ભારતની Multi-Alignment Policy ની થઈ રહી છે ચર્ચા, ભારતની બહુઆયામી વિદેશ નીતિની વ્યુહરચના તારશે કે ડૂબાડશે?
ભારતની બહુઆયામી વિદેશ નીતિ અમેરિકાના દબાણનો સામનો કરી રહી છે. અમેરિકા રશિયા પાસેથી તેલ ખરીદવા બદલ ભારતને સજા આપવા માંગે છે. કેટલાક નિષ્ણાતો માને છે કે આ નીતિ ભારત માટે ફાયદાકારક છે, જ્યારે અન્યો તેને નુકસાનકારક ગણાવે છે. ચર્ચાનો મુદ્દો છે કે શું ભારત પોતાની સ્વતંત્ર ધરી બની શકે છે કે તે ફક્ત દબાણનો ભોગ બનશે?

ભારત અમેરિકાના નિશાના પર છે. રશિયા પાસેથી તેલ ખરીદવા બદલ અમેરિકા ભારતને સજા આપવામાં લાગેલુ છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર વધારાનો 25% ટેરિફ લાદ્યો છે. જે આ 27 ઓગસ્ટથી અમલમાં આવનાર છે. આ કારણે અમેરિકામાં ભારતીય માલ પર ટેરિફ 50% સુધી વધી જશે. અમેરિકી નાણામંત્રી સ્કોટ બેસન્ટે પણ યુરોપિયન દેશોને ભારત વિરુદ્ધ આ ઝુંબેશમાં જોડાવા અપીલ કરી છે. તેમણે કહ્યું છે કે અમેરિકાની જેમ યુરોપિયન દેશોએ પણ રશિયાનું તેલ ખરીદવા બદલ ભારત પર ટેરિફ લાદવો જોઈએ. સત્ય એ છે કે ચીન અને યુરોપ હજુ પણ ભારત કરતાં રશિયા પાસેથી વધુ ઉર્જા ખરીદી રહ્યા છે. આ જ કારણ છે કે આ સમગ્ર મામલે ભારતની ‘મલ્ટિ-એલાઇનમેન્ટ’ નીતિ પર ચર્ચા શરૂ થઈ છે. કેટલાક લોકો માને છે કે તે ભારત માટે ફાયદાકારક છે, જ્યારે કેટલાક તેને આર્થિક વિકાસ માટે હાનિકારક ગણાવી રહ્યા છે. હાલ આ મુદ્દે ચર્ચા વધુ તેજ બની છે કે શું ભારત પોતે એક ધરી છે કે તે અન્ય લોકો માટે બિનજરૂરી બની ગયું છે?
સ્કોટ બેસન્ટે ભારતને આપેલી ચેતવણી પર ચર્ચા શરૂ થઈ છે. આ અંગે વિવિધ મંતવ્યો સામે આવ્યા છે. રોકાણકાર અને પોલિસી એનાલિસ્ટ હર્ષ ગુપ્તા મધુસુદન માને છે કે આ ભારતની ‘મલ્ટિ-એલાઇનમેન્ટ’ એટલે કે ઘણા દેશો સાથે સંબંધો જાળવવાની વ્યૂહરચનાની નિષ્ફળતા નથી. તો આર્થિક બાબતોના કોમેન્ટેટર આર્નોડ બર્ટ્રાન્ડ કહે છે કે ભારતની આ વ્યૂહરચના તેના માટે હાનિકારક સાબિત થઈ છે.
અમેરિકામાં નિકાસ GDP ના 1%
મધુસુદને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર લખ્યું છે કે ભારતની અમેરિકામાં નિકાસ GDP ના માત્ર 1% છે. તેમણે કહ્યું કે જો અમેરિકા ભારત પર 50% કે તેથી વધુ ટેરિફ લાદે તો પણ ભારતનો વિકાસ દર થોડા પ્રમાણમાં જ ઘટશે.
મધુસુદનના મતે, ‘મલ્ટિ-એલાઇનમેન્ટ’ ની નીતિ ભારત માટે પહેલા કરતાં વધુ મહત્વપૂર્ણ છે. ચીન ભારત સાથે સંબંધો સુધારવાનો પ્રયાસ કરી રહ્યું છે. તે જ સમયે, ભારત ફિલિપાઇન્સ સાથે વ્યૂહાત્મક કરાર કરી રહ્યું છે. તેમણે એમ પણ કહ્યું કે ચીન સિવાય, રશિયા, અમેરિકા, EU અને જાપાન જેવા દેશો પણ ભારત સાથે આર્થિક અને લશ્કરી સંબંધો જાળવી રાખશે. મધુસુદને અંતમાં કહ્યુ કે ભારતને પોતાની ખુદની ધરી છે.
ભારતથી કોઈને ખતરો નથી
બીજી બાજુ, આર્નાડ બર્ટ્રાન્ડ માને છે કે ભારતની ‘મલ્ટિ-એલાઇનમેન્ટ’ વ્યૂહરચના નિષ્ફળ ગઈ છે. તેમના મતે, આ વ્યૂહરચનાનો હેતુ ભારતને બધા દેશો માટે મહત્વપૂર્ણ બનાવવાનો હતો. પરંતુ, તેનાથી વિપરીત, ભારત દરેક દેશ માટે બિનજરૂરી બની ગયું છે. તેમણે કહ્યું કે ભારત એક ‘એડજસ્ટમેન્ટ વેરિયેબલ’ જેવું બની ગયું છે જે સિસ્ટમમાં તણાવ ઘટાડવાનું કામ કરે છે. પરંતુ, તેનાથી સિસ્ટમ માટે કોઈ ખતરો નથી હોતો.
બર્ટ્રાન્ડે એ પણ સમજાવ્યું કે ટ્રમ્પે ભારતને કેમ ધમકી આપી? તેમના મતે, જ્યારે ટ્રમ્પને ચીન તરફથી કોઈ ધમકી વિના પોતાની તાકાત બતાવવી પડે છે, ત્યારે તે ભારતને ધમકી આપે છે. કારણ એ છે કે ભારત એટલું મોટું છે કે તેનો થોડો પ્રભાવ પડશે. પરંતુ, એટલું શક્તિશાળી નથી કે તે પલટવાર કરી શકે. તેમણે કહ્યું કે જ્યારે તમે બધાના મિત્ર બનવાનો પ્રયાસ કરો છો, ત્યારે તમે દરેક માટે ‘પ્રેશર વાલ્વ’ બની જાઓ છો. ખાસ કરીને ત્યારે જ્યારે તમારી પાસે તમારી વાત પહોંચાડવાની શક્તિ ન હોય.
