6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો 10મો દિવસ હતો. કાર્યવાહી શરૂ થતાં જ જગદીપ ધનખરે કહ્યું કે, ગૃહની કાર્યવાહી સમાપ્ત થયા પછી, સીટ નંબર 222 પરથી નોટોનું બંડલ મળી આવ્યું હતું. આ નિવેદનથી સંસદમાં ભારે હોબાળો શરૂ થયો હતો. હોબાળો એટલો વધી ગયો કે રાજ્યસભાના અધ્યક્ષે સમગ્ર મામલાની તપાસ કરવા કહ્યું છે.
સંસદમાં 5 ડિસેમ્બરે ગૃહની કાર્યવાહી સમાપ્ત થઈ ત્યારે સીટ નંબર 222 પર નોટોનું બંડલ મળ્યું હતું. આ સીટ કોંગ્રેસના સાંસદ અભિષેક મનુ સિંઘવીને ફાળવવામાં આવી છે. અધ્યક્ષે કહ્યું કે આ બંડલ રૂ. 500ની નોટનું છે અને તેમાં 100 નોટો હોવાનો અંદાજ છે. જ્યારે સિંઘવીનું કહેવું છે કે તેઓ સંસદમાં 500 રૂપિયાથી વધુ લઈને જતા જ નથી. ત્યારે સંસદમાં કોઈ સાંસદ કેટલા રૂપિયા સાથે લઈ જઈ શકે છે તેમજ કઈ વસ્તુઓને સંસદમાં લઈ જવા પર પ્રતિબંધ છે, તેના વિશે આ લેખમાં જાણીશું.
સંસદમાંથી નોટોનું બંડલ મળ્યા પછી ભલે બધા નેતાઓ હોબાળો મચાવી રહ્યા હોય, પરંતુ આ અંગે કોઈ નિયમ કે કાયદો નથી. કોઈપણ સાંસદ ગમે તેટલા રૂપિયા લઈને ગૃહમાં પ્રવેશી શકે છે. સંસદભવનની અંદર ખાણીપીણીની દુકાનો અને બેંકો પણ છે. ઘણા નેતાઓ આ બેંકમાંથી પૈસા ઉપાડતા હોય છે. આવી સ્થિતિમાં સંસદની અંદર નોટો લઈ જવી એ નિયમોની વિરુદ્ધ નથી.
જો કે, ગૃહની અંદર મોટી રકમના કોઈપણ પ્રદર્શન પર સખત પ્રતિબંધ છે. સંસદની અંદર નાણાંનો ઉપયોગ અથવા પ્રદર્શન તેની ગરિમાને નુકસાન પહોંચાડી શકે છે. આ નિયમ 2008માં વધુ મજબૂત રીતે લાગુ કરવામાં આવ્યો હતો જ્યારે તે વર્ષે ભાજપ ચલણી નોટો લઈને સંસદમાં પહોંચ્યો હતું.
સાંસદોને અંગત સામાન જેમ કે નાનું પર્સ અથવા જરૂરી અંગત વસ્તુઓ ધરાવતી બેગ લઈ જવાની છૂટ છે. જ્યાં સુધી તેની અસર ગૃહના કામકાજ પર ના પડે. મહિલા સાંસદોને હેન્ડબેગ લઈ જવાની છૂટ છે. પરંતુ એ શરતે કે તેનો ઉપયોગ ફક્ત અંગત ઉપયોગ માટે જ થાય. પાકીટ અથવા નાની બેગ લઈ જવા પર કોઈ પ્રતિબંધ નથી.