જમ્મુ કાશ્મીરને લઈને પાકિસ્તાન મીડિયાના જૂઠ્ઠાણાને ભારતે દુનિયાભરમાં ખુલ્લા પાડ્યાં
ભારતના વિદેશ મંત્રાલયે, પાકિસ્તાનના એ દાવાને ફગાવી દીધો છે કે તે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં જમ્મુ અને કાશ્મીર પર ઠરાવ લાવ્યા હતા અને તેને પસાર પણ કરવામાં આવ્યો હતો. વિદેશ મંત્રાલયે સ્પષ્ટતા કરી કે, આ વાર્ષિક દરખાસ્ત છે, જે ત્રીજી સમિતિમાં રજૂ કરવામાં આવી હતી અને મતદાન કર્યા વિના સ્વીકારવામાં આવી હતી. પાકિસ્તાની મીડિયા દ્વારા આ સંબંધે ભ્રામક રિપોર્ટિંગ કરવામાં આવ્યું છે.
જમ્મુ-કાશ્મીરને લઈને પાકિસ્તાનનું જુઠ્ઠાણું ફરી એકવાર ખુલ્લું પડી ગયું છે. ભારતના વિદેશ મંત્રાલયે પાકિસ્તાનના મીડિયા અહેવાલોને ફગાવી દીધા હતા જેમાં કહેવામાં આવ્યું હતું કે, પાકિસ્તાન સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં જમ્મુ અને કાશ્મીર અંગેનો ઠરાવ લાવ્યુ હતુ અને તેને મતદાન કર્યા વિના જ પસાર કરી દેવામાં આવ્યો છે. ન્યૂઝ એજન્સી ANI અનુસાર, વિદેશ મંત્રાલયના સૂત્રોએ જણાવ્યું કે, આ એક વાર્ષિક પ્રસ્તાવ હતો, જેને ત્રીજી સમિતિમાં રજૂ કરવામાં આવ્યો હતો.
વિદેશ મંત્રાલયે કહ્યું, અમે યુએનજીએમાં એક ઠરાવ વિશે પાકિસ્તાનના ભ્રામક વિદેશી મીડિયા અહેવાલો જોયા છે. આ ત્રીજી સમિતિમાં પાકિસ્તાન દ્વારા રજૂ કરાયેલ વાર્ષિક પ્રસ્તાવ છે. તે મત વિના અપનાવવામાં આવતો હોય છે. સૂત્રે દાવો કર્યો છે કે, આ પ્રસ્તાવમાં જમ્મુ-કાશ્મીરનો કોઈ જ ઉલ્લેખ નથી.
પાકિસ્તાની મીડિયા અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે, લોકોના સ્વ-નિર્ણયના અધિકાર પરનો દેશનો ઠરાવ સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA) દ્વારા અપનાવવામાં આવ્યો હતો. જો કે આ મામલા સાથે જોડાયેલા એક સૂત્રે જણાવ્યું કે પાકિસ્તાન દર વર્ષે સંયુક્ત રાષ્ટ્રની ત્રીજી સમિતિમાં આવો પ્રસ્તાવ રજૂ કરે છે. સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની ત્રીજી સમિતિને સામાજિક, માનવતાવાદી અને સાંસ્કૃતિક સમિતિ અને C3 પણ કહેવામાં આવે છે. તે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની છ મુખ્ય સમિતિઓમાંની એક છે.
પાકિસ્તાન પાસે એક જ મુદ્દો
સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાનનો એક જ મોટો મુદ્દો છે અને તે છે ભારતનું અભિન્ન જમ્મુ-કાશ્મીર. ભારત પાકિસ્તાનના તમામે તમામ પ્રસ્તાવ પર નજર રાખતુ આવ્યું છે. પાકિસ્તાન ઘણીવાર કાશ્મીર મુદ્દે ટિપ્પણી કરે છે, જેનો ભારત પણ ત્વરીત જ જવાબ આપે છે.
સંયુક્ત રાષ્ટ્ર મહાસભા 193 સભ્ય દેશોની બનેલી છે. ભારત અને પાકિસ્તાન પણ તેનો એક ભાગ છે. સંયુક્ત રાષ્ટ્ર મહાસભા સપ્ટેમ્બરથી ડિસેમ્બર દરમિયાન મળે છે. આ દરમિયાન તમામ દેશો આ મંચ પર પોતાના દેશના મુદ્દા રજૂ કરે છે. જોકે, વિદેશ મંત્રાલયે ખાસ સ્પષ્ટતા કરી હતી કે, ઠરાવમાં જમ્મુ અને કાશ્મીરનો કોઈ ઉલ્લેખ નથી, જેના વિશે કથિત રીતે વિદેશી મીડિયામાં ફેક ન્યૂઝ ફેલાવવામાં આવી રહ્યા હતા.