ભારત સાથેના વિવાદે માલદીવની કમર તોડી નાખી છે. પ્રવાસીઓની આવક પર નિર્ભર માલદીવનો પ્રવાસન ઉદ્યોગ ખરાબ રીતે પ્રભાવિત થયો છે. માલદીવના પર્યટન મંત્રાલય દ્વારા શેર કરાયેલા ડેટા અનુસાર, ભારત સાથેના રાજદ્વારી વિવાદ વચ્ચે માલદીવમાં પ્રવાસ કરનારા ભારતીયોની સંખ્યામાં 33 ટકાનો ઘટાડો થયો છે. માર્ચ 2023 અને માર્ચ 2024માં માલદીવની મુલાકાતે આવેલા પ્રવાસીઓના ડેટાના વિશ્લેષણમાંથી આ હકીકત સામે આવી છે.
નોંધનીય છે કે ગયા વર્ષે માર્ચમાં માલદીવમાં જનારા ભારતીય પ્રવાસીઓની સંખ્યા બીજા સ્થાને હતી, પરંતુ હવે ભારત છઠ્ઠા સ્થાને આવી ગયું છે. આ વર્ષે માર્ચમાં લગભગ 27,000 ભારતીય પ્રવાસીઓ માલદીવની મુલાકાતે આવ્યા હતા.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, માર્ચ 2024માં 27,224ની સરખામણીમાં માર્ચ 2023માં 41,000થી વધુ ભારતીય પ્રવાસીઓએ માલદીવની મુલાકાત લીધી હતી, જે લગભગ 33 ટકાનો ઘટાડો દર્શાવે છે.
આ ઘટાડા પાછળનું મુખ્ય કારણ તાજેતરના સમયમાં લક્ષદ્વીપ ટાપુઓમાં પ્રવાસીઓની રુચિમાં વધારો થયો છે. તો માલદીવની મુલાકાત લેતા ચીનના પ્રવાસીઓની સંખ્યામાં વધારો થયો છે, આ વર્ષે માર્ચમાં લગભગ 54,000 પ્રવાસીઓ માલદીવની મુલાકાતે આવ્યા હતા.
આ અઠવાડિયાની શરૂઆતમાં માલદીવે હાઇડ્રોગ્રાફિક સર્વેક્ષણ કરવા માટે ભારત સાથેના તેના કરારને રિન્યુ ન કરવાનો નિર્ણય લીધો હતો. આની જાહેરાત કરતા રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇઝુએ જાહેરાત કરી હતી કે દેશ આ કવાયત માટે જરૂરી સુવિધાઓ અને મશીનો મેળવવા અંગે વિચાર કરશે.
રાષ્ટ્રપતિએ વધુમાં જાહેરાત કરી કે તેમનો દેશ તેના વિશિષ્ટ આર્થિક ક્ષેત્ર (EEZ) પર નિયંત્રણ સુનિશ્ચિત કરવા માટે માલદીવના જળ ક્ષેત્ર માટે 24X7 સર્વેલન્સ સિસ્ટમ પણ સ્થાપિત કરશે.
માલદીવે મજબૂત દ્વિપક્ષીય સંબંધોને પ્રોત્સાહન આપવા માટે મફત લશ્કરી સહાય માટે ચીન સાથે સંરક્ષણ કરાર પર હસ્તાક્ષર કર્યા પછી આ ઘટના બની હતી. મહત્વની વાત એ છે કે ગયા વર્ષે મુઈઝુ રાષ્ટ્રપતિ બન્યા બાદ ભારત અને માલદીવ વચ્ચેના સંબંધોમાં કડવાશ આવી છે.