પરંપરાગત ફટાકડા જેવા આકારની કાજુ મીઠાઈઓ છે. આ મીઠાઈઓ 15 થી 20 દિવસની શેલ્ફ લાઇફ ધરાવે છે, જે તહેવાર દરમિયાન ભેટ આપવા માટે એક ઉત્તમ વિકલ્પ છે.
