Breaking News: સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ : 27 ઓક્ટોબરથી રેલવે કાઉન્ટર પરથી ટિકિટ ખરીદનારા મુસાફરોને પણ મળશે યાત્રા વીમો!
રેલવે કાઉન્ટર પરથી ટિકિટ બુક કરાવતા કરોડો મુસાફરો માટે સુપ્રીમ કોર્ટે મહત્વનો આદેશ આપ્યો છે. 27 ઓક્ટોબર 2026થી કાઉન્ટર ટિકિટ ધારકોને પણ ઓનલાઇન મુસાફરોની જેમ જ ટ્રાવેલ ઇન્સ્યોરન્સ કવર આપવા રેલવેને નિર્દેશ કર્યો છે, સાથે જ 16 નવેમ્બરે રેલવે બોર્ડના અધ્યક્ષને હાજર રહેવા તાકીદ કરી છે.

સુપ્રીમ કોર્ટે રેલવે સ્ટેશનના કાઉન્ટર પરથી ટિકિટ ખરીદીને મુસાફરી કરતા કરોડો સામાન્ય મુસાફરોને મોટી રાહત આપતો મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. સર્વોચ્ચ અદાલતે ભારતીય રેલવેને 27 ઓક્ટોબર 2026 થી આવી તમામ કાઉન્ટર ટિકિટો પર પણ ઓનલાઇન ટિકિટોની જેમ જ સમાન વીમા કવચ આપવા નિર્દેશ કર્યો છે. અદાલતે રેલવેને બે અઠવાડિયાની અંદર આ વ્યવસ્થા અમલમાં મૂકવા આદેશ આપ્યો છે અને સ્પષ્ટ ચેતવણી આપી છે કે આ આદેશનું ફરજિયાત પાલન નહીં થાય તો રેલવે બોર્ડ સીધું જવાબદાર રહેશે.
જસ્ટિસ અહસાનુદ્દીન અમાનુલ્લાહ અને જસ્ટિસ આર. મહાદેવનની બેન્ચે રેલ યાત્રા દરમિયાન સામાન્ય નાગરિકોની સુરક્ષા અને અકસ્માતોની રોકથામ સંબંધિત મામલાની સુનાવણી દરમિયાન આ આદેશ આપ્યો હતો. હાલના નિયમો મુજબ, નજીવો વધારાનો ચાર્જ ચૂકવીને માત્ર IRCTC પરથી ઓનલાઇન ટિકિટ ખરીદનારા મુસાફરોને જ આ વીમા સુવિધા મળે છે.
કાઉન્ટર પરથી ટિકિટ ખરીદનારા લોકોને આનાથી વંચિત રાખવા સામે કોર્ટે ગંભીર સવાલો ઉઠાવ્યા હતા. બેન્ચે નોંધ્યું કે આર્થિક રીતે નબળા વર્ગના લોકો મોટી સંખ્યામાં સ્ટેશનના રિઝર્વેશન કાઉન્ટર પરથી ટિકિટ ખરીદે છે, જેથી તેમને આ સુરક્ષા કવચથી દૂર રાખવાનું કોઈ વ્યાજબી કારણ નથી.
રેલવેના વલણ સામે કોર્ટે નારાજગી વ્યક્ત કરી
અદાલતે સામાન્ય મુસાફરોની સલામતી જેવા અતિસંવેદનશીલ મુદ્દે રેલવે અધિકારીઓના ઢીલા વલણ સામે ઊંડી નિરાશા વ્યક્ત કરી હતી. પીઠે જણાવ્યું કે રેલવે દ્વારા માત્ર આશ્વાસનો આપવામાં આવે છે, પરંતુ જમીની સ્તરે કોઈ અસરકારક સુધારો દેખાતો નથી. આ ઉપરાંત રેલવે સુરક્ષા માટે ફાળવવામાં આવેલા બજેટનો પણ યોગ્ય ઉપયોગ કરવામાં આવ્યો નથી.
કોર્ટના સહાયક (એમિકસ ક્યુરી) વરિષ્ઠ એડવોકેટ શિખિલ સૂરીએ કાઉન્ટર ટિકિટો પર વીમો ન મળવાનો મુદ્દો ઉઠાવ્યો હતો, જેના પગલે અદાલતે એડિશનલ સોલિસિટર જનરલ વિક્રમજીત બેનર્જી સમક્ષ ઓનલાઇન અને ઓફલાઇન ટિકિટધારકો વચ્ચેના આ ભેદભાવનું કારણ પૂછ્યું હતું.
16 નવેમ્બરે રેલવે બોર્ડના હોદ્દેદારો વ્યક્તિગત હાજર રહેશે
સુપ્રીમ કોર્ટની બેન્ચે રેલવે બોર્ડના અધ્યક્ષ અને સભ્યોને આગામી 16 નવેમ્બરના રોજ બપોરે 3 વાગ્યે કોર્ટ સમક્ષ વ્યક્તિગત રીતે હાજર રહેવાનો આદેશ આપ્યો છે. અદાલતે આકરી ચેતવણી આપતા જણાવ્યું કે જો રેલવેના દાવા મુજબ જમીન પર કામગીરી નહીં જોવા મળે, તો બોર્ડના તમામ સભ્યો અને અધ્યક્ષ અંગત રીતે જવાબદાર ગણાશે. આ આદેશનો સીધો હેતુ રેલવે કાઉન્ટરથી ટિકિટ બુક કરાવતા દેશના લાખો સામાન્ય અને ગરીબ વર્ગના મુસાફરોને પણ સુરક્ષા આપવાનો છે.
