રાજધાની દિલ્હીમાં સ્થિત ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS)ના સર્વર પર થયેલા સાયબર હુમલાને લઈને બુધવારે મોટો ખુલાસો થયો છે. કેન્દ્રીય પરિવાર કલ્યાણ અને સ્વાસ્થ્ય મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું કે એફઆઈઆર મુજબ, એઈમ્સના સર્વર પર ચીનથી હુમલો કરવામાં આવ્યો હતો. હેકર્સે 100 માંથી પાંચ સર્વર હેક કરી લીધા હતા. જોકે, હવે આ પાંચ સર્વરમાંથી ડેટા રિકવર કરવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે 23 નવેમ્બરે AIIMSના સર્વર પર સાયબર એટેક થયો હતો. આ સાયબર હુમલો હોંગકોંગના બે મેઈલ આઈડી પરથી કરવામાં આવ્યો હતો. આ મામલાની તપાસ કરી રહેલા દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલના ઈન્ટેલિજન્સ ફ્યુઝન સ્ટ્રેટેજિક ઓપરેશન્સ (IFSO) દ્વારા આ માહિતી મળી હતી. હુમલામાં વપરાયેલ ઈમેલનું આઈપી એડ્રેસ હોંગકોંગમાં આવી રહ્યું છે. આ કારણે ચીનની ભૂમિકા શંકાસ્પદ છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, તપાસ હેઠળના મુખ્ય મેઈલ આઈડીમાંથી એકનું આઈપી એડ્રેસ 146.196.54.222 છે અને એડ્રેસ ગ્લોબલ નેટવર્ક, ફ્રેન્ચિટ લિમિટેડ રોડ ડી/3એફ બ્લોક-II, 62 યુઆન રોડ હોંગકોંગ-00852 છે. દિલ્હી પોલીસે આ મામલાની જાણ વિદેશ મંત્રાલયને કરી હતી.
આ કિસ્સામાં, પોલીસે એવા અહેવાલોને નકારી કાઢ્યા હતા કે હેકર્સે સિસ્ટમને પુનઃસ્થાપિત કરવા માટે ખંડણી તરીકે 200 કરોડ રૂપિયાની ક્રિપ્ટોકરન્સીની માંગણી કરી હતી. સાયબર હુમલાથી સંસ્થાની લગભગ તમામ ઓનલાઈન સેવાઓને અસર થઈ હતી, જેમાં એપોઈન્ટમેન્ટની સિસ્ટમથી લઈને બિલિંગ અને વિભાગો વચ્ચેના અહેવાલોની વહેંચણી સુધી અસર થઈ હતી.
AIIMS Delhi server attack | FIR details that the attack originated from China. Of 100 servers (40 physical & 60 virtual), five physical servers were successfully infiltrated by the hackers. Data in the five servers have been successfully retrieved now: Senior officials from MoHFW
— ANI (@ANI) December 14, 2022
આપને જણાવી દઈએ કે દર વર્ષે ઘણા દિગ્ગજ નેતાઓ, અધિકારીઓ અને ન્યાયાધીશો સહિત લગભગ 38 લાખ દર્દીઓ AIIMSમાં તેમની સારવાર કરાવે છે. આવી સ્થિતિમાં, એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે આ દર્દીઓના ડેટાની ચોરી કરવા માટે AIIMSના સર્વરને નિશાન બનાવવામાં આવ્યું હતું.
આ મુદ્દો સંસદમાં બે દિવસ પહેલા ઉઠ્યો હતો જ્યારે કોંગ્રેસના વરિષ્ઠ નેતા શશિ થરૂરે આ મામલાની તપાસ કરવા અને તેને ફરીથી ન થાય તે માટે નક્કર વ્યવસ્થા કરવાની વાત કરી હતી. તેમણે કહ્યું કે હુમલો શા માટે કરવામાં આવ્યો તે સ્પષ્ટ નથી. આ હુમલો આપણા દેશમાં ખાસ કરીને સરકારી સંસ્થાઓ દ્વારા નબળા ડેટા સુરક્ષા પગલાં પણ દર્શાવે છે.