Breaking News: દેશમાં વેચાતી 157 દવાઓની ગુણવત્તા નબળી નીકળી, CDSCO ની તપાસમાં થયો ‘મોટો ખુલાસો’
કેન્દ્ર સરકારની સંસ્થા CDSCO ની તપાસમાં દેશની કેટલીક સામાન્ય દવાઓ ગુણવત્તાના ટેસ્ટમાં ફેલ સાબિત થઈ છે. આ તપાસમાં તાવ, બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ જેવી બીમારીઓની રોજિંદી દવાઓ સહિત મેડિકલ સામગ્રીના સેમ્પલ પણ ધોરણો મુજબના મળ્યા નથી.

કેન્દ્ર સરકારની દવા નિયામક સંસ્થા CDSCO ની તપાસમાં મે 2026 દરમિયાન 157 દવાઓના સેમ્પલ ક્વોલિટી ટેસ્ટમાં ફેલ થયા છે. સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશન (CDSCO) દર મહિને બજારમાં ઉપલબ્ધ દવાઓના સેમ્પલ લઈ લેબોરેટરીમાં તપાસ કરે છે, જેમાં મે મહિનાની તપાસ દરમિયાન આ 157 દવાઓ નક્કી કરાયેલા ધોરણો પર ખરી ઉતરી નથી.
લેબોરેટરી તપાસમાં સામે આવ્યું છે કે, કેટલીક દવાઓમાં જરૂરી ‘ડ્રગ સોલ્ટ’નું પ્રમાણ યોગ્ય નહોતું, જ્યારે કેટલીક દવાઓમાં ડ્રગ કોમ્બિનેશન જ ખોટું હોવાનું જાણવા મળ્યું છે, જેના કારણે દર્દીઓને અપાતી સારવારની અસરકારકતા પર ગંભીર પ્રશ્નો ઊભા થયા છે.
સૌથી વધુ ચિંતાજનક બાબત એ છે કે, જે દવાઓ ક્વોલિટી ટેસ્ટમાં ફેલ થઈ છે, તે દેશના લગભગ દરેક ઘરમાં ઉપયોગમાં લેવાતી સામાન્ય દવાઓ છે. આ યાદીમાં તાવ માટે લેવાતી પેરાસિટામોલ, દુખાવા માટેની ડિક્લોફેનેક, ઉધરસ માટેનું ડેક્સટ્રોમેથોર્ફન સિરપ, શ્વાસની તકલીફમાં વપરાતું ટિયોટ્રોપિયમ ઇન્હેલર તેમજ ગેસ, ડાયાબિટીસ અને બ્લડ પ્રેશરના દર્દીઓ માટે અત્યંત જરૂરી ગણાતી દવાઓ પણ છે.
મોટી ફાર્મા કંપનીઓનો સમાવેશ
આ તપાસમાં માત્ર ગોળીઓ જ નહીં પરંતુ હોસ્પિટલો અને ઘરોમાં ઉપયોગમાં લેવાતી અન્ય આરોગ્યસંબંધિત સામગ્રી જેવી કે ડિહાઈડ્રેશનમાં અપાતું ORS, સર્જિકલ સ્પિરિટ, હેન્ડ સેનિટાઈઝર, બૅન્ડેજ અને કોટન વૂલ જેવા ઉત્પાદનો પણ ધોરણ મુજબના ન હોવાનું સામે આવ્યું છે, જેમાં કેટલીક જાણીતી અને મોટી ફાર્મા કંપનીઓનો પણ સમાવેશ થાય છે.
આંકડા પર એક નજર
વર્ષ 2026 ના આંકડા પર નજર કરીએ તો, જાન્યુઆરીમાં 218, ફેબ્રુઆરીમાં 217, માર્ચમાં 190, એપ્રિલમાં 121 અને મે મહિનામાં 157 દવાઓના સેમ્પલ ફેલ થયા છે, જેના લીધે હવે દર્દીઓના સ્વાસ્થ્યની સુરક્ષા અને આવી કંપનીઓ સામે કડક કાર્યવાહીને લઈને ગંભીર સવાલો ઊભા થઈ રહ્યા છે.
