ફ્લેટ-એપાર્ટમેન્ટના મેન્ટેનન્સ ચાર્જ પર GST કેવી રીતે લેવાશે ? નાણામંત્રીએ આપ્યો જવાબ
લોકસભામાં, સાંસદ મણિકમ ટાગોર અને સુરેશ કુમાર શેતકરે, ફ્લેટ-એપાર્ટમેન્ટ મેન્ટેનન્સ ચાર્જ પર GST સંબંધિત મહત્વપૂર્ણ પ્રશ્નો ઉઠાવ્યા હતા. નાણામંત્રી નિર્મલા સીતારમણે આ પ્રશ્નોના જવાબ આપ્યા છે. નિર્મલા સિતારમણે કહ્યું છે કે કેટલા રૂપિયા મેઈન્ટેનન્સ તરીકે ચૂકવનારા પાસેથી GST વસૂલાશે અને GST નહીં ભરનારા ફ્લેટ-એપાર્ટમેન્ટ એસોસિએશન પાસેથી દંડ વસૂલાશે ?

લોકસભામાં, સાંસદ મણિકમ ટાગોર અને સુરેશ કુમાર શેતકરે ફ્લેટ-એપાર્ટમેન્ટ મેન્ટેનન્સ ચાર્જ પર GST સંબંધિત 6 પ્રશ્નો પૂછ્યા હતા. જેના જવાબ નાણામંત્રી નિર્મલા સીતારમણે આપ્યો છે. બંને સાંસદોએ પૂછ્યું હતું કે, સરકારે એ સમજાવવુ પડશે કે, 7,500 થી ઓછો મેઈન્ટેન્સ ચૂકવનારા ફ્લેટ-એપાર્ટમેન્ટના ધારકો ઉપર GSTનું ભારણ નથી આવતુ. અને 7500થી વઘુ ચૂકવનારાને સમજાવવું જોઈએ કે તે કેવી રીતે તેમના પર GSTનો બોજ લાવવામાં આવ્યો છે. તેવી જ રીતે, તેમણે બીજો પ્રશ્ન પૂછ્યો હતો કે, GST નિયમોનું પાલન ન કરવા બદલ ફ્લેટ- એપાર્ટમેન્ટ એસોસિએશન પર લાદવામાં આવેલા દંડથી ઉદભવતા સંભવિત મુદ્દાઓને સરકાર કેવી રીતે ઉકેલે છે? ચાલો જાણીએ કે સાંસદોએ કયા પ્રશ્નો પૂછ્યા અને નાણામંત્રીએ શું જવાબ આપ્યા.
પ્રશ્ન: ફ્લેટ-એપાર્ટમેન્ટ મેન્ટેનન્સ ચાર્જ પર GST લેવા અંગે સરકારનું શું વલણ છે, ખાસ કરીને નાના એપાર્ટમેન્ટમાં રહેતા લોકો માટે ? 7500 રૂપિયાથી ઓછા જાળવણી ચાર્જવાળા એપાર્ટમેન્ટ પર GST કેવી રીતે લાગુ પડે છે?
જવાબ: નાણામંત્રીએ કહ્યું કે, જો કોઈ ફ્લેટ- એપાર્ટમેન્ટમાં રહેતી વ્યક્તિ દર મહિને 7500 રૂપિયા કે તેથી ઓછા જાળવણી ચાર્જ ચૂકવે છે, તો તેના પર કોઈ GST લાગતો નથી. આ મુક્તિ એપાર્ટમેન્ટ એસોસિએશન એટલે કે RWA ને આપવામાં આવે છે, જે આ સેવા પૂરી પાડે છે. GST નિયમો સીધા રહેવાસીઓ પર લાગુ પડતા નથી.
પ્રશ્ન: લોકોને એપાર્ટમેન્ટના GST ને સમજવામાં મુશ્કેલી પડે છે, સરકાર આ અંગે શું કરી રહી છે?
જવાબ: એપાર્ટમેન્ટમાં રહેતા લોકોને કોઈ GST ફોર્મ ભરવાની જરૂર નથી. જો કોઈ એપાર્ટમેન્ટ એસોસિએશન વર્ષમાં 20 લાખ રૂપિયાથી વધુ કમાય છે અને દરેક સભ્ય પાસેથી 7500 રૂપિયા (દર મહિને) થી વધુ વસૂલ કરે છે, તો તેણે GST નોંધણી કરાવવી પડશે. સરકારે આ અંગે એક પરિપત્ર બહાર પાડ્યો છે. તેનો હેતુ લોકોને આ વિશે જાગૃત કરવાનો છે. એટલું જ નહીં, GST હેલ્પ ડેસ્ક અને જાગૃતિ કાર્યક્રમો પણ ચલાવવામાં આવી રહ્યા છે.
પ્રશ્ન: શું એપાર્ટમેન્ટ એસોસિએશન માટે GST નિયમન મુશ્કેલ છે?
જવાબ: ના, GST ના કાર્યક્ષેત્ર હેઠળ આવતી સંસ્થાઓ માટે નિયમો સમાન છે. પહેલા 5000 રૂપિયા સુધીની છૂટ હતી, જે વધારીને 7500 રૂપિયા કરવામાં આવી છે.
પ્રશ્ન: 7500 રૂપિયાથી ઉપર 18% GST શા માટે વસૂલવામાં આવે છે?
જવાબ: GST કાઉન્સિલ GST ના દરો નક્કી કરે છે. જો કોઈ એસોસિએશન દરેક સભ્ય પાસેથી 7500 રૂપિયાથી વધુ જાળવણી ચાર્જ વસૂલ કરે છે, તો તેને મોટા અને વધુ સજ્જ ફ્લેટ માટે સેવા તરીકે ગણવામાં આવે છે. તેથી, 18% GST વસૂલવામાં આવે છે.
પ્રશ્ન: શું એપાર્ટમેન્ટની GST સ્થિતિ જાણવા માટે કોઈ પ્રમાણપત્ર લેવાની જરૂર છે?
જવાબ: કોઈ પત્ર લેવાની જરૂર નથી.
પ્રશ્ન: જો કોઈ એપાર્ટમેન્ટ એસોસિએશન GST ચૂકવી ન શકે તો શું થશે?
જવાબ: જો કોઈ એસોસિએશનને GST ચૂકવવાનું રહી ગયું હોય, તો સરકારે દંડ વિના અથવા ઓછા દંડ સાથે ચૂકવણી કરવાની તક આપી છે. આ માટે, 8 ઓક્ટોબર 2024 ના રોજ એક સૂચના જાહેર કરવામાં આવી હતી.
રાજ્યસભા અને લોકસભાના ચોમાસુ સત્રને લગતા તમામ સમચાર જાણવા માટે આપ અહીં ક્લિક કરો.