નિપાહ વાયરસ ફરી એકવાર કેરળમાં પ્રવેશ્યો છે. સંક્રમણને કારણે બે લોકોના મોત બાદ કેરળ સરકાર એલર્ટ થઈ ગઈ છે. હવે મૃત્યુ પામેલા લોકોની નજીકના લોકોને સારવાર આપવામાં આવી રહી છે. સંક્રમણને રોકવા માટે નિષ્ણાતોની કેન્દ્રીય ટીમને કેરળ મોકલવામાં આવી છે. કેરળના કોઝિકોડમાં મૃત્યુના કેસ સામે આવ્યા બાદ આરોગ્ય વિભાગે એલર્ટ જાહેર કર્યું છે. રાજ્યના અન્ય ચાર લોકોના સેમ્પલ નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી, પુણેમાં પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે.
કેરળમાં નિપાહ વાયરસનો આ પહેલો કેસ નથી. આ પહેલા કોઝિકોડમાં 2018 અને 2021માં પણ આ વાયરસના કારણે મોત થયા હતા. આવી સ્થિતિમાં, સવાલ એ છે કે નિપાહ વાયરસ શું છે અને તે કેટલો ઘાતક છે અને કેરળમાં તેના કેસ વારંવાર કેમ નોંધાય છે? નિષ્ણાતો પાસેથી આ પ્રશ્નોના જવાબો સમજો.
નિપાહ વાયરસ તે એક ઝૂનોટિક વાયરસ છે, જે પ્રાણીઓ દ્વારા મનુષ્યોમાં ફેલાય છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) અનુસાર, તેનો પ્રથમ કેસ 1998માં મલેશિયાના એક ગામ સુંગાઈ નિપાહમાં નોંધાયો હતો. લોકો સંક્રમિત થયા પછી, તેના પર સંશોધન શરૂ થયું અને તેનું નામ ગામના નામ પર રાખવામાં આવ્યું. પશુપાલન સાથે સંકળાયેલા લોકોમાં તેનો ચેપ લાગ્યો હતો. માત્ર માણસોમાં જ નહીં, કૂતરા, બિલાડી, બકરી અને ઘોડા જેવા પાલતું પ્રાણીઓમાં પણ તેના કેસ જોવા મળ્યા હતા.
WHO અનુસાર, તેનું સંક્રમણ જીવલેણ છે. ચેપ પછી દર્દીઓના મૃત્યુનું જોખમ 40 થી 75 ટકા સુધી હોય છે. જો કે, તે દર્દીને કેટલી ઝડપથી સારવાર આપવામાં આવી તેના પર પણ આધાર રાખે છે.આ વાયરસને લઈને અત્યાર સુધી કોઈ રસી તૈયાર કરવામાં આવી નથી, તેથી હાલની દવાઓ દ્વારા તેના લક્ષણોને નિયંત્રિત કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
જો આપણે નિપાહ વાયરસના કેસો પર નજર કરીએ, તો આપણને જોવા મળશે કે તેના મોટાભાગના કેસ કેરળમાં જ નોંધાયા છે. આવું શા માટે છે તેનો જવાબ બાંગ્લાદેશમાં નિપાહ વાયરસ શોધનાર પ્રોફેસર સ્ટીફન લુબીએ આપ્યો હતો. નિપાહ વાયરસ પર છેલ્લા 15 વર્ષથી સંશોધન કરી રહેલા પ્રોફેસર લુબીનું કહેવું છે કે નિપાહ વાયરસ દક્ષિણ એશિયામાં જોવા મળતા મોટા ચામાચીડિયાથી ફેલાય છે. આ ચામાચીડિયાને ફ્રુટ બેટ કહેવામાં આવે છે કારણ કે તે ફળોનો રસ ચૂસે છે અને તાડીને ભોજન બનાવે છે. આ ભારતના દક્ષિણી રાજ્યોમાં સૌથી વધુ છે. ત્યારે અહીં આ વધુ જોવા મળે છે. આ ચામાચીડિયા નિપાહ વાયરસ ફેલાવવાનું કામ કરે છે. કેરળમાં તેમની સંખ્યા વધુ છે. આ ઉપરાંત તેઓ ભારતના પડોશી દેશ શ્રીલંકામાં પણ જોવા મળે છે.
નિપાહ વાયરસનો ચેપ એક વ્યક્તિથી બીજામાં સરળતાથી ફેલાય છે. તેથી સતર્ક રહેવાની જરૂર છે. ચેપ પછી દર્દીઓમાં ઘણા પ્રકારના લક્ષણો જોવા મળે છે. જેમ કે વાયરલ તાવ, માથાનો દુખાવો, શ્વાસ લેવામાં તકલીફ, ચક્કર આવવા. આ લક્ષણો 2 અઠવાડિયા સુધી ચાલુ રહી શકે છે. તેથી, જો આવું થાય, તો નિષ્ણાંત તબીબની સલાહ લેવી જરુરી છે.
ચેપની પુષ્ટિ કરવા માટે સેરોલોજી, સીરમ ન્યુટ્રલાઇઝેશન ટેસ્ટ, હિસ્ટોપેથોલોજી, પીસીઆર અને વાયરસ આઇસોલેશન અને ELISA ટેસ્ટ કરવામાં આવે છે. જોખમ ઘટાડવા માટે સાબુથી હાથ ધોવા. ઝાડ પરથી પડી ગયેલા ફળ ખાવાનું ટાળો. અથવા પક્ષી દ્વારા ચાંચ મારેલા ફળો ખાવાનું ટાળો. તાવ આવે તો તરત જ ડોક્ટરનો સંપર્ક કરો. આથાવાળી તાડી પીવાનું ટાળો.