PM Modi France Visit: ભારત ફ્રાન્સ માટે કેમ આટલું મહત્વનું છે, શું છે બેસ્ટિલ ડે, જેના મુખ્ય અતિથિ છે PM મોદી
PM Modi France visit: ભારત અને ફ્રાન્સ વચ્ચેના ખાસ સંબંધોનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે જ્યારે ભારતે 1998માં પરમાણુ બોમ્બનું પરીક્ષણ કર્યું ત્યારે પશ્ચિમી દેશોએ ભારત પર પ્રતિબંધો લગાવ્યા હતા પરંતુ ફ્રાન્સે કોઈ પગલાં લીધા ના હતા.
PM Modi in France: વડા પ્રધાન નરેન્દ્ર મોદી ફ્રાન્સની બે દિવસની મુલાકાતે છે, જ્યાં તેઓ આજે 14 જુલાઈના રોજ યોજાનારી બેસ્ટિલ ડે પરેડમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપશે. આ સાથે પીએમ ઘણી મહત્વપૂર્ણ બેઠકો અને વાટાઘાટોમાં પણ ભાગ લેશે. બંને દેશો વચ્ચે સાંસ્કૃતિક આદાનપ્રદાનનો લાંબો ઈતિહાસ છે. ભારત એક ઉભરતી ટેકનોલોજી પાવર છે અને ફ્રાન્સ મુખ્ય ઉત્પાદક દેશ છે.
1998માં જ્યારે ભારતે પરમાણુ બોમ્બનું પરીક્ષણ કર્યું ત્યારે તે સમયે તમામ પશ્ચિમી દેશોએ ભારત પર ઘણા પ્રતિબંધો લગાવ્યા હતા, પરંતુ ફ્રાન્સ એકમાત્ર એવો દેશ હતો જેણે તે સમયે ભારતને સમર્થન આપ્યું હતું અને કોઈ પ્રતિબંધ લગાવ્યા ન હતા. બંને દેશો વચ્ચેની આ વ્યૂહાત્મક ભાગીદારીને 25 વર્ષ થઈ ગયા છે અને PM મોદી ફ્રાન્સમાં છે. અહીં પીએમ અનેક કાર્યક્રમોમાં ભાગ લેશે.
પીએમ મોદી બે દિવસના ફ્રાન્સના પ્રવાસ પર છે અને તેઓ એક દિવસ માટે UAEમાં રહેશે. તેમણે ફ્રાંસના પ્રવાસ પર જતા પહેલા એક બ્લોગ લખ્યો હતો, જેમાં તેણે કહ્યું હતું કે આ પ્રવાસ ખૂબ જ ખાસ બનવાનો છે, કારણ કે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન સાથે ફ્રાન્સના રાષ્ટ્રીય દિવસનો ભાગ બનશે.
બેસ્ટિલ ડે પર પીએમ મોદી મુખ્ય અતિથિ
જે રીતે ભારતમાં 26મી જાન્યુઆરીના રોજ પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવે છે અને કર્તવ્ય પાથ કે જે અગાઉ રાજપથ તરીકે ઓળખાતો હતો, ત્યાં પરેડ થાય છે, તેવો જ નજારો 14મી જુલાઈએ ફ્રાંસમાં જોવા મળે છે. અત્યંત દુર્લભ પ્રસંગોએ, અન્ય દેશના વડા પ્રધાન અને રાષ્ટ્રપતિને બેસ્ટિલ ડે પરેડમાં મુખ્ય અતિથિ તરીકે બોલાવવામાં આવે છે. છેલ્લી વખત ફ્રાન્સે 2017માં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને મુખ્ય અતિથિ તરીકે આમંત્રણ આપ્યું હતું. 6 વર્ષ પછી કોઈ દેશના પીએમ કે રાષ્ટ્રપતિને બેસ્ટિલ ડે પરેડમાં બોલાવવામાં આવ્યા છે.
બેસ્ટિલ ડે શા માટે ઉજવવામાં આવે છે?
ફ્રેન્ચ ક્રાંતિ 200 વર્ષ પહેલાં શરૂ થઈ હતી. તે 14 જુલાઈ 1789 ના રોજ બેસ્ટિલ જેલ પરના હુમલાની યાદમાં ઉજવવામાં આવે છે. આ દિવસે ફ્રાન્સમાં રાજાશાહી ઉથલાવી દેવામાં આવી હતી અને લોકશાહી સરકારની સ્થાપના કરવામાં આવી હતી. આ વખતે ત્રણેય સેવાઓની 269 સભ્યોની ભારતીય ટુકડી ફ્રેન્ચ પરેડમાં ભાગ લેશે. આ સાથે ભારતે ફ્રાન્સ પાસેથી ખરીદેલા રાફેલ વિમાનના 3 જેટ આ પરેડમાં સામેલ થશે.
ભારત શા માટે એટલું મહત્વનું છે
એ વાત સાચી છે કે ફ્રાન્સે હંમેશા કટોકટીના સમયમાં ભારતનો સાથ આપ્યો છે, પરંતુ સૌથી મોટી વાત એ છે કે ભારતનું ઝડપથી વિકસતું અર્થતંત્ર છે. ફ્રાન્સ ભારતને વધુને વધુ હથિયારો વેચવા માંગે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે પીએમ મોદીએ આ પ્રવાસમાં નેવી માટે લગભગ 26 રાફેલ ખરીદ્યા હતા, જેને INS વિક્રાંત પર તૈનાત કરવામાં આવશે. આ સાથે ભારત ફ્રાન્સ પાસેથી 3 સ્કોર્પિન ક્લાસ સબમરીન પણ ખરીદશે. ફ્રાન્સ અને MDL એ સંયુક્ત રીતે 6 સ્કોર્પિન ક્લાસ સબમરીન બનાવી છે, તેની ટેક્નોલોજી ફ્રાંસની છે અને તેમાંથી 5 સબમરીન નેવીની અંદર સામેલ કરવામાં આવી છે, બાકીની એક સબમરીન પણ ટૂંક સમયમાં નેવીને સોંપવામાં આવશે.
આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો