પેજર શું છે ? કેવી રીતે થાય છે તેમાં બ્લાસ્ટ ? જાણો લેબનોનમાં થયેલા પેજર બ્લાસ્ટ પાછળની હકીકત
મંગળવારે લેબનોન અને સીરિયામાં હિઝબોલ્લાહના સભ્યો પાસે રહેલા પેજર ઉપકરણ વિસ્ફોટની ઘટના સામે આવી હતી. લેબનોનમાં પેજર હુમલાથી માત્ર હિઝબુલ્લાહ જ નહીં પરંતુ સમગ્ર વિશ્વ ચોંકી ઉઠ્યું છે. ત્યારે હવે દરેકના મનમાં એક જ પ્રશ્ન આવે છે કે પેજર શું છે અને તે કેવી રીતે કામ કરે છે. શું પેજરને હેક પણ કરી શકાય છે ? ત્યારે આ લેખમાં અમે તમને આ તમામ પ્રશ્નો અંગે વિસ્તારથી જણાવીશું.
18 સપ્ટેમ્બરના રોજ લેબનોન અને સીરિયાના કેટલાક સરહદી વિસ્તારોમાં શ્રેણીબદ્ધ વિસ્ફોટ થયા. અચાનક શેરીઓ, બજારો અને ઘરોમાં લોકોના ખિસ્સા અને હાથમાં રહેલા પેજરમાં વિસ્ફોટ થવા લાગ્યા. આ વિસ્ફોટોનો ક્રમ લેબનોનથી સીરિયા સુધી લગભગ એક કલાક સુધી ચાલુ રહ્યો. આ વિસ્ફોટોમાં અત્યાર સુધીમાં 10થી વધુ લોકોના મોત થયા છે અને 2000થી વધુ લોકો ઘાયલ થયા છે.
મીડિયા અહેવાલો અનુસાર, આ વિસ્ફોટો હિઝબુલ્લાહને નિશાન બનાવીને પેજર દ્વારા કરવામાં આવ્યા હતા અને સામાન્ય લોકોને પણ નુકસાન થયું હતું. હિઝબુલ્લાહે આ વિસ્ફોટો માટે ઈઝરાયેલ પર આરોપ લગાવ્યો છે. આવી સ્થિતિમાં હવે દરેકના મનમાં એક જ પ્રશ્ન આવે છે કે પેજર શું છે અને તે કેવી રીતે કામ કરે છે. શું પેજરને હેક પણ કરી શકાય છે ? ત્યારે આ લેખમાં અમે તમને આ તમામ પ્રશ્નો અંગે વિસ્તારથી જણાવીશું.
હકીકતમાં લેબનોનના મોટાભાગના વિસ્તારો હિઝબુલ્લાહના નિયંત્રણ હેઠળ છે. આ સંગઠને પોતાના સૈનિકોને હેકિંગ અને હુમલાના જોખમથી બચવા માટે મોબાઈલ ફોનનો ઉપયોગ ન કરવા જણાવ્યું છે. આ કારણોસર લોકો આ વિસ્તારોમાં પેજરનો ઉપયોગ કરે છે. તમને જણાવી દઈએ કે પેજર એક નાનું ઈલેક્ટ્રોનિક ઉપકરણ છે, જેનો ઉપયોગ મેસેજ મોકલવા અને પ્રાપ્ત કરવા માટે થાય છે. સામાન્ય રીતે તે ટેક્સ્ટ સંદેશાઓ માટે એલાર્મ તરીકે કામ કરે છે. જો અહેવાલો પર વિશ્વાસ કરીએ તો, પેજરને હેક કરીને બ્લાસ્ટ કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે, ત્યારે હવે સવાલ એ ઊભો થાય છે કે પેજર શું છે અને શું મોબાઈલ પણ પેજરની જેમ હેક થઈ શકે છે ?
પેજર શું છે ?
પેજર એ એક નાનું વાયરલેસ કોમ્યુનિકેશન ડિવાઈસ છે, જેનો ઉપયોગ ખાસ કરીને મેસેજ મોકલવા અને પ્રાપ્ત કરવા માટે થાય છે. તેમાં એક નાની સ્ક્રીન અને મર્યાદિત કીપેડ હોય છે. પેજરની શોધ 1949માં ઇરવિંગ ‘અલ’ ગ્રોસ દ્વારા કરવામાં આવી હતી. ગ્રાસ દ્વારા બનાવેલ પેજરને ટેલિફોન પેજર કહેવામાં આવે છે. 1950માં અમેરિકાના ન્યુ યોર્કમાં સિટી જ્યુઈશ હોસ્પિટલમાં સૌપ્રથમ આ પેજરનો ઉપયોગ શરૂ થયો હતો. ત્યારે તેને પેજર કહેવાતું નહોતું. તે દિવસોમાં 40 કિલોમીટરની રેન્જમાં સંદેશા મોકલવાનું શક્ય હતું. તે 1980ના દાયકામાં સમગ્ર વિશ્વમાં ઉપયોગમાં લેવાનું શરૂ થયું. 1990 અને 2000ની વચ્ચે તે ભારત સહિત સમગ્ર વિશ્વમાં ખૂબ ફેમસ હતું.
