અમેરિકન એરક્રાફ્ટ સુપર હર્ક્યુલસ ભારતમાં બનશે ! ટાટા અને અમેરિકન કંપની વચ્ચે MRO ડીલ
અમેરિકન કંપની લોકહીડ માર્ટિન અને ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ્સ લિમિટેડે C-130J સુપર 'હર્ક્યુલસ એરલિફ્ટર પ્રોજેક્ટ' દ્વારા તેમની ભાગીદારીને વિસ્તારવા માટે કરારની જાહેરાત કરી હતી. આ સમજૂતીને ભારતની સંરક્ષણ અને એરોસ્પેસ ક્ષમતાઓને વધારવાના એક મહત્વપૂર્ણ પગલા તરીકે જોવામાં આવી રહી છે.
ટાટા ગ્રુપ અને અમેરિકન કંપની લોકહીડ માર્ટિન સાથે મળીને ભારતમાં એક ખાસ પ્રકારની સુવિધા બનાવવા જઈ રહી છે, જ્યાં એરોપ્લેનનું સમારકામ અને જાળવણી કરવામાં આવશે. આ ફેસિલિટી ફક્ત C-130J સુપર હર્ક્યુલસ એરક્રાફ્ટ માટે જ બનાવવામાં આવી રહી, જે ભારતીય વાયુસેના પાસે છે. ભારત સિવાય જે દેશો પાસે C-130J એરક્રાફ્ટ છે, તેનું મેઇન્ટેનન્સ પણ અહીં કરી શકાશે.
ભારતમાં આવું પહેલીવાર થઈ રહ્યું છે કે, કોઈ મોટી એરક્રાફ્ટ કંપની દ્વારા રિપેર અને મેઈન્ટેનન્સ (MRO) સુવિધાની સ્થાપના કરવામાં આવી રહી છે. આ ફેસિલિટીથી 23 દેશોને પણ ફાયદો થશે, કેમકે તેમની પાસે પણે આ પ્રકારના એરક્રાફ્ટ છે.
ટાટા અને લોકહીડ માર્ટિન વચ્ચેની આ ડીલમાં બીજી સૌથી મહત્વની વાત એ છે કે, બંને કંપનીઓ ભારતમાં C-130J એરક્રાફ્ટનું ઉત્પાદન અને એસેમ્બલ વધારવા માટે પણ સંમત થઈ છે.એટલે કે આ પ્રકારના એરક્રાફ્ટનું ભારતમાં જ ઉત્પાદન કરી શકાશે. આ કામ ત્યારે જ શક્ય છે, જ્યારે તેમને ભારતીય વાયુસેનાના મીડિયમ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ (MTA) પ્રોગ્રામ માટે કોન્ટ્રાક્ટ મળશે.
અમેરિકન કંપની લોકહીડ માર્ટિન અને ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ્સ લિમિટેડે C-130J સુપર ‘હર્ક્યુલસ એરલિફ્ટર પ્રોજેક્ટ’ દ્વારા તેમની ભાગીદારીને વિસ્તારવા માટે કરારની જાહેરાત કરી હતી. આ સમજૂતીને ભારતની સંરક્ષણ અને એરોસ્પેસ ક્ષમતાઓને વધારવાના એક મહત્વપૂર્ણ પગલા તરીકે જોવામાં આવી રહી છે.
સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહની યુએસ મુલાકાતના થોડા દિવસો પછી આ જાહેરાત કરવામાં આવી છે. તેમની મુલાકાત દરમિયાન, બંને પક્ષોએ સમગ્ર સંરક્ષણ સંબંધોને વધુ ગાઢ બનાવવાનો સંકલ્પ કર્યો હતો. આ કરાર સંભવિત ભાવિ વ્યાપારી તકો પર સંકલન માટે એક માળખું પૂરું પાડે છે, જેમાં ભારતીય વાયુસેનાના હાલના 12 C-130J ના કાફલા માટે ભારતમાં જાળવણી, સમારકામ અને નવીનીકરણ (MRO) સુવિધા સ્થાપવાનો સમાવેશ થાય છે.
