5 રાજ્યમાં તાબડતોબ ગઠબંધન માટે કોંગ્રેસ અને અન્ય દળો આ 4 કારણોથી થયા મજબુર- ચાર મુુદ્દામાં સમજીએ સમીકરણ
ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટીએ સીટ શેરીંગની એવી શરૂઆત કરી છે કે હવે દિલ્હી-પંજાબ અને મહારાષ્ટ્ર જ નહીં પશ્ચિમ બંગાળમાં પણ ગઠબંધનની આશા જાગી ગઈ છે. અચાનક આવેલા આ સમાચારો પાછળ ક્યા સમીકરણો છે જવાબદાર, આવો સમજીએ.
કોંગ્રેસ માટે આ સપ્તાહ સારુ રહ્યુ તેવુ કહીએ તો કંઈ ખોટુ નથી. ઉત્તરપ્રદેશમાં સમાજવાદી પાર્ટીએ 17 બેઠકો કોંગ્રેસને આપી ગઠબંધન કરવા રાજી થઈ ગઈ છે. દિલ્હીમાં આમ આદમી પાર્ટીએ પણ ત્રણ સીટોની ઓફર આપી છે. સૌથી મોટી બાબત એ છે કે મમતા બેનર્જીએ કોંગ્રેસને ઓકાત સુદ્ધા બતાવી દીધી હતી તે પણ હવે સીટો ઓફર કરી રહી છે.
મહારાષ્ટ્રમાં ધમકી આપી રહેલા ઉદ્ધવ ઠાકરે પણ લાઈન પર આવી ગયા છે અને સીટ શેરીંગ કરવા માટે તૈયારી બતાવી છે. અચાનક તાબડતોબ ગઠબંધનના ઓફર કેમ આવવા લાગ્યા? કારણ કે આમ જનતામાં કોંગ્રેસનો ગ્રાફ વધતો નથી દેખાઈ રહ્યો. ના તો રાહુલ ગાંધીએ કોઈ જાદુગરી કરી છે. વિપક્ષ કોંગ્રેસના ગઠબંધન માટે મજબુર થયો છે. આખરે અચાનક એવુ શું થયુ કે પાંચ રાજ્યોમાંથી કોંગ્રેસને ખુશ કરી દેનારી ખબરો આવી. આવો સમજીઓ.
વિપક્ષી છાવણીમાં શરૂ થયુ મહાપલાયન
ઈન્ડિયા ગઠબંધનના આર્કિટેક્ટ નીતિશકુમારના એનડીએમાં ગયા બાદ ભાજપ વિરોધી તમામ પાર્ટીઓમાં ભાગદોડની સ્થિતિ જોવા મળી રહી હતી. જેને જોઈ કોંગ્રેસ જ નહીં ક્ષેત્રિય દળોમાં પણ હતાશાની સ્થિતિ જોવા મળી. સમાજવાદી પાર્ટીના સ્વામી પ્રસાદ મૌર્ય, પલ્લવી પટેલ અને સલીમ શેરવાની જેવા નેતાઓ પાર્ટીના સુપ્રીમો અખીલેશ યાદવને આંખો દેખાડવા લાગ્યા હતા.
બીજી તરફ કોંગ્રેસના કમલનાથ, મિલિંદ દેવરા, અશોક ચવ્હાણ, સલમાન ખુર્શીદ, મનિષ તિવારી, જેવા કદાવર નેતાઓ કાંતો પાર્ટી છોડી ગયા અને જે રહી ગયા તેમના પણ સૂર બદલાયેલા જોવા મળી રહ્યા છે. આવી સ્થિતિમાં પાર્ટી નેતૃત્વને એ સમજમાં આવી ગયુ કે જો જલ્દી આ સ્થિતિ પર કાબુ નહીં કરીએ તો ભારે ડેમેજ થવાની શક્યતા છે.
આ સમજમાં આવતા જ તમામ દળોમાં થોડા તમે ઝુકો થોડા અમે ઝુકીએની શરૂઆત અને સમજુતીઓ થવા લાગી. આ માત્ર કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટીની સ્થિતિ નથી. આ જ સ્થિતિ શિવસેના, ટીએમસી, અને આમ આદમી પાર્ટીની પણ છે. તમામને પોતાની શાખ બચાવવી છે. જે બીજાનો ટેકો લીધા વિના શક્ય નથી.
રામ મંદિર લહેર
દેશભરમાં રામ મંદિરના નામે ભાજપની તરફેણમાં લહેર જોવા મળી રહી છે. ભાજપે રામ મંદિરના ઉદ્ઘાટનને અત્યંત સુંદર રીતે એનકેશ કર્યુ છે. ખાસ કરીને ઉત્તર ભારતમાં રામ મંદિરની લહેર સામે વિપક્ષના તમામ હથિયારો નિષ્ફળ જતા જોવા મળી રહ્યા છે. રાહુલ ગાંધીની જાતિ ગણતરીનો મુદ્દો હોય કે અદાણીને દેશ વેચવાનો મુદ્દો હોય, જનતા સાંભળવા તૈયાર નથી.
