Breaking news : અદાણી-હિંડનબર્ગ કેસમાં સુપ્રીમકોર્ટનો મોટો નિર્ણય, પૂર્વ ન્યાયાધીશની અધ્યક્ષતામાં રચાઈ તપાસ સમિતિ
સુપ્રીમ કોર્ટે અદાણી જૂથ સંદર્ભે હિંડનબર્ગે જાહેર કરેલા રિપોર્ટની તપાસ કરવા અને વર્તમાન નિયમનકારી પ્રણાલીમાં જરૂરી સુધારાઓ સૂચવવા માટે સમિતિની રચના કરવાનો નિર્ણય આપ્યો છે.
ગુરુવારે સુપ્રીમ કોર્ટે અદાણી-હિંડનબર્ગ કેસમાં મોટો ચુકાદો આપ્યો હતો. સર્વોચ્ચ અદાલતે આ સમગ્ર કેસમાં તપાસ સમિતિની રચના કરવાનો ચુકાદો આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, ભારતીય રોકાણકારોના રક્ષણ માટે તપાસ જરૂરી છે. સુપ્રીમ કોર્ટે ભૂતપૂર્વ ન્યાયાધીશ અભય મનોહર સપ્રેના નેતૃત્વ હેઠળ એક સમિતિની રચના કરી છે.
સુપ્રીમ કોર્ટે પહેલેથી જ સ્પષ્ટ કરી દીધું હતું કે કોર્ટ તેના વતી એક સમિતિની રચના કરશે. સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ અભય મનોહર સપ્રેના નેતૃત્વ હેઠળ સુપ્રીમ કોર્ટે એક સમિતિની રચના કરી છે. સમિતિમાં અન્ય સભ્યોમાં ઓ.પી. ભટ્ટ, જસ્ટિસ જે.પી. દેવધર, કે વી કામથ, નંદન નિલકની, શેખર સુંદરનનો સમાવેશ કરવામાં આવશે.
સુપ્રીમ કોર્ટે 17 ફેબ્રુઆરીએ અનામત રાખ્યો હતો નિર્ણય
સુપ્રીમ કોર્ટે, કેન્દ્ર સરકાર, નાણાકીય કાનૂની સંસ્થાઓ, સેબીના અધ્યક્ષને તપાસમાં સંપૂર્ણ ટેકો આપવા નિર્દેશ આપ્યો છે. એપેક્સ કોર્ટે 17 ફેબ્રુઆરીના રોજ ચુકાદો અનામત રાખીને, સીલબંધ પરબિડીયામાં સૂચિત નિષ્ણાત પેનલ પર કેન્દ્ર સરકારના સૂચનને સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુદ અને ન્યાયાધીશ પી.એસ. નરસિંહ અને ન્યાયાધીશ જે.બી. પારડીવાલાની બેંચે કહ્યું હતું કે તે રોકાણકારોના રક્ષણ માટે સંપૂર્ણ પારદર્શિતા માંગે છે.
શું કહ્યું હતુ કોર્ટે?
સુપ્રીમ કોર્ટે સૂચિત સમિતિની કામગીરી અંગે સેવા આપતા ન્યાયાધીશની દેખરેખ રાખવાની સંભાવનાને પણ નકારી કાઢી. આ મુદ્દે અત્યાર સુધીમાં એપેક્સ કોર્ટમાં ચાર પીઆઈએલ દાખલ કરવામાં આવી છે. એડવોકેટ એમ.એલ. શર્મા, વિશાલ તિવારી, કોંગ્રેસના નેતા જયા ઠાકુર અને મુકેશ કુમારે આ પીઆઈએલ દાખલ કરી હતી, જેમાં અરજીકર્તાઓએ પોતાને સામાજિક કાર્યકરો તરીકે વર્ણવ્યા છે.
અત્રે એ ઉલ્લેખનીય છે કે હિંડનબર્ગના અહેવાલમાં અદાણી જૂથ સામે અનેક આક્ષેપો કર્યા પછી, અદાણી જૂથના શેરના ભાવમાં નોંધપાત્ર ઘટાડો થયો હતો. જો કે, અદાણી જૂથે તેમની સામે હિંડનબર્ગે કરેલા આક્ષેપોને ફગાવી દીધા હતા.