ભારતમાં એરક્રાફ્ટ ઉત્પાદન ક્ષમતા વધશે
ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ્સ લિમિટેડે અને અમેરિકન સંરક્ષણ કંપની લોકહીડ માર્ટિને ભારતમાં C-130J સુપર હર્ક્યુલસ ટેક્ટિકલ એરલિફ્ટર બનાવવા માટેના કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આ કરાર હેઠળ આ જહાજોની જાળવણી, સમારકામ, ઓવરહોલ જેવી સુવિધાઓ ભારતમાં જ ઉપલબ્ધ થશે. આ ફેસિલિટી શરૂ થતાં ભારતીય વાયુસેના પાસે રહેલા 12 C-130J માટે સૌથી મોટો ફાયદો છે. આ કરાર સાથે મીડિયમ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ પ્રોજેક્ટને આગળ વધારવામાં મદદ મળશે.
જો આ અમેરિકન કંપનીને આ કોન્ટ્રાક્ટ મળે છે, તો તે ભારતમાં એરક્રાફ્ટ બનાવવાની તેની ક્ષમતામાં વધારો કરી શકેશે. જો કે, લોકહીડ માર્ટિન તેના હાલના પ્લાન્ટમાં અમેરિકા અને અન્ય દેશો માટે C-130J એરક્રાફ્ટ બનાવવાનું ચાલુ જ રાખશે. કંપનીનો આ પ્લાન્ટ અમેરિકાના જ્યોર્જિયા રાજ્યના મેરિએટા શહેરમાં આવેલો છે.
ડીલથી શું ફાયદો થશે ?
ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ્સના સીઈઓ અને મેનેજિંગ ડિરેક્ટર સુકરણ સિંઘે જણાવ્યું છે કે ભારતીય વાયુસેનાના MTA પ્રોજેક્ટ માટે C-130J પ્લેટફોર્મ પ્રસ્તાવ પર લોકહીડ માર્ટિન સાથેનો સહયોગ ટાટા એડવાન્સ સિસ્ટમ્સ માટે એક સીમાચિહ્નરૂપ છે. તેમણે વધુમાં કહ્યું કે આ ભારતમાં મોટા એરક્રાફ્ટ પ્લેટફોર્મ માટે સંરક્ષણ MRO સેક્ટરમાં Tata Advanced Systemsના પ્રવેશને ચિહ્નિત કરે છે. આ કરાર ભારતમાં C-130J મેન્યુફેક્ચરિંગના વિસ્તરણનો માર્ગ મોકળો કરશે, જે ભારતીય વાયુસેનાના મધ્યમ પરિવહન એરક્રાફ્ટ (MTA) પ્રોગ્રામ માટે યુએસ અને ભારત સરકારની મંજૂરી પર નિર્ભર રહેશે.
ભારતીય વાયુસેનાના MTA પ્રોજેક્ટ માટે C-130J પ્લેટફોર્મ પ્રસ્તાવ પર લોકહીડ માર્ટિન સાથે સહયોગ એ Tata Advanced Systems માટે એક મોટી સિદ્ધિ છે. આ કરારથી બંને કંપનીઓ વચ્ચેના સંબંધોને વધુ ગાઢ બનાવવામાં પણ મદદ મળશે. લોકહીડ માર્ટિન અને ટાટા એડવાન્સ સિસ્ટમ્સ વચ્ચેનો આ કરાર આત્મનિર્ભર ભારની પ્રતિબદ્ધતાનો પુરાવો છે. જે ભારત અને ભારતીય ઉદ્યોગ સાથેના તેમના સંબંધોમાં રહેલા વિશ્વાસને પ્રતિબિંબિત કરે છે.
બંનેની નજર એરફોર્સ પ્રોજેક્ટ પર છે, લોકહીડ માર્ટિન અને ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ્સ લિમિટેડ વચ્ચે પહેલેથી જ ટાટા લોકહીડ માર્ટિન એરોસ્ટ્રક્ચર્સ લિમિટેડ (TLMAL) નામનું સંયુક્ત સાહસ છે. તેની સ્થાપના 2010 માં કરવામાં આવી હતી. તે C-130J એમ્પેનેજ એસેમ્બલીનો એકમાત્ર ગ્લોબલ રિસોર્સ છે, જે અમેરિકામાં બનતા તમામ નવા સુપર હર્ક્યુલસ એરક્રાફ્ટમાં સામેલ છે. અત્યાર સુધીમાં TLMAL એ 220 થી વધુ C-130J એમ્પેનેજનું ઉત્પાદન કર્યું છે. હવે બંને કંપનીઓની નજર ભારતીય વાયુસેનાના MTA પ્રોજેક્ટ પર છે, જે એક મેગા ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ ડીલ છે.
