Breaking News : UK માં ડિગ્રી લઈ 2 વર્ષ નોકરી કરી શકશે ભારતીયો, બ્રિટિશ સરકારે પોતાનો નિર્ણય પાછો ખેંચી લીધો
ડિગ્રી મેળવ્યા પછી ભારતીયો બે વર્ષ સુધી બ્રિટનમાં કામ કરી શકશે. બ્રિટિશ સરકારે તેના અગાઉના નિર્ણયને ઉલટાવી દીધો છે, અને નિષ્ણાતોએ તેના ફાયદાઓની યાદી આપી છે.

UK Graduate Visa Rules: બ્રિટનમાં ઉચ્ચ અભ્યાસ કરવા ઇચ્છતા ભારતીય વિદ્યાર્થીઓ માટે ખુશખબર સામે આવી છે. બ્રિટિશ સરકારે ગ્રેજ્યુએટ વિઝા (Graduate Visa) અંગેના અગાઉના નિર્ણયમાં ફેરફાર કર્યો છે. હવે બ્રિટનની પસંદગીની યુનિવર્સિટીઓમાંથી ડિગ્રી મેળવનારા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને અભ્યાસ પૂર્ણ થયા બાદ 2 વર્ષ સુધી બ્રિટનમાં રહીને નોકરી શોધવાની અને કામ કરવાની તક મળી શકે છે.
બ્રિટિશ સરકારના બજેટ દસ્તાવેજમાં જણાવ્યા અનુસાર, જે યુનિવર્સિટીઓ નિયમોનું સૌથી વધુ પાલન કરે છે અને વિદ્યાર્થીઓને રોજગાર મેળવવામાં સારા પરિણામો આપે છે, ત્યાંથી ગ્રેજ્યુએશન પૂર્ણ કરનારા વિદ્યાર્થીઓ માટે ગ્રેજ્યુએટ વિઝાની અવધિ 18 મહિનાથી વધારીને 2 વર્ષ કરવામાં આવશે. અગાઉ સરકારે ગ્રેજ્યુએટ વિઝાની અવધિ 2 વર્ષથી ઘટાડીને 18 મહિના કરવાનો નિર્ણય લીધો હતો, જે જાન્યુઆરી 2027થી અમલમાં આવવાનો હતો. જોકે, નવા નિર્ણયથી યોગ્ય માપદંડ પૂર્ણ કરતી યુનિવર્સિટીઓના વિદ્યાર્થીઓને ફરીથી 2 વર્ષનો સમય મળી શકશે.
ભારતીય વિદ્યાર્થીઓને શું ફાયદો થશે?
યુનિવર્સિટી લિવિંગના ફાઉન્ડર અને CEO સૌરભ અરોરાના જણાવ્યા અનુસાર, આ નિર્ણય ભારતીય વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. અભ્યાસ પૂર્ણ કર્યા બાદ વિદ્યાર્થીઓને નોકરી શોધવા, આંતરરાષ્ટ્રીય સ્તરે કામનો અનુભવ મેળવવા અને પ્રોફેશનલ નેટવર્ક વિકસાવવા માટે વધુ સમય મળશે.
તેમણે વિદ્યાર્થીઓને યુનિવર્સિટી પસંદ કરતી વખતે ખાસ સાવચેતી રાખવાની સલાહ આપી છે. જે યુનિવર્સિટી ગ્રેજ્યુએટ વિઝા માટેના જરૂરી માપદંડો પૂર્ણ કરતી હોય અને જ્યાં રોજગારની સારી તકો ઉપલબ્ધ હોય, તેવી યુનિવર્સિટીને પ્રાથમિકતા આપવી જોઈએ. સાથે જ ટ્યુશન ફી અને રહેવા-જમવાના ખર્ચનો પણ વિચાર કરવો જરૂરી છે. વિઝા મળવાથી નોકરીની તક મળે છે, પરંતુ નોકરીની ગેરંટી મળતી નથી.
અમેરિકાના OPT નિયમો વચ્ચે બ્રિટન બનશે વધુ લોકપ્રિય?
અમેરિકામાં વિદેશી વિદ્યાર્થીઓ માટેના Optional Practical Training (OPT) પ્રોગ્રામના નિયમોમાં ફેરફાર અંગે ચર્ચા ચાલી રહી છે. અમેરિકાના હોમલેન્ડ સિક્યોરિટી વિભાગ દ્વારા OPT માટે 70,000 ડોલરની પ્રારંભિક ફી અને ત્યારબાદના મંજૂરી તબક્કે વધારાની 30,000 ડોલરની ફીનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જોકે, આ પ્રસ્તાવ હજુ અમલમાં આવ્યો નથી.
આવી સ્થિતિમાં બ્રિટનનો નિર્ણય આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને આકર્ષવામાં મદદરૂપ થઈ શકે છે. સૌરભ અરોરાના મતે, બ્રિટન વિદ્યાર્થીઓ માટે વધુ આકર્ષક વિકલ્પ બની શકે છે. જોકે, બ્રિટનમાં વિદ્યાર્થીઓને કેટલી સરળતાથી નોકરી મળે છે, અભ્યાસનો ખર્ચ કેટલો છે અને ડિગ્રીથી કારકિર્દીમાં કેટલો ફાયદો થાય છે, તેના પર પણ આ લોકપ્રિયતાનો આધાર રહેશે.
નોંધનીય છે કે, હાલમાં 2 વર્ષના ગ્રેજ્યુએટ વિઝા માટે પાત્ર યુનિવર્સિટીઓની સત્તાવાર યાદી જાહેર કરવામાં આવી નથી. તેથી ભારતીય વિદ્યાર્થીઓએ યુનિવર્સિટીમાં પ્રવેશ લેતા પહેલાં તેની પાત્રતા અને વિઝાના નિયમોની તપાસ કરવી જરૂરી છે.
અમેરિકામાં ગ્રીન કાર્ડની રાહ જોઈ રહેલા ભારતીયો માટે મુશ્કેલી વધી શકે
