મુંબઈમાં હજી ખુલ્લેઆમ ગુંડા ચપ્પુ લઈને ફરે છે ! ચાલુ ટ્રેનમાં યુવકની હત્યા, દરવાજો ખુલ્લો રાખવાના મુદ્દે થયેલા ઝઘડાએ લીધો જીવ
મુંબઈની લોકલ ટ્રેનમાં ચોંકાવનારી ઘટના બની છે. ચોમાસામાં ટ્રેનનો દરવાજો ખુલ્લો રાખવા મુદ્દે થયેલા વિવાદમાં 22 વર્ષીય મયંક લોહારની છરીના ઘા મારી હત્યા કરવામાં આવી હતી. આરોપી રોશન સુવર્ણાની ધરપકડ થઈ છે.

મુંબઈની લાઇફલાઇન ગણાતી લોકલ ટ્રેનમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ચોમાસાના પહેલા ભારે વરસાદ દરમિયાન ટ્રેનનો દરવાજો ખુલ્લો રાખવા મુદ્દે થયેલા વિવાદમાં એક યુવકની છરીના ઘા મારીને હત્યા કરવામાં આવી હતી. મૃતકની ઓળખ 22 વર્ષીય મયંક લોહાર તરીકે થઈ છે, જ્યારે આરોપી રોશન સુવર્ણાની પોલીસે ધરપકડ કરી છે.
રેલવે અધિકારીઓના જણાવ્યા મુજબ, ઘટના મંગળવારે રાત્રે લગભગ 10:42 વાગ્યે ચર્ચગેટ-નાલાસોપારા ફાસ્ટ લોકલ ટ્રેનના ફર્સ્ટ ક્લાસ ડબ્બામાં બની હતી. ટ્રેન અંધેરી અને બોરીવલી સ્ટેશન વચ્ચે પસાર થઈ રહી હતી ત્યારે બંને મુસાફરો વચ્ચે દરવાજો ખુલ્લો રાખવા અંગે બોલાચાલી શરૂ થઈ હતી.
પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે રોશન સુવર્ણા દરવાજો ખુલ્લો રાખવા માગતો હતો, જ્યારે મયંકે ભારે વરસાદને કારણે તેનો વિરોધ કર્યો હતો. વાતચીત ઉગ્ર બનતા રોશને ગુસ્સામાં આવી છરી કાઢી અને મયંકના પેટમાં ઘા ઝીંક્યો હતો.
તાત્કાલિક સ્ટેશનના મેડિકલ રૂમમાં લઈ જવામાં આવ્યો
ઘટના બાદ ડબ્બામાં હાજર મુસાફરોમાં અફરાતફરી મચી ગઈ હતી. ટ્રેન રાત્રે 11:04 વાગ્યે બોરીવલી સ્ટેશન પર પહોંચી ત્યારે ગંભીર રીતે ઘાયલ મયંકને તાત્કાલિક સ્ટેશનના મેડિકલ રૂમમાં લઈ જવામાં આવ્યો હતો. ત્યારબાદ તેને એમ્બ્યુલન્સ મારફતે કાંદિવલી સ્થિત શતાબ્દી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જોકે, સારવાર દરમિયાન તેનું મોત થયું હતું.
A dispute over closing the door of a Mumbai local train during heavy rain turned deadly late Monday night when a 22-year-old passenger was allegedly stabbed to death by a fellow commuter inside a first-class coach, police said. The incident took place aboard the… pic.twitter.com/IvoqwTm32V
— Hate Detector (@HateDetectors) June 24, 2026
હત્યાની ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપી રોશન સુવર્ણા બોરીવલી સ્ટેશન પર ટ્રેનમાંથી ઉતરીને ફરાર થઈ ગયો હતો. સ્ટેશન પર લાગેલા સીસીટીવી કેમેરામાં તેની હિલચાલ કેદ થઈ હતી. રેલવે પોલીસે આરોપીની શોધખોળ માટે સાત ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી અને બુધવારે બપોરે કુર્લા વિસ્તારમાંથી તેની ધરપકડ કરવામાં સફળતા મેળવી હતી.
મયંકનો પરિવાર મૂળ નેપાળનો
મૃતક મયંક લોહારે ફાઇનાન્સ માર્કેટિંગનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો અને છેલ્લા નવ મહિનાથી ચકલામાં આવેલી “વેસ્ટ સાઇડ” કંપનીમાં કામ કરતો હતો. તે રોજ વિરારથી અંધેરી સુધી નોકરી માટે મુસાફરી કરતો હતો. મયંકનો પરિવાર મૂળ નેપાળનો છે, પરંતુ તેમની છ પેઢીઓથી મુંબઈમાં વસવાટ કરે છે. પરિવાર અગાઉ અંધેરીમાં રહેતો હતો, પરંતુ ઘરનું નવીનીકરણ ચાલી રહ્યું હોવાથી થોડા સમયથી વિરારમાં રહેવા ગયો હતો.
ઉલ્લેખનીય છે કે છેલ્લા ચાર મહિનામાં મુંબઈ લોકલ ટ્રેનમાં મુસાફરો વચ્ચેના વિવાદને કારણે હત્યાની આ બીજી ઘટના છે. થોડા સમય પહેલાં પણ બોરીવલી નજીક દરવાજા પાસે ઉભા રહેવાના મુદ્દે થયેલા ઝઘડામાં એક મુસાફરની છરી મારીને હત્યા કરવામાં આવી હતી. સતત બની રહેલી આવી ઘટનાઓને કારણે લાખો મુસાફરો માટે જીવનરેખા સમાન મુંબઈ લોકલ ટ્રેનોમાં સુરક્ષાને લઈને ચિંતાઓ વધી રહી છે.
ઘૂંટણિયે બેસીને કર્યો હતો પ્રપોઝ, જુઓ કેતન અગ્રવાલનો છેલ્લો વીડિયો
