એક સમય હતો કે જ્યારે ફિલ્મી સિતારાઓના રાજકીય સંબંધો, જોડાણ કે પછી ખુદ રાજકારણી બની જવાના સમાચાર નવા નોહતા. આ સમાચારમાં ઉમેરાયા હતા સદીના મહાનાયક અમિતાભ બચ્ચન કે જેમની ફિલ્મી કારકિર્દી ટોચ પર ચાલી રહી હતી અને તેમણે કોંગ્રેસ પક્ષની ટિકીટ પર 1984ની સાલમા લોકસભાની ચૂંટણી લડી હતી.
આ એ સમયની વાત ચાલી રહી છે કે જ્યારે રાજીવ ગાંધી સાથે અમિતાભના સંબંધો પણ એક ઉંચાઈ પર ચાલી રહ્યા હતા. અલ્હાબાદ થી તેમને ટિકીટ મળી પણ ખરી અને લોકપ્રિય નેતા એવા હેમવતી નંદન બહુગુણાને મોટા અંતરથી હરાવી દીધા.
1984નો એ સમય હતો કે જ્યારે ઈન્દિરા ગાંધીની હત્યા બાદ કોંગ્રેસ સહાનુભૂતિની લહેર મેળવવામાં વ્યસ્ત હતી અને દેશમાં અટલ બિહારી વાજપેયી, માધવ રાવ સિંધિયા જેવો જ એક રસપ્રદ મુકાબલો ગંગા કિનારે વાળા છોરા અમિતાભનો પણ હતો.
જો કે મુદ્દો ખરો હવે એ ઉભો થયો કે હેમવતી નંદન બહુગુણાએ રાજકારણ જ છોડી દીધુ હતું. 1984ની ચૂંટણીમાં રાજીવ ગાંધીએ અમિતાભ બચ્ચનને બહુગુણા સામે ઉભા કર્યા હતા. આ ચૂંટણીમાં બચ્ચને બહુગુણાને 1 લાખ 87 હજારના રેકોર્ડ વોટથી હરાવ્યા હતા. જે બાદ બહુગુણાએ રાજકારણમાંથી સંન્યાસ લઈ લીધો હતો. આ બધા વચ્ચે એમ કહી શકાય કે સદીના મહાનાયકે રાજકારણમાંથી એક્ઝિટ લઈ લીધી અને ખલનાયકે એન્ટ્રી લઈ લીધી હતી.
17 વર્ષની વયે જેના પર મર્ડરનો આરોપ હતો તેવા અને પૂર્વાંચલમા જેની તુતી બોલતી હતી એવા અતીક એહમદનો રાજકીય ઉદય પણ કઈંક 1989ના વર્ષથી જ થયો. અલ્હાબાદ પશ્ચિમની બેઠક પરથી કોંગ્રેસની ટિકીટ પર ચૂંટણી લડીને જીતેલા અતીકે પાછળ ફરીને નથી જોયુ. 1989 થી 2004 સુધી ધારાસભ્ય પદે અને 2009 ના વર્ષમાં લોકસભાની ચૂંટણી જીતીને ઉત્તરપ્રદેશમાં પોતાનું નામ ‘બાહુબલી’ તરીકે અંકિત કરાવનારા અતીકને સમજાઈ ગયું હતું કે સત્તાની તાકાત કેટલી મહત્ત્વની હોય છે. તેથી તેણે રાજકારણમાં આવવાનું નક્કી કર્યું.
વર્ષ 1989માં તે પહેલીવાર અલાહાબાદ વિધાનસભા સીટથી ધારાસભ્ય બનેલો. તેણે 1991 અને 1993માં અપક્ષમાં રહીને ચૂંટણી લડી અને ધારાસભ્ય પણ બન્યો. 1996માં આ જ સીટ પર તેને સમાજવાદી પાર્ટીએ ટિકિટ આપી અને તે ફરી ધારાસભ્ય બન્યો. અતીક અહેમદ 1999માં અપના દળ પાર્ટીમાં જોડાયો. તે પ્રતાપગઢથી ચૂંટણી લડ્યો અને હારી ગયો. તે 2002માં આ જ પાર્ટીમાંથી ફરી ધારાસભ્ય બન્યો. 2003માં જ્યારે યુપીમાં સરકાર બની ત્યારે અતીકે ફરી મુલાયમ સિંહનો હાથ પકડ્યો. 2004ની લોકસભા ચૂંટણીમાં સમાજવાદી પાર્ટીએ તેને ફૂલપુર સંસદીય વિસ્તારમાંથી ટિકિટ આપી અને તે ત્યાંનો સાંસદ બન્યો.
બસપાના ધારાસભ્ય રાજુ પાલની હત્યામાં નામજોગ આરોપી થયા પછી પણ અતીક સાંસદ તરીકે કાર્યરત હતો. એને કારણે ચારેય બાજુ તેની ઘણી નિંદા થઈ હતી અને અંતે મુલાયમ સિંહે ડિસેમ્બર 2007માં બાહુબલી સાંસદ અતીક અહમદને પાર્ટીમાંથી બહાર કાઢી નાખ્યો. 26 ડિસેમ્બર 2018માં યુપીના મોટા વેપારી મોહિત જયસ્વાલને અતીકના માણસોએ ધમકી આપી હતી અને તેનો બધો બિઝનેસ અતીક અહેમદના નામે ટ્રાન્સફર કરવા દબાણ કર્યું હતું. મોહિત જયસ્વાલે ડર્યા વગર અતીક સામે કેસ કર્યો હતો. જે બાદ તેને અમદાવાદ સાબરમતી જેલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો અને આજે એટલે કે 28 માર્ચ 2023ના દિવસે ઉમેશ પાલ અપહરણ કેસમાં આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે.
ઉત્તરપ્રદેશના અલ્હાબાદ સાથે મહાનાયકથી લઈ ખલનાયકની રાજકારણના સફરની ઉતાર ચઢાવની સ્ટોરી એમ જોવા જઈએ તો ઘણુ કહી જાય છે. જે મહાનાયકે એક માત્ર આક્ષેપથી રાજકારણને જ અલવિદા કહી દીધુ તે સામે ખલનાયક અતીક એહમદ રાજકારણના પાવર સાથે મસલ્સ પાવરને જોડીને એ હદે આગળ વધી ગયો કે જ્યાંથી પાછા તો ન ફરી શક્યો પણ કદાચ આજીવન જેલની ચાર દીવાલો વચ્ચે જ તેની જીંદગી કેદ થઈને રહી જશે તે નક્કી છે.
Published On - 6:03 pm, Tue, 28 March 23