કોંગ્રેસે મારા નિવેદનને તોડી મરોડીને રજૂ કર્યુ છે, હુ આંબેડકરનો અનુયાયી-અમિત શાહ
ડોકટર આંબેડકરનુ અપમાન કર્યું હોવાના કોંગ્રેસના આક્ષેપ બાદ, અમિત શાહે કહ્યું કે સંસદમાં ચર્ચા થઈ કે કોંગ્રેસે ચૂંટણીમાં આંબેડકરને કેવી રીતે હરાવ્યા. કોંગ્રેસે આ માટે ખાસ પ્રયાસો કર્યા અને પોતાની હાર સુનિશ્ચિત કરી, પરંતુ કોંગ્રેસે સત્યને અસત્યનો વેશ ધારણ કરીને ભ્રમ ફેલાવવાનો દૂષિત પ્રયાસ કર્યો છે.
આંબેડકરનું અપમાન કરવાના કોંગ્રેસના આક્ષેપ પર ગૃહમંત્રી અમિત શાહે આજે ભાજપ કાર્યાલયે પ્રેસ કોન્ફરન્સ યોજીને વળતો પ્રહાર કર્યો છે. અમિત શાહે કહ્યું કે, કોંગ્રેસે સંસદમાં ચર્ચાના તથ્યોને વિકૃત રીતે રજૂ કર્યા છે. મારા નિવેદનને તોડી મરોડીને રજૂ કરાયું છે.
કોંગ્રેસે આ એટલા માટે કર્યું કારણ કે, ભાજપના વક્તાઓએ તથ્યો સાથેના વિષયો રજૂ કર્યા હતા, જે પુષ્ટિ કરે છે કે કોંગ્રેસ આંબેડકર વિરોધી, અનામત વિરોધી અને બંધારણ વિરોધી પક્ષ છે. કોંગ્રેસે ઈમરજન્સી લાદીને સાવરકરનું અપમાન કર્યું અને બંધારણનું ઉલ્લંઘન કર્યું, ન્યાયતંત્રનું, લશ્કરના શહીદોનું અપમાન કર્યું અને બંધારણનો ભંગ કરીને ભારતની જમીન પણ અન્ય દેશોને આપવાનું કાવતરું કર્યું.
અમિત શાહે કહ્યું કે, સંસદમાં ચર્ચા થઈ કે કોંગ્રેસે ચૂંટણીમાં આંબેડકરને કેવી રીતે હરાવ્યા. કોંગ્રેસે આ માટે ખાસ પ્રયાસો કર્યા અને તેમની હાર સુનિશ્ચિત કરી. જ્યાં સુધી ભારત રત્ન આપવાની વાત છે તો કોંગ્રેસના નેતાઓ પોતાને ભારત રત્ન આપતા આવ્યા છે, પરંતુ બાબા સાહેબને ભારત રત્ન ત્યારે મળ્યો જ્યારે કોંગ્રેસ સત્તામાં ન હતી. કોંગ્રેસે હંમેશા બાબા સાહેબને ભારત રત્ન ના મળે તેવા પ્રયાસો કર્યા હતા.
મારા નિવેદનને તોડી મરોડીને રજૂ કરવામાં આવ્યું
અમિત શાહે કહ્યું કે હું એવી પાર્ટીમાંથી આવ્યો છું જે ક્યારેય આંબેડકરનું અપમાન ના કરી શકે. રાજ્યસભામાં મેં જે કહ્યું છે તેને કોંગ્રેસે તોડી મરોડીને રજૂ કર્યું છે. કોંગ્રેસે સત્યને જુઠ્ઠાણું પહેરાવીને ભ્રમ ફેલાવ્યો છે. કોંગ્રેસ પણ અનામતનો વિરોધ કરી રહી છે. મંડલ કમિશનનો રિપોર્ટ 31 ડિસેમ્બર 1980ના રોજ આવ્યો હતો, તે પણ બેક બર્નર પર મૂકવામાં આવ્યો હતો, જ્યારે 1990માં બિન-કોંગ્રેસી સરકાર આવી ત્યારે મંડલ કમિશનનો રિપોર્ટ લાગુ કરવામાં આવ્યો હતો. તે સમયે રાજીવ ગાંધી વિરોધ પક્ષના નેતા હતા, જેમણે ઓબીસી અનામત વિરુદ્ધ લાંબુ ભાષણ આપ્યું હતું.
મારી વાત રાજ્યસભાના રેકોર્ડ પર છે
અમિત શાહે કહ્યું કે, આંબેડકરનો જીવનભર વિરોધ કરનારા લોકો ખોટી માન્યતાઓ ફેલાવી રહ્યા છે, મારું આખું નિવેદન રાજ્યસભાના રેકોર્ડમાં છે, જ્યારે કોંગ્રેસ પાસે કોઈ જવાબ બચ્યો ન હતો, તેણે મારા નિવેદનનો અડધો ભાગ બતાવીને ગેરસમજ ફેલાવી છે. હું એ પાર્ટીમાંથી આવ્યો છું જે સપનામાં પણ બાબા સાહેબના વિચારોનું અપમાન નથી કરી શકતી.
આપણે જાણીએ છીએ કે દેશના બંધારણને સર્વસમાવેશક બનાવવામાં અને વંચિતોને ન્યાય આપવા માટે દલિતોને આટલા ઊંડાણ સુધી લઈ જવામાં બાબા સાહેબનું બહુ મોટું યોગદાન છે. બાબા સાહેબનું અપમાન થાય એવું અમે કંઈ કરી શકીએ નહીં. હું કોંગ્રેસના દુષ્ટ પ્રયાસોની નિંદા કરું છું. હું આંબેડકરનો અનુયાયી છું.