USA : અમેરિકાના મેસેચ્યુસેટ્સ (Massachusetts) રહેતા મૂળ ગુજરાતના વાતની નિમિષાબેન ગિરીશકુમાર પટેલ અને ગિરીશકુમાર રમણભાઇ પટેલની પુત્રી ખુશી પટેલ (Khushi Patel) એ SkillsUSA માં નર્સની સ્પર્ધામાં ચેમ્પિયન બનીને ગોલ્ડ મેડલ જીત્યો છે. ખુશી પટેલે તેના માતાપિતા, કુટુંબ અને સાલડી ગામને ગૌરવ અપાવ્યું છે.
SkillsUSA અંતરગત નર્સ સહાયતા સ્પર્ધાનો હેતુ નર્સ સહાયતાના ક્ષેત્રમાં શ્રેષ્ઠતા અને વ્યાવસાયીકરણ માટે ઉત્કૃષ્ટ વિધાર્થીઓને શોધી તેમને બિરદાવવાનો છે. આ સ્પર્ધામાં દસ પડકારજનક તબક્કાઓ ગોઠવવામાં આવ્યા હતા. સ્પર્ધકોએ તેઓએ વ્યક્તિગત દર્દીની સંભાળ, દર્દીના વિવિધ રીપોર્ટ કરવા, તેમણે નવડાવવા, તબીબી ક્ષેત્રના મહત્વપૂર્ણ સંકેતો, બ્લડ સુગરનું માપન, સફળ જોબ ઇન્ટરવ્યુ અને ત્રણ લેખિત બહુવિધ- પસંદગીના પરીક્ષણોમાંથી પસાર થવું પડે છે.
નિમિષાબેન ગિરીશકુમાર પટેલ અને ગિરીશકુમાર રમણભાઇ પટેલની પુત્રી ખુશી પટેલ (Khushi Patel)આ તમામ તબક્કાઓ સફળતાપૂર્વક પસાર કરી નર્સ સહાયતા સ્પર્ધામાં ચેમ્પિયન બની છે.
ખુશી પટેલે ખૂબ મહેનત કરી અને દરેક સ્પર્ધામાં પોતાને સમર્પિત કરી દીધી. તેના શૈક્ષણિક અને વ્યાવસાયિક અભ્યાસ પ્રત્યેની મહત્વાકાંક્ષા તે સમયે ત્યારે સામે આવી જ્યારે તેણે છેલ્લા 2 વર્ષમાં બે સિલ્વર મેડલ મેળવ્યા અને આ વર્ષે SkillsUSA 2021માં નર્સની સ્પર્ધામાં ફૂલ માર્ક્સ સાથે ગોલ્ડ મેડલ મેળવ્યો. ખુશી પટેલે રાષ્ટ્રીય સ્તરની આ સ્પર્ધામાં પ્રથમ સ્થાન મેળવી તેના પરિવાર, મિત્રો અને શિક્ષકોને ગૌરવ અપાવ્યું.
ખુશીના માતાપિતા નિમિષાબેન અને ગિરીરાભાઇ બંને ગેસ સ્ટેશન અને સ્ટોરમાં 12 કલાક કામ કરે છે. ખુશી તેમને સ્ટોર પર અને ઘરકામ સાથે મદદ કરી તેનું શિક્ષણ ચાલુ રાખ્યું તેમજ COVID – 19 રસીકરણ ક્લિનિક્સમાં સેવા આપી અને આ સ્પર્ધાઓમાં ભાગ લીધો. આ સ્પર્ધામાં જયારે વિજેતા તરીકે ખુશીના નામની જાહેરાત થઇ ત્યારે તેના માતાપિતા બંને કામ પર હતા. જયારે તેના માતાપિતાએ આ સમાચાર સાંભળ્યા ત્યારે હર્ષના આંસુ સાથે ભાવવિભોર બની ગયા હતા.
ખુશીના માતાપિતા તેમના બાળકો લઇ લગભગ વીસ વર્ષ પહેલાં અમેરિકા આવ્યા હતા. તેમને ઘણા વર્ષો સુધી વિવિધ સંઘર્ષોનો સામનો કરવો પડયો, પરંતુ તેમની મોટી પુત્રી ખુશીની સિદ્ધિઓ જોઈ તેઓ ચોક્કસપણે માની રહ્યાં છે કે સારા દિવસો જલ્દી જ આવશે.
Published On - 12:11 am, Mon, 12 July 21