ભારતીય વાયુસેના મધ્યમ પરિવહન એરક્રાફ્ટ ખરીદવાની તૈયારી કરી રહી છે. ભારતની આ પ્રકારના 80 એરક્રાફ્ટ ખરીદવાની યોજના છે. આ માટે ગત વર્ષે આરએફઆઈ એટલે કે પ્રારંભિક ટેન્ડર પણ બહાર પાડવામાં આવ્યું હતું. ત્યારે લોકહીડ માર્ટિન RFIનો જવાબ પણ આપ્યો હતો. કારણ કે, C-130J-30 સુપર હર્ક્યુલસ ભારતીય વાયુસેનાની જરૂરિયાતોને પહોંચી વળવા માટે એકદમ યોગ્ય છે.
C-130J સુપર હર્ક્યુલસની વિશેષતાઓ
ભારતીય વાયુસેના પાસે 12 C-130J સુપર હર્ક્યુલસ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ છે. આને વ્યૂહાત્મક એરલિફ્ટર્સ કહેવામાં આવે છે. આ એરક્રાફ્ટ દ્વારા મોટી સંખ્યામાં સૈનિકોને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકાય છે. આ વિમાન દ્વારા ટેન્ક પણ મોકલી શકાય છે. આ ઉપરાંત એરક્રાફ્ટમાં 2 કે 3 મોટી હમવી જીપ પણ લઈ જઈ શકાય છે. તે તેના નામની જેમ જ તાકતવર છે.
C-130J સુપર હર્ક્યુલસ એરક્રાફ્ટ, જેનું વજન 34 ટનથી વધુ છે, તે નાની અને ખરબચડી એરસ્ટ્રીપ્સ પર પણ ઉતરી શકે છે. તેની લંભાઈની વાત કરીએ તો, 97.9 ફૂટ છે અને 38.10 ફૂટ લાંબી પાંખો ધરાવતા આ કાર્ગો પ્લેનની ઊંચાઈ 38.10 ફૂટ છે. તે પોતાની સાથે 70 ટનથી વધુ વજન લઈ જઈ શકે છે. આ એરક્રાફ્ટ 22 હજાર ફૂટની ઉંચાઈ પર વધુમાં વધુ 670 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉડી શકે છે.
સામાન્ય રીતે તેની સ્પીડ 644 કિમી પ્રતિ કલાકની હોય છે. તેની રેન્જ 3300 કિમી છે. વધુમાં વધુ 28 હજાર ફૂટની ઊંચાઈ સુધી ઉડી શકે છે. તેનાથી વધુ ઉંચાઈ ઉડાડવા માટે તેની વજન ક્ષમતા ઘટાડવી પડે છે. જો તે ખાલી હોય તો તે વધુમાં વધુ 40 હજાર ફૂટની ઊંચાઈ સુધી ઉડી શકે છે.
ભારતીય વાયુસેનાએ 2007માં પહેલીવાર તેનો ઓર્ડર આપ્યો હતો અને હાલમાં ભારત પાસે 12 C-130J સુપર હર્ક્યુલસ એરક્રાફ્ટનો કાફલો છે. આ એરક્રાફ્ટ અમેરિકન કંપની લોકહીડ માર્ટિન દ્વારા બનાવવામાં આવ્યું છે. ભારત ઉપરાંત તેનો ઉપયોગ યુએસ એરફોર્સ, યુએસ મરીન કોર્પ્સ, ઓસ્ટ્રેલિયા, કેનેડા, ઇટાલી અને બ્રિટિશ આર્મી દ્વારા પણ કરવામાં આવે છે. આ વિશ્વનું સૌથી આધુનિક ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ છે, જેનો ઉપયોગ વિશેષ કામગીરીમાં થાય છે.