કિરીટ સોમૈયાના મામલે એનસીપી અને શિવસેના વચ્ચેનો મતભેદ સામે આવ્યો છે. શિવસેનાએ કોલ્હાપુરમાં કિરીટ સોમૈયાના પ્રવેશ પર પ્રતિબંધ, સાતારા જિલ્લાના કરાડમાં અટકાયત અને મુંબઈના મુલુંડમાં નજરકેદમાં રાખવાની સમગ્ર કાર્યવાહીથી પોતાને દૂર રાખી છે.
શિવસેનાએ તેની સમગ્ર જવાબદારી ગૃહ વિભાગ પર નાખી દીધી છે. શિવસેના સાંસદ સંજય રાઉતે સ્પષ્ટ કર્યું કે આ કાર્યવાહી મુખ્યમંત્રી કાર્યાલયમાંથી કરવામાં આવી નથી. એનસીપીના નેતા અને રાજ્યના ગૃહમંત્રી દિલીપ વાલસે પાટીલે (Dilip Walse Patil) આ મુદ્દે સ્વીકાર્યું કે કિરીટ સોમૈયા સામેની કાર્યવાહી રાજ્યના ગૃહ વિભાગ દ્વારા કરવામાં આવી છે.
પરંતુ તેમણે કહ્યું કે તેમને ખબર ન હતી કે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે (CM Uddhav Thackeray)ને આ કાર્યવાહી વિશે જાણ કરવામાં આવી હતી કે નહીં? સામાન્ય રીતે દરેક કેસની માહિતી મુખ્યમંત્રીને આપવામાં આવે છે. આ અંગે વિપક્ષના નેતા દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને કદાચ આની જાણકારી નહીં હોય. પરંતુ જ્યારે કાર્યવાહી કરવામાં આવી રહી હતી, ત્યારે CM ઉદ્ધવ ઠાકરેએ કાર્યવાહી કેમ રોકી ન હતી?
એટલે કે શિવસેના આ સમગ્ર મામલાથી પોતાને અલગ રાખવાનો પ્રયાસ કરી રહી છે અને તમામ દોષ ગૃહ વિભાગ પર નાખવાનો પ્રયાસ કરી રહી છે. ગૃહમંત્રી દિલીપ વાલસે પાટીલ એનસીપીના નેતા છે. કિરીટ સોમૈયા ગ્રામીણ વિકાસ મંત્રી હસન મુશ્રીફના 127 કરોડના ભ્રષ્ટાચારના આરોપોના પુરાવા આપવા અને નવા પુરાવા એકત્ર કરવા કોલ્હાપુર જઈ રહ્યા હતા.
આજે પત્રકાર પરિષદ યોજીને કિરીટ સોમૈયાએ હસન મુશ્રીફના પરિવાર પર અપ્પાસાહેબ નલવાડે ગજહિંગ્લજ ખાતે સહકારી કારખાના સંબંધિત 100 કરોડના કૌભાંડનો નવો આક્ષેપ કર્યો છે, હરાજીમાં પારદર્શિતા જળવાઈ ન હતી અને હસન મુશ્રીફના પરિવારને ચાર્જ આપવામાં આવ્યો હતો. તેમણે એમ પણ કહ્યું છે કે હસન મુશ્રીફના જમાઈ બ્રિક્સ ઈન્ડિયા કંપનીના બેનામી માલિક છે.
આ તમામ આરોપો પર વાત કરતા શિવસેના સાંસદ સંજય રાઉતે પહેલા કહ્યું કે આ બધું કેન્દ્રના ઈશારે થઈ રહ્યું છે, જેથી મહારાષ્ટ્ર સરકારને અસ્થિર કરી શકાય. તેમણે કહ્યું કે આરોપો લગાવવાથી શું થઈ શકે છે. આરોપ તો PM મોદી પર પણ લાગ્યો હતો કે તેમણે દેશ વેચી નાખ્યો. ત્યારબાદ તેમણે મુખ્ય પ્રધાન કાર્યાલયમાંથી કિરીટ સોમૈયા સામે કરવામાં આવેલી કાર્યવાહીનો ઈનકાર કર્યો હતો. તેમણે કહ્યું કે મુખ્યમંત્રી પર આરોપ લગાવવાનું કોઈ કારણ નથી, તે ગૃહ વિભાગની કાર્યવાહી છે.
આજે (20 સપ્ટેમ્બર, સોમવાર) મહાવિકાસ અઘાડી સરકાર સાથે સંકળાયેલા ત્રણ પક્ષોની સંકલન બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે, રાજ્યના મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવા મુખ્યમંત્રીના વર્ષા બંગલા ખાતે સંકલન બેઠક બોલાવવામાં આવી છે. પરંતુ બેઠકને શિવસેના અને એનસીપી વચ્ચેના આ મતભેદ દૂર કરવાના એક પ્રયાસ તરીકે જોવામાં આવી રહી છે.
હસન મુશ્રીફે સોમૈયાના નવા આરોપને નકારતા કહ્યું કે તેમના પરિવારનો બ્રિક્સ ઈન્ડિયા કંપની સાથે કોઈ સંબંધ નથી. તેઓ આ આરોપ માટે 100 કરોડનો બદનક્ષીનો દાવો કરશે. હસન મુશ્રીફે કહ્યું કે આ સમગ્ર આરોપ પાછળ ભાજપ પક્ષનો હાથ છે. કિરીટ સોમૈયા માત્ર એક માધ્યમ છે. તેમણે કહ્યું કે આ સમગ્ર મામલાના માસ્ટર માઈન્ડ ભાજપના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલ છે. તેમણે એમ પણ કહ્યું કે તેમને ભાજપમાં જોડાવાની ઓફર કરવામાં આવી હતી, પરંતુ તેઓ ગયા નહીં એટલા માટે તેમને હેરાન કરવામાં આવી રહ્યા છે.
તેના જવાબમાં ચંદ્રકાંત પાટીલે કહ્યું કે ગિરની મજૂરનો દીકરો એટલો મોટો થઈ ગયો છે કે તેને માસ્ટરમાઈન્ડ કહેવામાં આવી રહ્યો છે, જોકે હું એટલો મોટો નથી. ચંદ્રકાંત પાટીલે કહ્યું કે કોઈ ઓફર કરવામાં આવી નથી. ઓફર લેટર અંગે દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે ઓફર કોણે કરી? અમે ઓફર લેટર લઈને નથી ફરતા કે આવો, તમારા માટે એક ઓફર છે.
હવે આ પછી કિરોટ સોમૈયાના નિશાન પર મુખ્યમંત્રી અલીબાગના 19 બંગલા અને નાયબ મુખ્યમંત્રી અજીત પવારની જરડેશ્વરની ફેક્ટરી છે. કિરીટ સોમૈયાએ જણાવ્યું હતું કે તેઓ ટૂંક સમયમાં જ આ અંગેના મોટા ખુલાસા કરવા જઈ રહ્યા છે.