Delhi Blast : પાકિસ્તાનના ખાસ દોસ્ત તુર્કિયેથી આત્મઘાતી ડોકટરને મળતા હતા આદેશ, એજન્સીની તપાસમાં મળ્યું પગેરૂં
તુર્કિયેના અંકારામાં જ્યારે આ લોકો ગયા તે સમયે તેમનું બ્રેઈન વોશ કરવામાં આવ્યું હોઈ શકે છે. રાષ્ટ્રીય તપાસ એજન્સી આ વાતની પુષ્ટિ કરવા માટે નવી દિલ્હી સ્થિત તુર્કિયે દૂતાવાસના સંપર્કમાં છે અને દિલ્હી બ્લાસ્ટના તાર જે તુર્કિયે સુધી લંબાયા છે તેની તપાસ માટે જરૂરી સહયોગ માંગ્યો છે.

દિલ્હીમાં આત્મઘાતી કાર બ્લાસ્ટ કરનાર આતંકવાદી ડોકટર ઉમર સહિત બાર લોકોના મોત થયા છે. આ કાર બ્લાસ્ટની તપાસમાં જોડાયેલ વિવિધ સુરક્ષા એજન્સીઓની તપાસમાં જાણવા મળ્યું છે કે, આત્મઘાતી ડોકટર ઉમર તુર્કીયેના અંકારામાં રહેલા તેના હેન્ડલરના સતત સંપર્કમાં હતો. ડોકટર ઉમર બ્રેઈન વોશિંગ માટે તુર્કિયેના અંકારામાં ગયો હતો. ફરીદાબાદથી કાર સાથે ભાગી ગયા પછી, તે દિલ્હી પહોંચવા માટે પોલીસની આંખમાં ઘૂળ નાખવા માટે વિવિધ માર્ગોએથી પસાર થયો હતો, જ્યાં લાલ કિલ્લા પાસે બ્લાસ્ટ કરતા પહેલા એક જૂની મસ્જિદમાં પણ ગયો હતો.
દિલ્હીના લાલ કિલ્લા કાર બ્લાસ્ટની જેમ જેમ તપાસ આગળ વધતી જાય છે તેમ તેમ એક પછી એક ઘણી ચોકાવનારી વિગતો બહાર આવી છે. તપાસ એજન્સીએ કાર બ્લાસ્ટના જોડેલા તાર મુજબ, આ ઘટનામાં આત્મઘાતી આતંકવાદી ડોકટર ઉમર સહિત 12 લોકોએ જીવ ગુમાવ્યા છે. ડોકટર ઉમરના પરિવારને પહેલાથી જ શંકા હતી કે તે કટ્ટરપંથી આતંકી બન્યો છે. જો કે, ડોકટર ઉમરના પરિવારજનોએ આ બાબતે સુરક્ષા એજન્સીઓને કોઈ પણ માહિતી આપી ન હતી.
આતંકવાદી ડોકટર ઉમર સેશન્સ એપ દ્વારા તુર્કિયેના અંકારામાં સ્થિત તેના હેન્ડલર ‘યુકાસા’ (સંભવિત કોડનેમ) સાથે સતત સંપર્કમાં હતો. તપાસ એજન્સીના સૂત્રોના જણાવ્યા અનુસાર, માર્ચ 2022 માં કેટલાક વ્યક્તિઓ ભારતથી અંકારામાં ગયા હતા. આ લોકોની હાથ ધરેલ પ્રાથમિક તપાસ બાદ એજન્સીને એવી શંકા છે કે, ડોકટર ઉમરની સાથે તુર્કિયે ગયેલા અન્ય લોકોમાં ફરીદાબાદ આતંકવાદી મોડ્યુલમાં ધરપકડ કરાયેલા અન્ય શંકાસ્પદ વ્યક્તિઓ પણ હોઈ શકે છે. સુરક્ષા એજન્સી આ મામલે પણ તપાસ કરી રહી છે.
અંકારા ખાતે આ શંકાસ્પદ લોકોએ કરેલી મુલાકાત દરમિયાન તેમનું બ્રેઈન વોશ કરવામાં આવ્યું હોઈ શકે છે. રાષ્ટ્રીય તપાસ એજન્સી આ વાતની પુષ્ટિ કરવા માટે નવી દિલ્હીમાં તુર્કિયે દૂતાવાસના સંપર્કમાં છે અને તપાસ માટે જરૂરી સહયોગ માંગ્યો છે.
