બિહારમાં ચાલી રહેલી રાજકીય ઉથલપાથલ વચ્ચે નીતિશ કુમારે આજે મુખ્યમંત્રી પદેથી રાજીનામુ આપ્યુ છે. ત્યારબાદ ભાજપ સાથે ગઠબંધન કરી તેઓ 9મી વાર બિહારના મુખ્યમંત્રી બન્યા છે. આ સાથે જનતા દળ યુ અને રાષ્ટ્રીય જનતા દળનું મહાગઠબંધન તૂટી ગયુ છે અને 17 મહિના જૂની ગઠબંધન સરકાર ધરાશાયી થઈ ગઈ છે. આ તમામ વચ્ચે સૌથી મોટી વાત એ છે કે ખુરશી કુમાર નીતિશ કુમારની સીએમની ખુરશીને કોઈ આંચ નથી આવી. આરજેડી સાથે છેડો ફાડી હવે નીતિશ કુમાર બીજીવાર ભાજપ સાથે હાથ મિલાવી સરકાર બનાવી છે. 9મી વખત તેઓ બિહારના સીએમ બનનારા નીતિશ કુમારની નેટવર્થ હાલ કેટલી છે.એ પણ જાણી લો.
બિહારની સત્તા પર લાંબા સમયથી સત્તા પર ટકી રહેલા નીતિશ કુમારને વિપક્ષ પલ્ટુ કહીને સંબોધે છે. પરંતુ તે કોઈપણ પાર્ટી સાથે રહે પરંતુ તેમની વ્યક્તિગત છબીને લઈને તેમની સામે કોઈ આરોપ નથી લગાવી શક્તા અને આ જ નીતિશકુમારની સૌથી મોટી તાકાત માનવામાં આવે છે. સંપત્તિની વાત કરીએ તો નીતિશ કુમાર દર વર્ષે તેમની સંપત્તિની વિગતો જાહેર કરે છે. આ સાથે જ બિહાર સરકારની વેબસાઈટ પર તેમની પાર્ટીની સરકારમાં સામેલ મંત્રીઓની પણ નેટવર્થની વિગતો શેર કરવામાં આવે છે. ગત વર્ષે 2023ના અંતિમ દિવસે એટલે કે 31 ડિસેમ્બરે વેબસાઈટ પર તમામ લેખાજોખા શેર કરવામાં આવ્યા હતા.
સતત 9મી વાર સીએમ બનેલા નીતિશ કુમારની નેટવર્થ 1.64 કરોડ રૂપિયા છે. જેમા તેમની સ્થાવર અને જંગમ સંપત્તિ સામેલ છે. જાણકારી અનુસાર તેમની પાસે 22,552 રૂપિયા રોકડ છે. જ્યારે તેમના બેંક ખાતામાં 49,202 રૂપિયા જમા છે. તેમણે જાહેર કરેલી વિગતો અનુસાર તેમની પાસે 13 ગાય અને 10 વાછરડા છે. જેની કુલ કિંમત 1.45 લાખ રૂપિયા જણાવવામાં આવી છે.
નીતિશ કુમાર પાસે રહેલી અન્ય સંપતિની જો વાત કરીએ તો તેમના નામ પર એક ફોર્ડ ઈકોસ્પોર્ટ્સ કાર છે. જેની કિંમત 11.32 લાખ રૂપિયા છે, જ્વેલરીમાં તેમની પાસે 1.28 લાખ રૂપિયાની સોનાની વીંટી અને એક ચાંદીની વીંટી છે. સ્થાવર સંપત્તિની વાત કરીએ તો તેમની પાસે દેશની રાજધાની દિલ્હીના દ્વારકા વિસ્તારમાં એક અપાર્ટમેન્ટ છે. જે એકમાત્ર તેમની અચલ સંપત્તિ છે. આ અપાર્ટમેન્ટની કિંમત 1.48 કરોડ રૂપિયા છે. નીતિશ કુમારે વર્ષ 2004માં તેને ખરીદ્યુ ત્યારે તેની કિંમત 13.78 લાખ રૂપિયા હતી.
બિહાર CM પાસે ભલે એક કરોડની સંપત્તિ હોય પરંતુ વર્ષ 2022માં સામે આવેલા એક રિપોર્ટ અનુસાર નીતિશ કુમાર કરતા તેમના પુત્ર નિશાંત પાસે લગભગ 5 ગણી વધુ સંપત્તિ છે. નિશાંત પાસે 16,549 રૂપિયા રોકડ અને 1.28 કરોડ રૂપિયાની એફડી વિવિધ બેંકોમાં જમા છે. આ ઉપરાંત નીતિશ કુમારના દીકરા પાસે 1.63 કરોડની જંગમ સંપત્તિ છે. જ્યારે 1.98 કરોડ રૂપિયાની અચલ સંપત્તિ છે. નિશાંત પાસે નાલંદા અને પટનામાં રેસિડેન્શિયલ બિલ્ડિંગ સાથએ ખેતીલાયક જમીન પણ છે. જ્યારે આ રિપોર્ટ આવ્યો હતો એ સમયે નીતિશકુમારની કુલ નેટવર્થ વર્ષ 2022માં 75.53 લાખ રૂપિયા હતી.
Published On - 8:27 pm, Sun, 28 January 24