Amarnath Yatra 2025 : બાબા બર્ફાનીના દર્શન માટે 3 જુલાઈથી શરૂ થઈ રહી છે યાત્રા, ચુસ્ત બનાવાઈ સુરક્ષા વ્યવસ્થા
આગામી 3 જુલાઈથી અમરનાથ યાત્રા શરૂ થઈ રહી છે. દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ બાબા બર્ફાનીના દર્શન કરવા માટે અમરનાથ પહોંચે છે. 22 એપ્રિલના રોજ પહેલગામ આતંકી હુમલા બાદ સુરક્ષાને ધ્યાનમાં રાખીને અમરનાથ યાત્રા માટે વ્યાપક તૈયારીઓ કરવામાં આવી છે. અમરનાથ યાત્રાની સલામતી સુનિશ્ચિત કરવા માટે CRPF એ, સમગ્ર રૂટ પર દેખરેખ વધારી દીધી છે.

આગામી 3 જુલાઈને ગુરુવારથી અમરનાથ યાત્રા શરૂ થઈ રહી છે. અગાઉ, ઉધમપુરમાં જમ્મુ અને કાશ્મીર વહીવટીતંત્રે સુરક્ષા દળો અને પોલીસ સાથે મળીને જમ્મુ-શ્રીનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર યાત્રાળુઓના જૂથનો ટ્રાયલ રનનું આયોજન કર્યું હતું. અમરનાથ યાત્રા 2025ને સુરક્ષિત બનાવવા માટે, CRPF એ સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવી છે. જમ્મુ-શ્રીનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગ (NH-44) પર વધારાના સુરક્ષા દળો તહેનાત કરવામાં આવ્યા છે, જે હજારો શ્રદ્ધાળુઓની અવરજવર માટેનો મુખ્ય માર્ગ છે.
ઉધમપુર સેક્ટર જેવા સંવેદનશીલ વિસ્તારોમાં સુરક્ષા વધારીને હાઇવે પર પેટ્રોલિંગ મજબૂત બનાવવામાં આવ્યું છે. આ ઉપરાંત, 9 ડોગ સ્ક્વોડ યુનિટને પણ દેખરેખ માટે તહેનાત કરવામાં આવ્યા છે, જેથી કોઈપણ સંભવિત ખતરા પર તાત્કાલિક કાર્યવાહી કરી શકાય. અમરનાથ યાત્રાનો પહેલો જથ્થો 2 જુલાઈ 2025 ના રોજ જમ્મુના બેઝ કેમ્પથી રવાના થશે. આ અમરનાથ યાત્રા સત્તાવાર રીતે 3 જુલાઈથી શરૂ થશે, જેમાં શ્રદ્ધાળુઓ બાલતાલ અને પહેલગામ બંને રૂટથી પવિત્ર ગુફા માટે રવાના થશે.
સુરક્ષા માટે કેવી છે વ્યવસ્થા ?
અમરનાથ યાત્રા 2025 પહેલા, CRPF એ હજારો શ્રદ્ધાળુઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે જમ્મુ-શ્રીનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગ (NH-44) પર ચુસ્ત બહુ-સ્તરીય સુરક્ષા વ્યવસ્થા અમલમાં મૂકી છે. નાયબ પોલીસ અધિક્ષક (DSP) પ્રહલાદ કુમારે માહિતી આપી હતી કે આજે યોજાયેલ મોક ડ્રીલનો હેતુ સુરક્ષા દળો વચ્ચે સંકલનની અસરકારકતા ચકાસવા અને તેમના પ્રતિભાવનું મૂલ્યાંકન કરવાનો હતો. આ કવાયત સંપૂર્ણપણે સફળ રહી.
વહીવટીતંત્રે શ્રદ્ધાળુઓને શું કહ્યું ?
જમ્મુ અને કાશ્મીરના ડેપ્યુટી કમિશનર સચિન કુમાર વૈશ્યએ માહિતી આપી છે કે અમરનાથ યાત્રા 2025 માટે તમામ જરૂરી તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. તેમણે કહ્યું, “સરકાર આજથી સરસ્વતી ધામ ખાતે ટોકન વિતરણ શરૂ કરી રહી છે. અમે શ્રદ્ધાળુઓને મોટી સંખ્યામાં આવવા વિનંતી કરીએ છીએ. વહીવટીતંત્ર તેમને શક્ય તેટલી બધી સુવિધા પૂરી પાડશે. યાત્રાળુઓને કોઈ પણ પ્રકારની અસુવિધા ન થાય તે માટે વ્યાપક વ્યવસ્થા કરવામાં આવી છે”.
#WATCH | To ensure a safe and seamless #AmarnathYatra2025, the CRPF has intensified surveillance, deployed K-9 (dog) squads alongside its personnel along the vital Jammu-Srinagar National Highway (NH-44)—the key route used by thousands of pilgrims, and strengthened highway… pic.twitter.com/G4CCr2A01d
— ANI (@ANI) June 30, 2025
આગામી અમરનાથ યાત્રા 2025 દરમિયાન સલામતી સુનિશ્ચિત કરવા માટે સાવચેતીના પ્રયાસ રૂપે, ભારતીય સેના, CRPF, જમ્મુ અને કાશ્મીર પોલીસ અને JKSDRF દ્વારા ગઈકાલે જમ્મુ-શ્રીનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર સમરોલી, ટોલડી નાલા ખાતે સંયુક્ત મોક લેન્ડસ્લાઈડ કવાયત હાથ ધરવામાં આવી હતી.
જમ્મુ કાશ્મીરમાં આવેલ પવિત્ર અમરનાથ યાત્રા અંગેના તમામ સમાચાર જાણવા માટે આપ અહીં ક્લિક કરો.