શરાબ નીતિ કૌભાંડમાં ઈડીની ટીમે દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી છે. હવે કેસ સુપ્રીમ કોર્ટમાં પહોંચી ગયો છે. દિલ્હીના શિક્ષણ મંત્રી આતિશી માર્લેનાનું કહેવુ છે કે ઈડીએ મુખ્યપ્રધાનની ધરપકડ કરી છે અને હવે ધરપકડને રદ કરાવવા માટે અમે સુપ્રીમ કોર્ટ પહોંચ્યા છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ઈડીનું નામ ચર્ચામાં રહેવા લાગ્યુ છે. દિલ્હી સરકાર પહેલા પણ ઘણા રાજ્યની સરકાર સાથે જોડાયેલા કેસમાં પણ ઈડીએ એક બાદ એક કાર્યવાહી કરી.
ફેબ્રુઆરીમાં ઝારખંડના પૂર્વ મુખ્યપ્રધાન હેંમત સોરેનને 5 દિવસની ઈડી કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા. ત્યારે જાણો કે કેવી રીતે ઈડીની શરૂઆત થઈ, કોણ છે તેનું પ્રમુખ, કેવી રીતે આ એજન્સી કરે છે કામ અને કેટલી પાવરફૂલ છે?
ઈડી ભારત સરકાર હેઠળ કામ કરનારી એજન્સી છે. તે નાણા મંત્રાલયના રેવેન્યુ ડિપાર્ટમેન્ટની અંદર કામ કરે છે. આ એજન્સી આર્થિક ગુનાઓ અને વિદેશી વિનિમય કાયદાના ઉલ્લંઘનની તપાસ કરવા માટે બનાવવામાં આવી હતી. ક્યારેય પણ પૈસાને લઈ કોઈ ગડબડ થાય છે તો તે સમગ્ર કેસમાં ઈડી નજર રાખીને કાર્યવાહી કરે છે.
ઈડીની શરૂઆત 1 મે 1956માં થઈ હતી, ત્યારે તેને એન્ફોર્સમેન્ટ યૂનિટ નામ આપવામાં આવ્યું હતું. તેની બે બ્રાન્ચ હતી, મુંબઈ અને કોલકત્તા. 1957માં તેનું નામ બદલીને એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટરેટ કરવામાં આવ્યું અને 1960માં તેની એક ઓફિસ મદ્રાસમાં ખોલી. આ તે સમય હતો જ્યારે દેશમાં ઘણી યોજનાઓ અને ફેરફારોને લાગુ કરવાની તૈયારી કરવામાં આવી રહી હતી. ટેક્સ સિસ્ટમમાં સુધારો લાવવાનો પ્રયત્ન થઈ રહ્યો હતો. દેશમાં પૈસાનો ફ્લો પણ વધી રહ્યો હતો, તેથી આર્થિક છેતરપિંડીને રોકવા માટે EDનો પાયો નાખ્યો હતો.
શરૂઆતમાં ઈડીનું કામકાજ સંભાળવા માટેની જવાબદારી ડાયરેક્ટરની હતી. તેને આસિસ્ટ કરવા માટે રિઝર્વ બેન્કથી ડેપ્યુટેશન પર એક અધિકારી મોકલવામાં આવતા હતા. ત્યારબાદ સ્પેશિયલ પોલીસના 3 ઈન્સ્પેક્ટર પણ ઈડીની ટીમનો ભાગ હતા. હાલમાં પણ તેની કમાન એક ડાયરેક્ટરના હાથમાં છે પણ તેની પાસે એક જોઈન્ટ ડાયરેક્ટર અને ઘણા સ્પેશિયલ અને ડેપ્યુટી ડાયરેક્ટર છે.
ઈડી મની લોન્ડરિંગ, ભ્રષ્ટાચાર, આર્થિક ગુનાઓ અને વિદેશી મુદ્રાના નિયમોનું ઉલ્લંઘન કરવા પર કાર્યવાહી કરે છે. તે ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ (FEMA) હેઠળ કામ કરે છે. માની લો કે પોલીસ સ્ટેશનમાં કોઈ 1 કરોડ રૂપિયા અથવા તેનાથી વધારેની હેરાફેરીથી જોડાયેલો કેસ પહોંચે છે અને પોલીસ ઈડીને જાણકારી આપે છે તો ઈડી એફઆઈઆર અથવા ચાર્જશીટની કોપી લીધા બાદ તપાસ શરૂ કરી શકે છે. જો ઈડીને સ્થાનિક પોલીસ પહેલા પણ જાણકારી મળી જાય છે તો પણ તપાસ શરૂ કરી શકે છે.
ઈડી ફેમાનું ઉલ્લંઘન, હવાલા લેણદેણ, ફોરેન એક્સચેન્જમાં ગડબડી, વિદેશમાં રહેલી સંપતિ પર કાર્યવાહી અને વિદેશમાં સંપતિ ખરીદવાના મામલામાં કાર્યવાહી કરે છે. તેથી નિયમો હેઠળ ઈડીને સંપતિ જપ્ત કરવા, રેડ કરવા અને ધરપકડ કરવાનો પણ અધિકાર છે. ઈડીની પાસે એ પણ અધિકાર છે કે તે આરોપીની પુછપરછ કર્યા વગર સંપતિ જપ્ત કરી શકે છે. એટલું જ નહીં આરોપીની ધરપકડ સમયે એજન્સી તપાસનું કારણ બતાવશે કે નહીં, તે પણ તેમની મરજી પર નિર્ભર છે. ઈડીના અધિકારીનું નિવેદન કોર્ટમાં પૂરાવો માનવામાં આવે છે. આવા કેસોમાં થયેલી ધરપકડમાં જલ્દી જામીન મળવા મુશ્કેલ હોય છે.