તપાસમાં ખુલ્યા આ રાઝ
દિલ્હી કાર વિસ્ફોટો અંગે, જેમ જેમ તપાસ આગળ વધતી જાય છે તેમ તેમ રોજ નવા નવા ખુલાસાઓ થઈ રહ્યા છે. આતંકવાદી ડોકટર ઉમર ફરિદાબાદથી દિલ્હી લાલ કિલ્લા સુધીના રૂટ અંગે વધુ માહિતી સામે આવી છે. આ મુજબ, આત્મઘાતી ડોકટર ઉમર ફરીદાબાદથી ભાગી જઈને હરિયાણાના મેવાત થઈને ફિરોઝપુર ઝીરકા પહોંચ્યો હતો.
ત્યાંથી, તે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે થઈને દિલ્હી પાછો ફર્યો હતો. ડોકટર ઉમરે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર એક રેસ્ટોરન્ટ ખાતે રાત વિતાવી હતી, પરંતુ તે તેની કારમાં જ સૂઈ ગયો. ત્યારબાદ તે દિલ્હી-મુંબઈ હાઇવે થઈને મુરાદાબાદ પાછો ફર્યો અને બદરપુર સરહદ થઈને દિલ્હીમાં પાછો પ્રવેશ્યો હતો. આરોપી ડોકટર ઉમર દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પરના સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો. તે જ્યારે રેસ્ટોરન્ટ ખાતે રાત કારમાં જ રોકાયો હતો તેના પરથી સાબિત થાય છે કે, કારમાં વિસ્ફોટકો લઈને જ ફરતો હતો. જોખમ હોવાથી કારને રેઢી નહોતી મુકી.
ઉમર દિલ્હીની જૂની મસ્જિદ પહોંચ્યો હતો
લાલ કિલ્લાની બહાર વિસ્ફોટ કરનાર આત્મઘાતી આતંકવાદી ઉમર વિશે, અન્ય એક મોટો ખુલાસો પણ થયો છે. પ્રાપ્ત અહેવાલો અનુસાર, ડોકટર ઉમર મોહમ્મદ ઉર્ફે ઉમર નબી, વિસ્ફોટ કરતા પહેલા જૂની દિલ્હીની એક મસ્જિદ ખાતે ગયો હતો. લાલ કિલ્લા તરફ જતા પહેલા તે ત્યાં 10 મિનિટથી વધુ સમય રોકાયો હતો. ફૈઝ-એ-ઇલાહીની મસ્જિદ તુર્કમાન ગેટની સામે રામલીલા મેદાનના ખૂણા પર આવેલી છે. આ મસ્જિદમાં મોટા ભાગે તબલીગી જમાત કાર્ય કરે છે.
આત્મઘાતી ડોકટર ઉમર 50 CCTVમાં દેખાયો
પોલીસ પાસે ડોકટર ઉમરના લગભગ 50 સ્થળોના સીસીટીવી ફૂટેજ મોજૂદ છે. આનો અર્થ એવો થયો કે, ડોકટર ઉમર જ્યારે ફરીદાબાદથી દિલ્હીમાં પ્રવેશ્યા ત્યારે તેમણે દિલ્હીના ઘણા વિસ્તારોની મુલાકાત લીધી હતી. દિલ્હી પોલીસના મેપિંગ મુજબ, આતંકવાદી ડોકટર ઉમરે બપોરે 3 વાગ્યા પહેલા દિલ્હીના ઘણા વિસ્તારોમાં કાર લઈને ફર્યા હતો. દિલ્હી પોલીસ જિલ્લાના રેકોર્ડ મુજબ, આત્મઘાતી આતંકવાદી ડોકટર ઉમરને ફરીદાબાદથી દક્ષિણ પૂર્વ જિલ્લા સુધીના ઘણા સ્થળોના સીસીટીવી ફૂટેજમાં જોવા મળ્યો હતા.
આ પણ વાંચોઃ ઓછુ ભણેલા જ આતંકવાદી હોય છે એવુ નથી, ખૂબ ભણેલા વિદ્વાન પણ બન્યા છે આતંકી, જુઓ ફોટા