યમનમાં (Yemen) વધતી ગરીબી અને ઘટતી ચલણને કારણે, જબરદસ્ત દેખાવો થયા (Protest in Yemen). યમનના ત્રીજા સૌથી મોટા શહેર તાઈઝમાં સોમવારે પ્રદર્શનો થયા હતા. ત્યારબાદ સુરક્ષા દળોએ પ્રદર્શનકારીઓને વિખેરવા માટે હવામાં ગોળીબાર કર્યો હતો. શહેર પર સાઉદી અરેબિયાની સરકારનો કબજો છે અને વિસ્તારોમાં વ્યાપક ગરીબી છે. પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું હતું કે, ડઝનેક લોકોએ દક્ષિણ-પશ્ચિમ શહેરમાં રસ્તાઓ બંધ કર્યા હતા. સાથોસાથ ટાયરો સળગાવીને દેખાવો પણ થયા હતા.
વધતી જતી મોંઘવારી અને ચલણના ઝડપી અવમૂલ્યનને કારણે વિરોધીઓએ પ્રદર્શન પણ કર્યું હતું. આ મહિનાની શરૂઆતમાં, આંતરરાષ્ટ્રીય સ્તરે માન્ય સરકાર દ્વારા નિયંત્રિત અદન (Aden) અને અન્ય દક્ષિણ શહેરોમાં હિંસક વિરોધ પ્રદર્શનમાં ત્રણ લોકો માર્યા ગયા હતા. ઇરાન (Iran) સમર્થિત હૂતી વિદ્રોહીઓ (Houthi Rebels) દ્વારા 2014 માં સરકારને રાજધાની સનામાંથી (Sanaa) હાંકી કાવામાં આવ્યા હતા. ત્રણ પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું હતું કે, સુરક્ષા દળો અને સોમવારે તાઇઝમાં સશસ્ત્ર શખ્સોએ વિરોધીઓને સાઉદી સમર્થિત રાષ્ટ્રપતિનું પોસ્ટર ફાડતા અટકાવવા માટે હવામાં ગોળીબાર કર્યો હતો.
પોલીસ પ્રવક્તા ઓસામા અલ-શરાબીએ કહ્યું કે, સુરક્ષા દળો શાંતિપૂર્ણ માધ્યમથી નાગરિકોના અધિકારોની રક્ષા માટે પ્રતિબદ્ધ છે. પરંતુ સાર્વજનિક અને ખાનગી હિતો પર કોઈ હુમલાની મંજૂરી આપવામાં આવશે નહીં. હૂતી વિદ્રોહીઓ અને સાઉદી આગેવાની હેઠળના ગઠબંધન વચ્ચે યુદ્ધ છ વર્ષથી ચાલી રહ્યું છે. યુદ્ધને કારણે અર્થવ્યવસ્થા પડી ભાંગી છે અને આ ગરીબ અરબી દ્વીપકલ્પ રાષ્ટ્રમાં વિદેશી મુદ્રા ભંડાર સંપૂર્ણપણે ખલાસ થઈ ગયો છે. યમનની અર્થવ્યવસ્થા (Yemen Economy) પર યુદ્ધની ખૂબ જ ખરાબ અસર પડી છે, કારણ કે, તે તેની જરૂરિયાતોનો મોટો હિસ્સો આયાત કરે છે.
યમનની ખરાબ સ્થિતિનો અંદાજ એ હકીકત પરથી લગાવી શકાય છે કે, તેની 80 ટકા વસ્તી સહાય પર આધારિત છે અને લાખો લોકો ભૂખમરાનો સામનો કરી રહ્યા છે. સંયુક્ત રાષ્ટ્રનું કહેવું છે કે, યમન દુનિયાના સૌથી મોટા માનવીય સંકટનો સામનો કરી રહ્યું છે. સાઉદી અરેબિયા દ્વારા સમર્થિત સરકાર જાહેર ક્ષેત્રના લોકોને ચૂકવણી કરવા માટે સંઘર્ષ કરી રહી છે. તેણે નુકસાનનો સામનો કરવા માટે નાણાં છાપવાનો આશરો લીધો છે.