સુપ્રીમ કોર્ટના ખોટા નિર્ણયને કારણે 98 કરોડની રકમ એવા હાથમાં ગઈ જ્યાં જવી ના જોઈએ. જ્યારે CJI DY ચંદ્રચુડને ખબર પડી તો તેમણે સર્વોચ્ચ અદાલતના નિર્ણયને ખોટો માનીને તેને પલટી નાખ્યો હતો. જે બે લોકો પાસે પૈસા ગયા હતા તેઓને તે પરત કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. આટલું જ નહીં, CJIએ પોતાના નિર્ણયમાં કહ્યું કે, બંને વ્યક્તિ આ પૈસા વ્યાજની રકમ સાથે સુપ્રીમ કોર્ટની રજિસ્ટ્રીમાં જમા કરાવશે.
આ પણ વાચો: Supreme Court: મૃત્યુ સજાની દયા અરજી પર ઝડપથી નિર્ણય થવો જોઈએ, સુપ્રીમ કોર્ટે આવું કેમ કહ્યું?
CJI DY ચંદ્રચુડ અને જસ્ટિસ એમ આર શાહની ખંડપીઠે સુપ્રીમ કોર્ટના અગાઉના નિર્ણયને પલટાવતા કહ્યું કે, અમે માનીએ છીએ કે તે આદેશ ખોટો હતો, જેમાં બે લોકોને 98 કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા. હવે અમે અમારી પોતાની ભૂલ સુધારી રહ્યા છીએ. તે નિર્ણય રદ કરવામાં આવે છે.
ભારતના મુખ્ય ન્યાયાધીશએ એક્ટસ કુરિયા નેમિનેમ ગ્રેવાબિટ (Actus Curiae Neminem Gravabit)નો ઉપયોગ કરીને સુપ્રીમ કોર્ટના અગાઉના નિર્ણયને રદ કર્યો હતો. CJIએ કહ્યું હતું કે તેમને લાગે છે કે આ ગ્રેવિટના ઉપયોગ માટે યોગ્ય કેસ છે. આ એવા કેસમાં લાગુ પડે છે કે જ્યાં કોર્ટની તરફથી જ ભૂલ થઈ હોય. આવી સ્થિતિમાં, અગાઉની ભૂલને સુધારવાની જવાબદારી સુપ્રીમ કોર્ટની માનવામાં આવે છે.
સુપ્રીમ કોર્ટે દિલ્હી હાઈકોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ જસ્ટિસ એસએન ઢીંગરાના નેતૃત્વમાં ત્રણ સભ્યોની સમિતિની રચના કરી હતી, જેના હેઠળ યુનિટેકની મિલકતો વેચવાની હતી. યુનિટેકમાં મકાન ખરીદવા ગયેલા લોકોના પૈસા વહેલામાં વહેલી તકે પરત કરવા માટે સુપ્રીમ કોર્ટે આ નિર્ણય લીધો છે.
યુનિટેકે તેની જમીન દેવસ ગ્લોબલ સર્વિસીસ એલએલપીને વેચી હતી. આ ડીલ સુપ્રીમ કોર્ટના આદેશ હેઠળ કરવામાં આવી હતી. CJI બેન્ચે કહ્યું કે, જસ્ટિસ ઢીંગરા કમિટીના રિપોર્ટના આધારે બે લોકોને 98 કરોડ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે, કમિટીએ પોતાના રિપોર્ટમાં એવો કોઈ નક્કર આધાર આપ્યો નથી, કે જેના આધારે આ રકમ બે લોકોને આપવામાં આવી હશે. સુપ્રીમ કોર્ટની ભૂલને કારણે નરેશ કેમ્પાનાને 56.11 કરોડ રૂપિયા અને કર્નલ મોહિન્દર ખૈરાને 41.96 કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા. બંનેને 9 ટકા વ્યાજ સાથે રકમ પરત કરવાનો આદેશ કરાયો હતો.
યુનિટેકનો દાવો છે કે તે બેંગલુરુમાં સ્થિત 26 એકર 19 ગુંટા જમીનનો અસલી માલિક છે. એક ગુંટા 0.25 એકર બરાબર છે. કંપનીએ કહ્યું કે તે 172.08ના વેચાણ ડીડની હકદાર માલિક છે. સુપ્રીમ કોર્ટના નિર્ણયને કારણે, સુપ્રીમ કોર્ટની રજિસ્ટ્રીમાં યુનિટેકના ખાતામાં 87.35 કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. પરંતુ એક ભૂલને કારણે બાકીની રકમ નરેશ અને કર્નલ ખૈરાના ખાતામાં ગઈ હતી. યુનિટેક વતી એડિશનલ સોલિસિટર જનરલ એન વેંકટરામને CJI બેન્ચ સમક્ષ કહ્યું કે ઢીંગરા કમિટી અને સુપ્રીમ કોર્ટનો નિર્ણય યોગ્ય નથી.