577 રસ્તા બંધ, 380ના મોત, 4306 કરોડનું નુકસાન, ભારે વરસાદથી હિમાચલ પ્રદેશ થયું તબાહ, હજુ પણ પડશે અતિભારે વરસાદ
મુશળધાર વરસાદથી હિમાચલ પ્રદેશમાં ભયાનક પરિસ્થિતિ સર્જાઈ છે. 380 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે અને ઘણા લોકો હજુ પણ ગુમ છે. 577 રસ્તા હજુ પણ બંધ છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં ભારે વરસાદની ચેતવણી જાહેર કરી છે. હિમાચલ પ્રદેશ રાજ્યને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે.

હિમાચલ પ્રદેશમાં તાજેતરમાં થયેલા અતિ ભારે વરસાદથી રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ભારે નુકસાન થયું છે. ભૂસ્ખલન અને પૂરને કારણે ત્રણ રાષ્ટ્રીય ધોરીમાર્ગો સહિત લગભગ 577 રસ્તાઓ વાહનોની અવરજવર માટે બંધ કરવામાં આવ્યા છે. આ માહિતી આપતાં એક અધિકારીએ જણાવ્યું હતું કે, હવામાન વિભાગે આ સપ્તાહના અંતે રાજ્યના વિવિધ ભાગોમાં અતિ ભારે વરસાદની ચેતવણી જાહેર કરી છે. આ દરમિયાન, લોકોને સાવધાન રહેવા અને સાવચેતી રાખવાની અપીલ કરવામાં આવી છે. જ્યારે, અઠવાડિયાના અંત સુધી ચંબા, કાંગડા અને મંડીમાં ભારેથી અતિ ભારે વરસાદને કારણે રાજ્યના વિવિધ વિસ્તારોમાં ‘ઓરેન્જ એલર્ટ’ જાહેર કરવામાં આવ્યું છે.
ભૂસ્ખલન અને ભારે વરસાદને કારણે બંધ થયેલા રાષ્ટ્રીય ધોરીમાર્ગોમાં અટારી-લેહ રોડ (NH 3), ઓટ-સૈંજ રોડ (NH 305) અને અમૃતસર-ભોટા રોડ (NH 503A)નો સમાવેશ થાય છે. રાજ્યના વિવિધ જિલ્લાઓમાં 577 રસ્તા બંધ છે. આમાંથી, કુલ્લુમાં સૌથી વધુ 213 રસ્તા બંધ છે, જ્યારે મંડી જિલ્લાના 154 રસ્તાઓ પર વાહનોની અવરજવર બંધ છે.
રાજ્યમાં ભારે નુકસાન
હિમાચલ પ્રદેશના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC) અનુસાર, તાજેતરના પૂર અને ભૂસ્ખલનને કારણે રાજ્યમાં લગભગ 812 વીજળી ટ્રાન્સફોર્મરને નુકસાન થયું છે. 369 પાણી પુરવઠા યોજનાઓ ખોરવાઈ ગઈ છે. ભારે ભૂસ્ખલનને કારણે અને લોકોની સલામતી માટે રસ્તાઓ પર અવરજવર બંધ કરવામાં આવી છે. પરિવહન નિગમના માર્ગો બંધ થવાને કારણે લોકોને ભારે સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. તો બીજી બાજૂ, નિગમને દરરોજ લાખો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે. ભારે વરસાદને કારણે બંધ થયેલા રસ્તાઓને પુનઃસ્થાપિત કરવાનું કામ ચાલુ છે, પરંતુ પરિસ્થિતિ હજુ પણ ખરાબ છે.
રાજ્યમાં 20 જૂનથી ચોમાસાની શરૂઆત થઈ છે. ચોમાસાની શરૂઆતથી અત્યાર સુધીમાં વરસાદ સંબંધિત ઘટનાઓ અને માર્ગ અકસ્માતોમાં કુલ 380 લોકોએ જીવ ગુમાવ્યા છે. ભારે વરસાદ, પૂર અને ભૂસ્ખલનને કારણે રાજ્યને અત્યાર સુધીમાં 4,306 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. રાજ્યના ત્રણ રાષ્ટ્રીય ધોરીમાર્ગો હજુ પણ બંધ છે.
અત્યાર સુધીમાં કેટલાના થયા મોત ?
SEOC અનુસાર, રાજ્યના વિવિધ વિસ્તારોમાં 380 લોકોના મોત થયા છે. આમાંથી 48 લોકોના મોત ભૂસ્ખલનને કારણે, 17 લોકોના મોત વાદળ ફાટવાથી, 11 લોકોના મોત પૂરને કારણે અને 165 લોકોના મોત માર્ગ અકસ્માતમાં થયા છે. આ ઉપરાંત, 40 લોકો હજુ પણ ગુમ થયાના અહેવાલ છે. વરસાદ, પૂર અને ભૂસ્ખલનથી પ્રભાવિત લોકો માટે શક્ય તેટલી મદદની જાહેરાત કરવામાં આવી છે. રાહત અને બચાવ ટીમો લોકોને મદદ કરવા માટે સતત તૈયાર છે. રાજ્યના ત્રણ જિલ્લાઓ – ચંબા, કાંગડા અને મંડીમાં ભારેથી અતિ ભારે વરસાદને કારણે હવામાન વિભાગે અલગ અલગ વિસ્તારોમાં ‘ઓરેન્જ એલર્ટ’ જાહેર કર્યું છે.
દેશ અને દુનિયાના તમામ સમાચારો વાંચવા માટે અહીં ક્લિક કરો