મોબાઇલ ફોનના યુગ પહેલા પેજરનો વ્યાપકપણે ઉપયોગ થતો હતો. તે ખાસ કરીને ડોકટરો, ઉદ્યોગપતિઓ અને કટોકટી સેવાઓના વ્યાવસાયિકો દ્વારા ઉપયોગમાં લેવાતા હતા, કારણ કે તે સંદેશાવ્યવહારનું વિશ્વસનીય માધ્યમ માનવામાં આવતું હતું. પેજર ઉપકરણો રેડિયો સિગ્નલનો ઉપયોગ કરીને ટેક્સ્ટ સંદેશાઓ મોકલે છે અને પ્રાપ્ત કરે છે. મોબાઈલ સેવાઓ સામાન્ય લોકો માટે સુલભ બની જવાની સાથે અને મોબાઈલ ફોન ફેમસ થતા પેજર ગાયબ થઈ ગયું. ભારતમાં કદાચ ઘણા ઓછા લોકો પેજર વિશે જાણતા હશે, પરંતુ હિઝબુલ્લાહ લેબનોનમાં તેનો વ્યાપક ઉપયોગ કરે છે.
મોટોરોલાએ પેજરને વિશ્વભરમાં ઓળખ આપી
1959માં મોટોરોલાએ સૌપ્રથમ ‘પેજર’ શબ્દનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું. આ તે કંપની છે જેણે પેજરને વિશ્વભરમાં ઓળખ આપી અને સૌથી મોટી પેજર કંપની બની. 1960માં જ્હોન ફ્રાન્સિસ મિશેલે મોટોરોલાની વોકી-ટોકી અને ઓટોમોબાઈલ રેડિયો ટેક્નોલોજીના ઘટકોને જોડીને પ્રથમ ટ્રાન્ઝિસ્ટોરાઇઝ્ડ પેજર બનાવ્યું. મોટોરોલા આગામી 40 વર્ષ સુધી પેજરની દુનિયાની અગ્રણી કંપની રહી.
પેજર્સ 1970 અને 1980ના દાયકામાં ખૂબ જ લોકપ્રિય હતા. તે સમયે પેજરની કિંમત 200 થી 300 ડોલરની આસપાસ હતી. આ સિવાય તેની સર્વિસનો માસિક ખર્ચ લગભગ 25 થી 30 ડોલર હતો. હોસ્પિટલો અને વ્યવસાયોમાં કામ કરતા લોકો જ ખાસ કરીને આ પેજરનો ઉપયોગ કરતા હતા.
ભારતમાં પેજરની એન્ટ્રી
પેજર જેને બીપર તરીકે પણ ઓળખવામાં આવે છે, તે ભારતમાં પણ લોકપ્રિય છે. પેજર ભારતમાં 1995માં રજૂ કરવામાં આવ્યું હતું, જેમાં 1991ના આર્થિક સુધારાઓએ મોટી ભૂમિકા ભજવી હતી. ભારતમાં પેજર ખરીદવાને સ્ટેટસ સિમ્બોલ સાથે જોડવામાં આવતું હતું. પેજર દ્વારા એકબીજાને મેસેજ મોકલવામાં લોકોને ઘણી મદદ મળી. Motorola, Mobilink, BPL અને Pagelink જેવી કંપનીઓ ભારતના પેજર ઉદ્યોગમાં સામેલ છે. તે સમયે એક પેજરની કિંમત 10,500 રૂપિયાની આસપાસ હતી.
પેજર કેવી રીતે કામ કરે છે ?
પેજર રેડિયો ફ્રીક્વન્સીનો ઉપયોગ કરે છે. જ્યારે કોઈ વ્યક્તિ સંદેશ મોકલવા માંગે છે, ત્યારે પેજર નેટવર્ક સંદેશ મોકલે છે, જે અન્ય પેજર ઉપકરણ દ્વારા પ્રાપ્ત થાય છે. આમાં કોઈપણ પ્રકારના ઈન્ટરનેટ કે કોલિંગની જરૂર નથી. આ ડુંગરાળ વિસ્તારો અથવા દૂરના વિસ્તારોમાં વધુ વિશ્વસનીય અને ફાયદાકારક છે. જ્યાં મોબાઈલ ફોનનું નેટવર્ક નબળું છે ત્યાં પેજર ખૂબ જ ઉપયોગી છે.
