દેશ- દુનિયામાં ઈજ્જતનાં ધજાગરા ઉડ્યા પછી ઈમરાન મિયાંને આવ્યુ ડહાપણ, આતંકવાદીઓ વિરુદ્ધ ‘ઝીરો ટોલરન્સ’નો સંકલ્પ
પાકિસ્તાનના પેશાવરમાં એક મસ્જિદની અંદર થયેલા આત્મઘાતી હુમલાની જવાબદારી ઇસ્લામિક સ્ટેટે સ્વીકારી છે. શુક્રવારની નમાજ દરમિયાન થયેલા બોમ્બ વિસ્ફોટમાં ઓછામાં ઓછા 56 લોકો માર્યા ગયા હતા અને 200 લોકો ઘાયલ થયા હતા.
Pakistan : પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને(PM Imran Khan) સોમવારે આતંકવાદીઓ પ્રત્યે “ઝીરો ટોલરન્સ”નો સંકલ્પ કર્યો અને અદાલતોમાં આતંકવાદના કેસોના (Terrorism Case ) ઝડપી નિકાલ માટે વિનંતી કરી હતી. ઈમરાન ખાનનું નિવેદન ઉત્તર પશ્ચિમ પાકિસ્તાનમાં શિયા મસ્જિદમાં આત્મઘાતી બોમ્બર દ્વારા કરવામાં આવેલા હુમલામાં 63 લોકોના મોત અને 200થી વધુ લોકો ઘાયલ થયા બાદ આવ્યું છે. ઈમરાન ખાને નેશનલ એક્શન પ્લાન (National Action Plan)ની સર્વોચ્ચ સમિતિની બેઠકની અધ્યક્ષતા કરી હતી, જે દેશમાંથી આતંકવાદને ખતમ કરવા માટે 2015માં રચવામાં આવી હતી.
સરકારની નીતિ આતંકવાદ પ્રત્યે ઝીરો ટોલરન્સની: ઈમરાન ખાન
આ બેઠકમાં આર્મી ચીફ જનરલ કમર જાવેદ બાજવા અને ઘણા ટોચના મંત્રીઓ હાજર રહ્યા હતા. વડા પ્રધાન કાર્યાલય દ્વારા જાહેર કરાયેલા નિવેદન અનુસાર, ઈમરાન ખાને કહ્યું કે સરકારની નીતિ આતંકવાદ પ્રત્યે ઝીરો ટોલરન્સની છે અને આતંકવાદી તત્વો સામે દાખલો બેસાડવા માટે અદાલતોમાં તાત્કાલિક કાર્યવાહીની જરૂર છે. તેમણે ભવિષ્યમાં આવી ઘટનાઓ સામે લડવા માટે સક્રિય પગલાં લેવા પર પણ ભાર મૂક્યો હતો.
ઇસ્લામિક સ્ટેટે પેશાવરમાં મસ્જિદમાં આત્મઘાતી હુમલાની જવાબદારી સ્વીકારી
પાકિસ્તાનના પેશાવરમાં એક મસ્જિદની અંદર થયેલા આત્મઘાતી હુમલાની જવાબદારી ઇસ્લામિક સ્ટેટે સ્વીકારી છે. શુક્રવારની નમાજ દરમિયાન થયેલા બોમ્બ વિસ્ફોટમાં ઓછામાં ઓછા 56 લોકો માર્યા ગયા હતા અને 200 લોકો ઘાયલ થયા હતા. અફઘાનિસ્તાનની સરહદે આવેલા પ્રાંતમાં આ સૌથી ઘાતક હુમલાઓમાંનો એક છે. સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસેએ પણ હુમલાની નિંદા કરી છે. તેમણે કહ્યું કે હું પાકિસ્તાનના પેશાવરની મસ્જિદ પર થયેલા ઘાતક હુમલાની નિંદા કરું છું.સાથે જ તેમણે મૃત્યુ પામનારના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે.
બીજી તરફ પાકિસ્તાનના માનવ અધિકાર પંચનું કહેવું છે કે, આ હુમલામાં શિયા ઉપાસકોને સ્પષ્ટ રીતે નિશાન બનાવવામાં આવ્યા છે. કિસ્સા ખ્વાની બજાર પાસે ઈમામબારગાહમાં જ્યારે લોકો શુક્રવારની નમાજ અદા કરી રહ્યા હતા ત્યારે આ વિસ્ફોટ થયો હતો.
આ પણ વાંચો : Russia Ukraine War: રશિયા અને યુક્રેન વચ્ચે ત્રીજા રાઉન્ડની વાતચીત પૂર્ણ, યુદ્ધવિરામ પર કોઈ પરિણામ ન આવ્યુ