Budget 2022: બજેટને લઈને ભાજપના સાંસદોને પાર્ટીએ આપ્યા આદેશ, જાણો સમગ્ર અહેવાલ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે પોતાના સાંસદો અને ભાજપ સંગઠન સાથે જોડાયેલા ટોચના નેતાઓને બજેટની યોગ્યતાઓ જણાવી હતી. જો કે હવે ભાજપે પોતાના સાંસદોને હવે બજેટની યોગ્યતાઓ વિશે લોકોને જણાવવાની અપીલ કરી છે.
Budget 2022: નાણામંત્રી નિર્મલા સીતારમણે (Finance Minister Nirmala Sitharaman) 1 ફેબ્રુઆરીએ દેશનું કેન્દ્રીય બજેટ (Union Budget) 2022 રજૂ કર્યું હતુ. જ્યાં એક તરફ ભાજપના તમામ નેતાઓ આ બજેટના વખાણ કરી રહ્યા છે તો બીજી તરફ આ બજેટને લઈને વિરોધ પક્ષોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) બુધવારે પોતાના સાંસદો અને ભાજપ સંગઠન સાથે જોડાયેલા ટોચના નેતાઓને બજેટની યોગ્યતાઓ વિશે જણાવ્યુ હતુ. ત્યારે હવે ભાજપે પોતાના સાંસદોને બજેટની યોગ્યતાઓ વિશે લોકોને જણાવવાની અપીલ કરી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ બુધવારે પીએમ મોદીએ ભાજપના કાર્યકરોને બજેટ વિશે સમજાવ્યા પછી પાર્ટીએ હવે તેના સાંસદોને 5 અને 6 ફેબ્રુઆરીના રોજ કેન્દ્રીય બજેટ 2022-23 વિશે લોકોને જણાવવા કહ્યું છે. બુધવારે પીએમ મોદીએ ગરીબો, મધ્યમ વર્ગ અને યુવાનોને લાભ આપતા આ કેન્દ્રીય બજેટની વિશેષતા પર પ્રકાશ પાડ્યો હતો. તમને જણાવી દઈએ કે કેન્દ્રીય નાણાં નિર્મલા સીતારમણે મંગળવારે લોકસભામાં કેન્દ્રીય બજેટ (2022-23) રજૂ કર્યું, જેના પર રાજકીય નેતાઓ સહિત તમામ લોકો તરફથી મિશ્ર પ્રતિસાદ મળ્યો.
BJP has asked its MPs to explain the Union Budget 2022-23 to people in their parliamentary constituencies on February 5 and February 6: Sources
— ANI (@ANI) February 3, 2022
આત્મનિર્ભર ભારતના પાયા પર આધુનિક ભારતનું નિર્માણ
ભાજપ કાર્યકર્તાઓને સંબોધિત કરતી વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે ‘આ સમય નવી તકોનો છે, નવા સંકલ્પોની પૂર્તિનો સમય છે. ભારત આત્મનિર્ભર બને અને આત્મનિર્ભર ભારતના પાયા પર આધુનિક ભારતનું નિર્માણ થાય તે ખૂબ જ જરૂરી છે. વધુમાં તેમણે કહ્યું કે હવે લગભગ 9 કરોડ ગ્રામીણ પરિવારોને નળમાંથી પાણી મળવા લાગ્યુ છે. તેમાંથી છેલ્લા 2 વર્ષમાં જલ જીવન મિશન હેઠળ 5 કરોડથી વધુ પાણીના જોડાણો આપવામાં આવ્યા છે. બજેટમાં જાહેરાત કરવામાં આવી છે કે આ વર્ષે લગભગ 4 કરોડ ગ્રામીણ પરિવારોને પાણીના જોડાણ આપવામાં આવશે.
બજેટથી નારાજ વિપક્ષે સરકાર પર નિશાન સાધ્યુ
નોંધપાત્ર વાત એ છે કે વિરોધ પક્ષો બજેટથી બિલકુલ ખુશ નથી. તેમનું કહેવું છે કે પગારદાર વર્ગ, મધ્યમ વર્ગ, ગરીબ અને દલિત, યુવાનો, ખેડૂતો અને MSME ક્ષેત્ર માટે બજેટમાં કંઈ જ આપવામાં આવ્યું નથી. બજેટની ટીકા કરતા કોંગ્રેસના સાંસદ શશિ થરૂરે કહ્યુ કે આ બજેટમાં કોઈના માટે ખાસ આશા નથી.
આ પણ વાંચો : નવી યોજનાઓની જાહેરાતથી દેશની જનતાને ફાયદો થશે, ખેડૂતોની આવક બમણી થશે: વડાપ્રધાન નરેન્દ્ર મોદી