Breaking News : તહેરાનમાં સંરક્ષણ મંત્રાલયની ઇમારત અને પરમાણુ મુખ્યાલયનો ઈઝરાયેલે બોલાવ્યો ખાત્મો, ઈરાને પણ કર્યો વળતો હુમલો
ઇરાન અને ઇઝરાયલ વચ્ચે તણાવ સતત વધી રહ્યો છે. ઇરાન પર તાજેતરના હુમલાઓ પછી, બંને દેશોએ એકબીજા પર મિસાઇલ મારો કર્યો છે. ઇઝરાયલે ઇરાનના પરમાણુ મથકોને નિશાન બનાવ્યા છે, જેના જવાબમાં ઇરાને ઇઝરાયલના અનેક શહેરો પર હુમલો કર્યો. આ સંઘર્ષને કારણે, ઇરાને અમેરિકા સાથે ચાલી રહેલી પરમાણુ વાટાઘાટો રદ કરી દીધી છે, જેના કારણે મધ્ય પૂર્વમાં યુદ્ધનું જોખમ વધુ વધી ગયું છે.

મધ્ય પૂર્વ એશિયામાં ફરી એકવાર મોટુ યુદ્ધ ફાટી નીકળ્યુ છે. 13 જૂનની રાત્રે ઇરાન વિરુદ્ધ ‘ઓપરેશન રાઇઝિંગ લાયન’ શરૂ કર્યા પછી ઈરાન અને ઈઝરાયેલ બંને દેશો વચ્ચે તણાવ ચાલુ છે. બંને દેશોએ શનિવારે રાત્રે પણ એકબીજા પર હવાઈ હુમલો કર્યો હતો. શનિવારે રાત્રે, ઇઝરાયલી વાયુસેનાએ ઇરાનના અન્ય ભાગો સાથે રાજધાની તેહરાન પર હુમલો કર્યો, જેના જવાબમાં ઇરાને ઇઝરાયલ પર વધુ એક મિસાઇલ હુમલો કર્યો.
આ ઇઝરાયલી હુમલામાં, તેહરાનમાં સંરક્ષણ મંત્રાલયની ઇમારત, પરમાણુ પ્રયોગશાળા, પરમાણુ મુખ્યાલય અને બે રિફાઇનરીઓને નિશાન બનાવવામાં આવી હતી. હુમલા પછીની તસવીરોમાં આગની વિકરાળ જ્વાળાઓ અને મોટા પાયે નુકસાન જોઈ શકાય છે. જે બાદ ઈરાને ઈઝરાયલના બંદર ધરાવતા શહેર હાઈફા સહિત સમગ્ર ઈઝરાયલ પર મિસાઈલો છોડી દીધી છે. ઈરાનના ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) કહે છે કે, તેણે ઈઝરાયલના ઉર્જા માળખાને નિશાન બનાવ્યું છે, ઈઝરાયલી ઈમરજન્સી સર્વિસે જણાવ્યું હતું કે, આ હુમલામાં દેશના ઉત્તરીય ભાગોમાં ઓછામાં ઓછા ત્રણ લોકો માર્યા ગયા છે.
શુક્રવારે સાંજે ઈરાનના હુમલા બાદ, ઈઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ શનિવારે કહ્યું હતું કે, તેમની સેના આયાતુલ્લા શાસનના દરેક ઠેકાણા અને દરેક લક્ષ્ય પર હુમલો કરશે.
આ હુમલાઓમાં, ઈરાને શુક્રવારે વહેલી સવારે તેના પરમાણુ સ્થાપનો, હવાઈ સંરક્ષણ અને અન્ય લક્ષ્યો પર ઈઝરાયલી હવાઈ હુમલાનો જવાબ આપ્યો. જેમાંથી કેટલાક ટોચના લશ્કરી કમાન્ડરો અને પરમાણુ વૈજ્ઞાનિકોના મોત થયા છે. ઈઝરાયલે કહ્યું કે તે ઈરાનના પરમાણુ કાર્યક્રમને સમાપ્ત કરવાનો પ્રયાસ કરી રહ્યું છે, જેને તે ઈઝરાયેલના અસ્તિત્વ માટે ખતરો માને છે.
⭕️ The IDF completed an extensive series of strikes on targets in Tehran related to the Iranian regime’s nuclear weapons project.
The targets included the Iranian Ministry of Defense headquarters, the headquarters of the SPND nuclear project, and additional targets, which…
— Israel Defense Forces (@IDF) June 14, 2025
ઈરાને અમેરિકા સાથે પરમાણુ વાટાઘાટો રદ કરી
રવિવારે, ઈરાને ઈઝરાયેલ સાથે લડાઈ વધ્યા પછી છેલ્લા એક મહિન કરતા પણ વધુ સમયથી ચાલી રહેલી પરમાણુ વાટાઘાટોને રદ કરી નાખી છે. ઈરાનના વિદેશ પ્રધાન અબ્બાસ અરાઘચીએ કહ્યું કે ઈઝરાયલના હુમલા પછી વાટાઘાટો કરવી ‘અયોગ્ય’ રહેશે.
ઇઝરાયલના તાજેતરના હુમલા
ઇઝરાયલી સંરક્ષણ દળ (IDF) એ ટ્વિટ કર્યું, “IDF એ તેહરાનમાં ઇરાની શાસનના પરમાણુ શસ્ત્રો પ્રોજેક્ટ સાથે સંબંધિત લક્ષ્યો પર શ્રેણીબદ્ધ હુમલાઓ કર્યા છે. આ લક્ષ્યોમાં ઇરાની સંરક્ષણ મંત્રાલયનું મુખ્ય મથક, SPND પરમાણુ પ્રોજેક્ટનું મુખ્ય મથક અને અન્ય લક્ષ્યો શામેલ છે જે ઇરાની શાસનના પરમાણુ શસ્ત્રો બનાવવાના પ્રયાસોને આગળ ધપાવી રહ્યા હતા અને જ્યાં ઇરાની શાસને તેના પરમાણુ હથિયારો છુપાવ્યા હતા.”
જ્યારે, ઇઝરાયલી સંરક્ષણ પ્રધાન ઇઝરાયલ કાત્ઝે સોશિયલ મીડિયા પર કહ્યું, “તેહરાન બળી રહ્યું છે.” અને ઇરાની રાજ્ય ટેલિવિઝને કહ્યું કે શહેરના પૂર્વ અને પશ્ચિમમાં વિસ્ફોટોના અવાજો સંભળાયા છે. આ ઘટનાઓ પછી, એવું લાગે છે કે આ લડાઈ લાંબી થઈ શકે છે.
ઈઝરાયેલ-ઈરાન યુદ્ધ સહિતના વિશ્વના અનેક સમાચાર જાણવા માટે તમે અહીં ક્લિક કરો