તેનું પ્રત્યક્ષ ઉદાહરણ યુપીમાં જોવા મળ્યું. હાલ ના તો અખિલેશ યાદવ જાતિ જનગણનાની વાત કરે છે કે ના તો પછાતોના લીડર બનનારા સ્વામી પ્રસાદ મૌર્ય કે ના તો પલ્લવી પટેલ. ખેડૂતો આંદોલનને પણ યુપી, દિલ્હી કે હરિયાણામાં ધ્યાન એટલુ મહત્વ નથી મળી રહ્યુ. ગત વખતે જે રીતે દેશભરમાંથી ખેડૂતોને સમર્થન મળી રહ્યું હતું, આ વખતે તે કિસાન લહેર ક્યાંય જોવા નથી મળી રહી. કારણ કે રામમંદિરની લહેર સામે તમામ આંદોલન ફિક્કા પડી ગયા છે.
અસ્તિત્વ બચાવવાનું સંકટ
વિપક્ષી પાર્ટીઓ સામે હાલ અસ્તિત્વ બચાવવાનું સંકટ ઉભુ થયુ છે. ઉત્તર પ્રદેશના ઉદાહરણથી સમજો. વર્ષ 2014 અને 2019ની લોકસભા ચૂંટણીમાં સમાજવાદી પાર્ટી માત્ર 5-5 બેઠકો સુધી જ સીમિત રહી હતી. કોંગ્રેસની હાલત યુપીમાં તેનો ગઢ ગણાતી બે બેઠકો પૈકી એક અમેઠી તો 2019માં જ ગુમાવી ચુકી છે. રાયબરેલીમાં પણ આ વખતે જીતવું મુશ્કેલ છે કારણ કે 2022ની વિધાનસભા ચૂંટણીમાં ત્યાં કોંગ્રેસનો સફાયો થઈ ગયો છે.
રાયબરેલી સંસદીય બેઠક બચાવવા માટે સમાજવાદી પાર્ટીની મદદની અનિવાર્યપણે જરૂર છે. કારણ કે રાયબરેલીની પાંચ વિધાનસભા બેઠકોમાંથી 4 સમાજવાદી પાર્ટી પાસે છે અને એક બેઠક ભાજપ પાસે છે. રાયબરેલીમાંથી કોંગ્રેસનો સફાયો થઈ ગયો છે.
2019ની ચૂંટણીમાં કોંગ્રેસ ઉત્તર પ્રદેશની 80 સીટોમાંથી માત્ર એક સીટ જીતવામાં સફળ રહી હતી. જો કોંગ્રેસ ઉત્તર પ્રદેશમાં પોતાનું અસ્તિત્વ બચાવવા માગતી હોય તો દેખીતી રીતે જ તેણે સમાજવાદી પાર્ટીની દરેક વાત સ્વીકારવી પડશે. નહીં તો રાયબરેલી પણ તેના હાથમાંથી નીકળી જશે. સમાજવાદી પાર્ટીની હાલત પણ કંઈક આવી જ છે. .
જો આ ચૂંટણીમાં પણ અખિલેશને 5થી વધુ બેઠકો નહીં મળે તો ઉત્તર પ્રદેશમાં તેની શાખ બચાવવી ભારે પડશે. તેમનું સ્થાન લેવા માટે કોઈ અન્ય દળ આવી જશે. દિલ્હીમાં આમ આદમી પાર્ટી સામે પણ અસ્તિત્વ બચાવવાનું સંકટ છે. ગત લોકસભા ચૂંટણીમાં તેની સ્થિતિ ઘણી ખરાબ હતી. મહારાષ્ટ્રમાં પણ ઉદ્ધવ ઠાકરે હોય કે શરદ પવાર, બંનેએ સત્તા તો ગુમાવી પણ પાર્ટી પણ બચી નથી. જો બધા સાથે મળીને ચૂંટણી નહીં લડે તો અસ્તિત્વ પર સંકટ નિશ્ચિત છે.
અનેક સર્વેમાં NDAને જંગી બહુમત
જો આપણે લોકસભા ચૂંટણીને લગતા કેટલાક તાજેતરના સર્વેની વાત કરીએ તો સ્પષ્ટપણે દેખાઈ આવે છે કે એનડીએ ફરી એકવાર 2024માં જંગી બહુમતી સાથે વાપસી કરી રહ્યું છે. ઈન્ડિયા ટુડેના સર્વેમાં એનડીએને 335 બેઠકો મળતી જોવા મળી હતી જ્યારે ભાજપ એકલાને 304 બેઠકો જીતતી જોવા મળી હતી. એટલું જ નહીં અન્ય મીડિયા હાઉસના સર્વેમાં પણ આવા જ પરિણામો જોવા મળ્યા છે.
પરંતુ બીજી તરફ આશાનું કિરણ પણ છે. સીએસડીએસના આંકડા દર્શાવે છે કે જો વિપક્ષ એક થઈને ચૂંટણી લડે તો ભાજપને 235થી 240 સીટો પર રોકી શકાય છે જ્યારે વિપક્ષને 300થી 305 સીટો મળી શકે છે. ઉલ્લેખનીય છે કે 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપને 303 સીટો મળી હતી.
વિપક્ષે 236 બેઠકો મેળવી હતી. આંકડા દર્શાવે છે કે જો ભાજપના મતોમાં એક ટકાનો પણ ઘટાડો થાય તો ભાજપની બેઠકો 225થી 230 સુધી પહોંચી શકે છે, જ્યારે વિપક્ષનો આંકડો 310થી 325 સુધી પહોંચી શકે છે. સીટ શેરિંગ માટે સંમત થવા પાછળ આ એક મોટું કારણ દેખાઈ રહ્યુ છે.