પેજર કેટલા પ્રકારના હોય છે ?
પેજર ત્રણ પ્રકારના હોય છે. જેમાં એક છે વન વે પેજર. જેમાં માત્ર મેસેજ જ મેળવી શકાય છે. બીજું છે ટુ વે પેજર. જેમાં મેસેજ મોકલી શકાય છે અને પ્રાપ્ત પણ કરી શકાય છે. ત્રીજું છે વોઇસ પેજર. જેમાં વોઈસ મેસેજ રેકોર્ડ કરીને શેર કરવામાં આવે છે. જ્યારે સંદેશ આવે છે ત્યારે તે બીપ કરે છે અથવા વાઇબ્રેટ કરે છે. આ જ કારણ છે કે તેને બીપર અને બ્લીપર પણ કહેવામાં આવે છે.
શું પેજર હેક કરીને વિસ્ફોટ કરી શકાય ?
પેજરની સિક્યોરિટી સિસ્ટમ બહુ સ્ટ્રોંગ હોતી નથી. પેજર સિસ્ટમ્સ એન્ક્રિપ્ટેડ હોતી નથી. જેના કારણે તેમાં રહેલા ડેટાને ટ્રેસ, ટ્રેક અને કેપ્ચર કરી શકાય છે અને તેને હેક પણ કરી શકાય છે. તેને હેક કર્યા બાદ હેકર્સ પોતાના કમાન્ડ આપી શકે છે.
પેજરને બોમ્બની જેમ વિસ્ફોટ કરવાની વાત કરીએ તો, ઉપકરણમાં નાના સ્વરૂપના વિસ્ફોટક સરળતાથી ફીટ કરી શકાય છે. આ માટે C4 જેવા વિસ્ફોટકોનો ઉપયોગ કરવામાં આવે છે. આ વિસ્ફોટકોને પેજરની બેટરીમાં ફીટ કરવામાં આવે છે. ત્યાર બાદ બ્લૂટૂથ જેવા વાયરલેસ સિગ્નલનો ઉપયોગ કરીને સિગ્નલ મોકલી શકાય છે, જેના કારણે બેટરીનું તાપમાન વધશે અને તે વિસ્ફોટક સ્વરૂપે રિએક્ટ કરશે. તેથી આ ઉપકરણ વિસ્ફોટનું કારણ બની શકે છે.
મીડિયા અહેવાલ મુજબ, સીરિયા અને લેબનોનમાં જે પેજરમાં વિસ્ફોટ થયા હતા તેમાં 10 થી 20 ગ્રામ મિલિટ્રી ગ્રેડના ઉચ્ચ વિસ્ફોટક ભરેલા હોઈ શકે છે, જેને એક સિગ્નલ દ્વારા ટ્રિગર કરવામાં આવ્યું હોઈ શકે છે, જે આલ્ફાન્યૂમેરિક ટેક્સ્ટ મેસેજ હોઈ શકે છે.
કઈ કંપનીએ બનાવ્યા હતા આ પેજર ?
હિઝબુલ્લાહે થોડા મહિના પહેલા તાઈવાનની ગોલ્ડ એપોલો કંપની પાસેથી આ પેજર મંગાવ્યા હતા. પરંતુ આ પેજર્સ લેબનોન પહોંચે તે પહેલા તેની સાથે છેડછાડ કરવામાં આવી હતી અને બેટરી પાસે 3 ગ્રામ વિસ્ફોટક મૂકવામાં આવ્યા હતા. આ પેજર્સ એપ્રિલ અને મે વચ્ચે હિઝબુલ્લાહને પહોંચાડવામાં આવ્યા હતા.
આ અંગે ગોલ્ડ એપોલો કહ્યું છે કે AR-924 પેજરનું ઉત્પાદન હંગેરી સ્થિત BAC કન્સલ્ટિંગ KFT દ્વારા કરવામાં આવ્યું હતું. કંપનીએ કહ્યું છે કે સહકાર કરાર મુજબ, BAC ને લેબનોન અને સીરિયામાં પેજરના વેચાણ માટે ગોલ્ડ એપોલો બ્રાન્ડના ટ્રેડમાર્કનો ઉપયોગ કરવાનો અધિકાર આપવામાં આવ્યો હતો. કંપની છેલ્લા ત્રણ વર્ષથી BAC સાથે લાયસન્સ કરાર ધરાવે છે, જો કે કરાર સંબંધિત પુરાવા સામે આવ્યા નથી.