મહારાષ્ટ્રમાં ફરી ધૂળ્યું ભાષાનું ભૂત, RSS ના ભૈય્યાજી જોશીના નિવેદને હોબાળો મચાવ્યા બાદ દેવેન્દ્ર ફડણવીસે કહ્યું- મુંબઈની ભાષા મરાઠી
મુંબઈમાં મરાઠી ભાષા પર ભૈય્યાજી જોશીના વિવાદાસ્પદ નિવેદન બાદ મહારાષ્ટ્રમાં ભાષાને લઈને ફરી હોબાળો મચ્યો છે. જોશીના નિવેદનને રદિયો આપતાં પૂર્વ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ મરાઠીને મહારાષ્ટ્રની સત્તાવાર ભાષા ગણાવી છે. વિધાનસભામાં ભૈય્યાજી જોશીના વિવાદાસ્પદ નિવેદન મુદ્દે જોરદાર ચર્ચા થઈ હતી, જેમાં વિપક્ષે સરકાર પર નિશાન સાધ્યું હતું. સરકારનું કહેવું છે કે મહારાષ્ટ્રમાં રહેતા દરેક વ્યક્તિએ મરાઠી ભાષા શીખવી જોઈએ.

મરાઠી ભાષાને લઈને RSS નેતા ભૈય્યાજી જોશીની ટિપ્પણી બાદ મહારાષ્ટ્રમાં ભાષાને લઈને વિવાદ વકર્યો છે. હવે ભૈય્યાજી જોશીના નિવેદન પર મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે સ્પષ્ટ કહ્યું છે કે, મુંબઈની ભાષા મરાઠી છે અને અહીં રહેતા લોકોએ મરાઠી ભાષા તો શીખવી જોઈએ. અત્રે ઉલ્લેખનીય છે કે, ભૈય્યાજી જોશીએ કહ્યું હતું કે, મુંબઈ આવતા લોકોએ મરાઠી ભાષા શીખવી જરૂરી નથી.
આજે ગુરુવારે વિધાનસભામાં સંબોધન કરતા મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે સ્પષ્ટ કહ્યું કે, મરાઠી એ મુંબઈ, મહારાષ્ટ્ર અને રાજ્ય સરકારની ભાષા છે અને અહીં રહેતા લોકોએ તેને શીખવી જોઈએ. મુખ્યમંત્રી અને ભાજપના નેતાએ કહ્યું કે મરાઠી એ મહારાષ્ટ્રની સંસ્કૃતિનો એક ભાગ છે અને આપણા મહારાષ્ટ્ર રાજ્યની ઓળખ છે અને રાજ્યના દરેક નાગરિકની ફરજ છે કે તે મરાઠી ભાષા શીખે.
આજે ગુરુવારે વિધાનસભામાં સત્તાધારી પક્ષ ભાજપ અને વિપક્ષ શિવસેના (યુબીટી)ના ધારાસભ્યો વચ્ચે મરાઠી ભાષાને લઈને ઉગ્ર ચર્ચા થવાની સાથે વિધાનસભાની કાર્યવાહી ખોરવાઈ જવા પામી હતી. વિધાનસભાની કાર્યવાહી પાંચ મિનિટ માટે સ્થગિત કરવી પડી હતી.
ભૈય્યાજી જોશીના નિવેદન પર હોબાળો
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના નેતા ભૈય્યાજી જોશીએ, મુંબઈમાં એક કાર્યક્રમમાં સંબોધન કરતા મરાઠી ભાષાને લઈને કહ્યું હતું કે, મુંબઈમાં આવનારાઓ માટે મરાઠી ભાષા શીખવાની જરૂર નથી. અહીં વિવિધ ભાષાઓ બોલાય છે. મુંબઈના ઘાટકોપર વિસ્તારની ભાષા ગુજરાતી ગણાય છે. મુંબઈની કોઈ એક ભાષા નથી. અહીં ઘણી ભાષાઓ બોલાય છે.
આ નિવેદનથી મહારાષ્ટ્રમાં ફરી ભાષાને લઈને વિવાદ સર્જાયો હતો. સંજય રાઉત સહિતના વિપક્ષના નેતાઓએ આ મુદ્દે સરકારને આડે હાથ લીધી હતી. શિવસેના ઠાકરે જૂથના ભાસ્કર જાધવે વિધાનસભામાં માંગ કરી હતી કે આ નિવેદન પર સરકારની સ્થિતિ સ્પષ્ટ કરવી જોઈએ. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે આ અંગે સરકારની સ્થિતિ સ્પષ્ટ કરી હતી.
જાણો, શું કહ્યું મુખ્યમંત્રીએ?
દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે મેં ભૈય્યાજી જોશીનું નિવેદન સાંભળ્યું નથી. હું આખી વાત સાંભળીને માહિતી મેળવીને જ બોલીશ, પરંતુ સરકારનું વલણ મક્કમ છે. મુંબઈ, મહારાષ્ટ્ર અને મહારાષ્ટ્ર સરકારની ભાષા મરાઠી છે. મહારાષ્ટ્રમાં રહેતા દરેક વ્યક્તિએ મરાઠી શીખવું જોઈએ, દરેકને મરાઠી બોલતા આવડવું જોઈએ.
તેમણે કહ્યું કે, મને નથી લાગતું કે ભૈય્યાજી જોશી આ સંદર્ભમાં મારા નિવેદન સાથે અસંમત થશે, પરંતુ હું સરકાર વતી ફરી એકવાર કહું છું કે, મુંબઈની ભાષા મરાઠી છે, મહારાષ્ટ્રની ભાષા પણ મરાઠી છે. અન્ય ભાષાઓનું અહીં સન્માન કરવામાં આવે છે. અમે કોઈપણ ભાષાનું અપમાન નહીં કરીએ, કારણ કે જે પોતાની ભાષાને પ્રેમ કરે છે તે જ અન્યની ભાષાને પ્રેમ કરી શકે છે, તેથી આ સન્માનની વાત છે.
જ્યારે, શિવસેના યુબીટી નેતા આદિત્ય ઠાકરેએ કહ્યું કે, આ શક્ય નથી અને મહારાષ્ટ્રની ભાષા મરાઠી જ રહેશે. ઠાકરેએ કહ્યું કે બહારથી લોકો આપણા રાજ્યમાં આવે છે અને અહીં સ્થાયી થાય છે. જો કે, આ ભૂમિની ભાષા મરાઠી છે, જેમ કે તમિલનાડુમાં તમિલ અને કર્ણાટકમાં કન્નડ. ભાજપની વિચારધારા મહારાષ્ટ્રનું અપમાન કરવાની રહી છે.