ગુજરાત કોંગ્રેસમાં વધુ એક ગાબડુ, અમદાવાદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ બળવંત ગઢવીએ આપ્યુ રાજીનામુ, 200થી વધુ કાર્યકરો સાથે ભાજપમાં જોડાશે
લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસમાં રાજીનામા પડવાનો સિલસિલો યથાવત છે. ગુજરાત કોંગ્રેસમાં વધુ એક ગાબડુ પડ્યુ છે. અમદાવાદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ બળવંત ગઢવીએ કોંગ્રેસના પ્રાથમિક સભ્યપદ સહિત તમામ હોદ્દા પરથી રાજીનામુ આપ્યુ છે. આવતીકાલે તેઓ 200થી વધુ સમર્થકો સાથે ભાજપમાં જોડાશે.
કોંગ્રેસમાં એક સાંધે ત્યાં તેર તૂટેની સ્થિતિ ગુજરાત વિધાનસભા ચૂંટણી સમયથી યથાવત છે. હાલ લોકસભા ચૂંટણીને આડે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે અનેક કોંગ્રેસના મોટા નેતાઓ અલવિદા કરવાની તૈયારીમાં છે. ગુજરાત કોંગ્રેસમાં આજે વધુ એક ગાબડુ પડ્યુ છે. અમદાવાદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ બળવંત ગઢવીએ કોંગ્રેસના પ્રાથમિક સભ્યપદ સહિત તમામ હોદ્દા પરથી રાજીનામુ આપ્યુ છે. આ સાથે કોંગ્રેસ OBC મોરચા સેલના ચેરમેન ઘનશ્યામ ગઢવીએ રાજીનામુ આપ્યુ છે. આ બંને આવતી કાલે 200 થી વધુ કાર્યકરો સાથે ભાજપમાં જોડાશે. બળવંત ગઢવી 2022 વિધાનસભા ચૂંટણીમાં વટવાથી કોંગ્રેસના ઉમેદવાર હતા. જો કે ભાજપના બાબુ જાદવ સામે તેમની હાર થઈ હતી.
રામ મંદિરમાં ન જવાનો હાઈકમાનના દિશાવિહિન નિર્ણય બાદ કોંગ્રેસ છોડવાનું નક્કી કર્યુ- બલવંતસિંહ
કોંગ્રેસ છોડવા અંગે તેમણે tv9 સાથેની વાતચીતમાં જણાવ્યુ કે હું ગઢવી સમાજમાંથી આવુ છુ અને ધર્મ, સંસ્કૃતિ, રાષ્ટ્રવાદ અને દેશભક્તિ સાથે વધુ ગાઢ નાતો હોય છે. એ અમને વધુ પ્રભાવિત કરે છે. ઘણા વર્ષોથી કોંગ્રેસમાં હતા પરંતુ હાઈકમાનના રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં નહીં જવાનો નિર્ણય એ દિશાવિહિન નિર્ણય લાગ્યો. પાર્ટીની દિશા જ જ્યાં નક્કી ન થતી હોય ત્યાં હવે ન રહેવુ જોઈએ તેવુ મને લાગ્યુ અને પાર્ટી છોડવાનો નિર્ણય કર્યો તેમ ગઢવીએ જણાવ્યુ હતુ. તેમણે કહ્યુ ન માત્ર હું પરંતુ મારા સમર્થકો પણ મારી સાથે જોડાવાના છે.
કોણ છે બળવંત ગઢવી?
ગઢવી ચારણ સમાજમાંથી આવતા બળવંત સિંહનું ગઢવી સમાજમાં મોટુ નામ છે. ગઢવી સમાજ સહિત અનેક જ્ઞાતિઓના નાના-મોટા સંગઠનોમાં તેઓ સક્રિય ભૂમિકા ભજવી સંગઠનનું નેતૃત્વ કરવામાં માહેર છે. યુવા પ્રશાસક તરીકે જાણીતા બળવંતસિંહનું ચારણ સમાજમાં ઘણુ વર્ચસ્વ છે. વર્ષ 2022ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે તેમને અમદાવાદની વટવા બેઠક પરથી ઉમેદવાર બનાવ્યા હતા. બાવળા તાલુકાના ઢેઢાળના વતની બળવંત ગઢવી રાઈસ મિલના વ્યવસાય સાથે પણ જોડાયેલા છે. તેમના દાદા અને પિતા પણ રાજકારણમાં હતા અને પ્રખર કોંગ્રેસમાં જ હતા. તેમના પિતા ઢેઢાળ ગામના ત્રણવાર સરપંચ રહી ચુક્યા છે. તેમના મોટાભાઈ પણ ઢેઢાળ ગામના ઉપસરપંચ રહી ચુક્યા છે. બળવંતસિંહ ગઢવી વર્ષ 2005માં તાલુકા પંચાયતની ચૂંટણી લડ્યા હતા. જેમા તેમની હાર થઈ હતી. ત્યારબાદ તેઓ વર્ષ 2022માં વિધાનસભાની ચૂંટણી લડ્યા જેમા પણ તેમની હાર થઈ હતી.
લોકસભા ચૂંટણી પહેલા ભાજપનું ‘ઓપરેશન લોટસ’
લોકસભા ચૂંટણી નજીક છે ત્યારે કોંગ્રેસમાં એક બાદ એક રાજીનામાનો દોર યથાવત છે. જાણે પક્ષપલટાની મોસમ ખીલી હોય તેવુ ચિત્ર કોંગ્રેસમાં જોવા મળી રહ્યુ છે. કોંગ્રેસના એક બાદ એક ધારાસભ્યો, કાર્યકરો કોંગ્રેસ છોડી રહ્યા છે અને રાજીનામાં આપવા મંડ્યા છે. આપને જણાવી દઈએ કે ગત બે મહિનામાં ચાર ધારાસભ્યોએ રાજીનામુ આપી ચુક્યા છે. જેમા કોંગ્રેસના ખંભાતના ધારાસભ્ય ચીરાગ પટેલ અને વીજાપુરના ધારાસભ્ય સી.જે. ચાવડાએ રાજીનામુ આપ્યુ છે. જ્યારે પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા પણ ગમે તે ઘડીએ કોંગ્રેસને અલવિદા કહે તેવી રાજકીય વર્તુળોમાં ચર્ચા છે. જ્યારે રાજુલાના પૂર્વ ધારાસભ્ય અમરીશ ડેર પણ ભાજપમાં જોડાય તો નવાઈ નહીં. ડેરને તો ભાજપ પ્રદેશ પ્રમુખ જાહેર મંચ પરથી ખુલ્લુ આમંત્રણ આપી ચુક્યા છે. જ્યારે જુનાગઢના પૂર્વ ધારાસભ્ય ભીખાભાઈ જોષીની પણ ભાજપમાં જોડાવાની ચર્ચા છે.
આ તરફ આમ આદમી પાર્ટીના ભૂપત ભાયાણી અને વાઘોડિયાથી અપક્ષ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા પણ રાજીનામુ આપી ચુક્યા છે. આ તરફ ચર્ચા એવી પણ છે કે બાયડના અપક્ષ ધારાસભ્ય ધવલસિંહ ઝાલા પણ ગમે ત્યારે રાજીનામુ આપી શકે છે.