ભારતે ઓપરેશન સિંદૂરથી એક નહીં 3 દૂશ્મન દેશને હરાવ્યા: ડેપ્યુટી આર્મી ચીફ
ઓપરેશન સિંદૂર દરમિયાન, ભારતે સીધી રીતે માત્ર પાકિસ્તાનને જ ઘૂળ ચાટતું કર્યું છે પરંતુ આપણે પાકિસ્તાન તેમજ ચીન સામે પણ લડાઈ લડી હતી. લેફ્ટનન્ટ જનરલ રાહુલ આર સિંહે આ અભિયાનમાં વાયુ સંરક્ષણની મહત્વપૂર્ણ ભૂમિકા પર પ્રકાશ પાડ્યો અને ભવિષ્ય માટે વધુ સારી તૈયારીઓની જરૂરિયાત પર ભાર મૂક્યો. તેમણે આપણા પડોશી દેશ પૈકી, ચીન ઉપર પાકિસ્તાનની નિર્ભરતા અને ચીન દ્વારા પાકિસ્તાનને લશ્કરી માહિતી પૂરી પાડવા અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી.

ઓપરેશન સિંદૂર દરમિયાન, ભારત માત્ર પાકિસ્તાન સામે જ લડી રહ્યું ન હતું, પરંતુ ક્યાંક ચીન સાથે પણ સંઘર્ષમાં હતું. આ સંદર્ભમાં, ડેપ્યુટી આર્મી ચીફ (ક્ષમતા વિકાસ અને જાળવણી) લેફ્ટનન્ટ જનરલ રાહુલ આર સિંહનું એક મોટું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે સમગ્ર ઓપરેશન સિંદૂર અભિયાન દરમિયાન વાયુ સંરક્ષણ અને તેનું સંચાલન મહત્વપૂર્ણ હતું. આ વખતે, આપણા વસ્તી કેન્દ્રો પર પૂરતું ધ્યાન આપવામાં આવ્યું ના હતું, પરંતુ આગલી વખતે આપણે તેના માટે તૈયાર રહેવું પડશે. આપણી સામે એક સરહદ અને બે વિરોધીઓ હતા, ખરેખર તો ત્રણ વિરોધીઓ. પાકિસ્તાન ફ્રન્ટ લાઇન પર હતું અને ચીન શક્ય તેટલી મદદ પૂરી પાડી રહ્યું હતું.
FICCI દ્વારા આયોજિત ‘ન્યૂ એજ મિલિટરી ટેક્નોલોજીસ’ કાર્યક્રમમાં બોલતા, લેફ્ટનન્ટ જનરલે કહ્યું, ‘પાકિસ્તાન પાસે જે લશ્કરી હાર્ડવેર છે તેમાં 81 ટકા હિસ્સો ચીનનો છે. ચીન પોતાના શસ્ત્રોનું પરીક્ષણ અન્ય શસ્ત્રો સામે કરી શકે છે. તેથી જ તેમના માટે લાઇવ લેબ જેવું છે. પાકિસ્તાનને આ પ્રકારની સહાય પૂરી પાડવામાં તુર્કીયે એ પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. જ્યારે DGMO સ્તરની વાટાઘાટો ચાલી રહી હતી, ત્યારે પાકિસ્તાનને ચીન તરફથી આપણા મહત્વપૂર્ણ વેક્ટર્સ વિશે લાઇવ અપડેટ્સ મળી રહ્યા હતા. આ જોતા આપણને મજબૂત હવાઈ સંરક્ષણની જરૂર છે.’
ઓપરેશન સિંદૂર – પાઠ શિખવા મળ્યાં
તેમણે કહ્યું, ‘આપણો એક જ મુક્કો તેમના માટે કાફી હતો. પાકિસ્તાનને ખ્યાલ આવ્યો કે જો તે મુક્કો મારશે તો તેમનુ કામ કાયમ માટે તમામ થઈ જશે, તેમની સ્થિતિ ખૂબ જ ખરાબ થશે. તેથી જ તેમણે સામેથી યુદ્ધવિરામની માંગણી કરી.’ જ્યારે, લેફ્ટનન્ટ જનરલ રાહુલ આર સિંહે આતંકવાદી ઠેકાણાઓ પર ચોક્કસ હુમલા કરવા બદલ ભારતીય સશસ્ત્ર દળોની પ્રશંસા કરી. તેમણે લક્ષ્ય પસંદગી, આયોજનમાં વ્યૂહાત્મક સંદેશાવ્યવહાર, ટેકનોલોજીના એકીકરણ અને માનવ ગુપ્ત માહિતી પર પણ ભાર મૂક્યો.
તેમણે કહ્યું, ‘ઓપરેશન સિંદૂરમાંથી કેટલાક પાઠ શીખવા મળ્યા છે. નેતૃત્વ તરફથી વ્યૂહાત્મક સંદેશ સ્પષ્ટ હતો. થોડા વર્ષો પહેલાની જેમ પીડા સહન કરવાનો કોઈ અવકાશ નથી. લક્ષ્યોનું આયોજન અને પસંદગી ટેકનોલોજી અને માનવ ગુપ્ત માહિતીનો ઉપયોગ કરીને એકત્રિત કરવામાં આવેલા ઘણા બધા ડેટા પર આધારિત હતી. તેથી કુલ 21 લક્ષ્યો ઓળખવામાં આવ્યા હતા, જેમાંથી નવ લક્ષ્યો પર હુમલો કરવો અમને સમજદારીભર્યું લાગતું હતું. ફક્ત છેલ્લા દિવસે અથવા છેલ્લા કલાકે જ નક્કી કરવામાં આવ્યું હતું કે આ જ નવ લક્ષ્યો પર હુમલો કરવાનો છે.’
ભારતે 6-7 મેની રાત્રે આતંકવાદી ઠેકાણાઓ પર હુમલો કર્યો
ભારતે, પહેલગામ હુમલાનો બદલો લેવા માટે ઓપરેશન સિંદૂર શરૂ કર્યું. ભારતીય દળોએ 6-7 મેની રાત્રે પાકિસ્તાન અને પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીર (PoK) માં આતંકવાદી ઠેકાણાઓનો નાશ કર્યો. આ કાર્યવાહી બાદ, પાકિસ્તાન ગુસ્સે થઈ ગયું અને ભારત પર વળતો હુમલો કર્યો. પાકિસ્તાને મિસાઈલ અને ડ્રોન દ્વારા હુમલો કર્યો, જેનો ભારતીય સેનાએ યોગ્ય જવાબ આપ્યો. સેનાએ પાકિસ્તાનની મિસાઈલ અને ડ્રોનને હવામાં જ તોડી પાડ્યા. અને તેના હુમલાના પ્રતિકાર સ્વરૂપે પાકિસ્તાના એરબેઝને ભારતે નિશાન બનાવીને તોડી પાડ્યાં.