Haryana Exit Poll : 10 વર્ષ બાદ સરકારમાં આવશે કોંગ્રેસ, એક્ઝિટ પોલમાં બીજા સ્થાને સરકી ગઈ બીજેપી
હરિયાણામાં વિધાનસભા ચૂંટણી માટે મતદાન પૂર્ણ થયું છે. રાજ્યની તમામ 90 બેઠકો પર એક જ તબક્કામાં મતદાન થયું હતું. મતદાન પૂર્ણ થતાની સાથે જ રાજ્યના 1031 ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં કેદ થઈ ગયું છે, જ્યારે એક્ઝિટ પોલના અંદાજો પણ બહાર આવવા લાગ્યા છે. એક્ઝિટ પોલમાં કોંગ્રેસને હરિયાણામાં લીડ મળતી દેખાઈ રહી છે.
હરિયાણામાં આજે કડક સુરક્ષા વચ્ચે વિધાનસભા ચૂંટણી માટે મતદાન પૂર્ણ થયું હતું. રાજ્યની તમામ 90 બેઠકો પર એક જ તબક્કામાં મતદાન થયું હતું. હરિયાણામાં સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થયું હતું અને સાંજે 6 વાગ્યા સુધી ચાલ્યું હતું.
મતદાન પૂર્ણ થતાની સાથે જ રાજ્યના 1031 ઉમેદવારોનું ભાવિ હવે ઈવીએમમાં કેદ થઈ ગયું છે. હરિયાણામાં વિધાનસભા ચૂંટણી માટે મતદાન પૂર્ણ થયા બાદ એક્ઝિટ પોલના અંદાજો આવવા લાગ્યા છે. એક્ઝિટ પોલમાં કોંગ્રેસને હરિયાણામાં લીડ મળતી દેખાઈ રહી છે.
ચૂંટણી પંચ તરફથી મળેલી માહિતી મુજબ હરિયાણામાં સાંજે 5 વાગ્યા સુધી 61 ટકા મતદાન થઈ ચૂક્યું છે, જો કે, મતદાનના અંતિમ આંકડા આવવાના બાકી છે. આ વખતે ચૂંટણીમાં મુખ્ય મુકાબલો ભાજપ, કોંગ્રેસ, જેજેપી અને આઈએનએલડી વચ્ચે છે. ભાજપ અને કોંગ્રેસે 90માંથી 89 બેઠકો પર પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા છે.
આ વખતની ચૂંટણી ખૂબ જ રસપ્રદ છે. જ્યાં ભાજપ હેટ્રિક ફટકારવાનો પ્રયાસ કરી રહી છે, તો બીજી તરફ વિરોધ પક્ષ કોંગ્રેસ પોતાના 10 વર્ષના દુષ્કાળને ખતમ કરવા માટે રાજકીય યુક્તિઓ રમી રહી છે. આ ચૂંટણીમાં સીએમ નાયબ સૈની તેમજ કોંગ્રેસના નેતાઓ ભૂપેન્દ્ર હુડ્ડા, વિનેશ ફોગટ, અનિલ વિજ સહિત અનેક વરિષ્ઠ નેતાઓનું ભાવિ દાવ પર છે.
ભાસ્કર રિપોર્ટર્સ પોલમાં કોંગ્રેસ આગળ
દૈનિક ભાસ્કરના રિપોર્ટર્સ પોલમાં કોંગ્રેસ હરિયાણામાં સરકાર બનાવી શકે છે. સર્વેમાં કોંગ્રેસને 44-54 બેઠકો મળવાની ધારણા છે. આ સાથે જ સત્તાધારી ભાજપને 15-29 બેઠકોથી સંતોષ માનવો પડી શકે છે. તો INLDને 1-5 અને JJP અને ASPને 0-1 બેઠકો મળી શકે છે. ભાસ્કરના પોલનું માનીએ તો સતત બે ટર્મથી સરકાર બનાવી રહેલી ભાજપ બહુમતી માટે જરૂરી 46 બેઠકોથી ઘણી દૂર છે. આ વખતે પાર્ટી બીજા સ્થાને રહી શકે છે, જો કે આ માત્ર એક્ઝિટ પોલ છે, પરિણામ વિપરીત હોઈ શકે છે.
મેટ્રાઈઝમાં શું છે આંકડાઓ ?
બીજી તરફ, MATRIZE એક્ઝિટ પોલ અનુસાર, કોંગ્રેસને હરિયાણામાં 55-62 બેઠકો મળવાની ધારણા છે, એટલે કે અહીં પણ કોંગ્રેસને લીડ મળતી દેખાઈ રહી છે. બીજી તરફ એક્ઝિટ પોલ અનુસાર ભાજપને 18-24 બેઠકો મળવાની ધારણા છે. જેજેપીને 0-3 બેઠકો મળવાની ધારણા છે. INLDની વાત કરીએ તો હરિયાણા વિધાનસભા ચૂંટણીના એક્ઝિટ પોલમાં INLDને 3-6 બેઠકો મળી શકે છે. એક્ઝિટ પોલ મુજબ આમ આદમી પાર્ટી પોતાનું ખાતું પણ ખોલાવી શકી નથી.
પોલ્સ ઓફ પોલ્સમાં કોની સરકાર?
પીપલ્સ પલ્સના એક્ઝિટ પોલ મુજબ હરિયાણામાં બીજેપીને 20-32 સીટો મળી શકે છે. કોંગ્રેસની વાત કરીએ તો આ એક્ઝિટ પોલમાં તેને 49-61 બેઠકો મળવાની અનુમાન કરવામાં આવ્યું છે. જેજેપીને 0-1, INLDને 2-3 અને અન્યને 3-5 બેઠકો મળવાની ધારણા છે.
ધ્રુવ રિસર્ચના એક્ઝિટ પોલ મુજબ, હરિયાણામાં ભાજપને 22-32, કોંગ્રેસને 50-64, જેજેપી, INLD અને AAPને 0-0-0 જ્યારે અન્યને 2-8 બેઠકો મળી શકે છે. એટલે કે હરિયાણા વિધાનસભાની ચૂંટણીના મતદાનની વાત કરીએ તો રાજ્યમાં કોંગ્રેસની સરકાર બની રહી હોય તેવું લાગી રહ્યું છે. તમામ એક્ઝિટ પોલના અંદાજ મુજબ, હરિયાણામાં ભાજપને 22-24 બેઠકો, કોંગ્રેસને 53-55 બેઠકો મળી શકે છે જ્યારે જેજેપીને 1 અને INLDને 3 બેઠકો મળી શકે છે. 7 સીટો અન્યના ખાતામાં જઈ શકે છે.
આ પણ વાંચો: Jammu-Kashmir Exit Poll : જમ્મુ-કાશ્મીરમાં કોઈ પક્ષને સ્પષ્ટ બહુમતી નહીં, ફરી એકવાર મહેબૂબા બનશે કિંગમેકર!