Breaking News: વારા પછી વારો… તારા પછી મારો…! શું વેનેઝુએલા બાદ ઈરાન પણ અમેરિકાની ઝપેટમાં આવશે? ઇઝરાયેલી નેતાના ટ્વીટથી માહોલ ગરમાયો
વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરો અને તેમના પત્ની હાલ અમેરિકાના કબજામાં છે. આ દરમિયાન, ઇઝરાયલી વિપક્ષી નેતા યાયર લાપિડે ઈરાનને કડક ચેતવણી આપી છે.

વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરો અને તેમની પત્નીને અમેરિકી સૈન્ય દ્વારા કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. શુક્રવારે વેનેઝુએલા પર હુમલાની પુષ્ટિ કરતી વખતે ખુદ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ માહિતી આપી હતી. આ દરમિયાન, ઇઝરાયલના ભૂતપૂર્વ વડાપ્રધાન અને વિપક્ષી નેતા યાયર લેપિડના નિવેદનથી નવી અટકળો શરૂ થઈ ગઈ છે.
લેપિડે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું હતું કે, ઈરાની શાસને વેનેઝુએલામાં શું થઈ રહ્યું છે, તેના પર ગંભીર રીતે ધ્યાન આપવું જોઈએ. ઘણા લોકો આ નિવેદનને ઈરાન માટે સ્પષ્ટ ચેતવણી છે, તે તરીકે જોઈ રહ્યા છે. લેપિડેની પોસ્ટ બાદ સવાલ એ છે કે, શું વેનેઝુએલામાં જે બન્યું તેવું જ ઈરાનમાં પણ થશે?
શનિવારે વેનેઝુએલાની રાજધાની કારાકાસ સહિત ઘણા શહેરોમાં યુએસ લશ્કરી કાર્યવાહી જોવા મળી હતી. હુમલાઓ બાદ વેનેઝુએલામાં કટોકટીની સ્થિતિ જાહેર કરવામાં આવી છે.
ડોનાલ્ડ ટ્રમ્પે હુમલાઓની પુષ્ટિ કરી
યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હુમલાઓની પુષ્ટિ કરી હતી અને કહ્યું હતું કે, યુએસ સ્પેશિયલ ફોર્સે રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોની અટકાયત કરી છે. આ સાથે જ માદુરોની પત્ની પણ યુએસ લશ્કરી કસ્ટડીમાં છે. ટૂંકમાં બંનેને વેનેઝુએલાથી બહાર કાઢવામાં આવ્યા છે.
The regime in Iran should pay close attention to what is happening in Venezuela
— יאיר לפיד – Yair Lapid (@yairlapid) January 3, 2026
યાયર લેપિડનું આ નિવેદન એવા સમયે આવ્યું છે, જ્યારે ઈરાન પોતે ગંભીર રીતે કટોકટીનો સામનો કરી રહ્યું છે. છેલ્લા 7 દિવસથી ઈરાનના ઘણાઆ શહેરોમાં સરકાર વિરોધી વિરોધ પ્રદર્શન ચાલી રહ્યા છે.
મોંઘવારી, બેરોજગારી અને કડક ધાર્મિક શાસન સામે રસ્તા પર ઉતરનારાઓનો ગુસ્સો હવે સાતમા આસમાને જોવા મળી રહ્યો છે. વિરોધ પ્રદર્શનો તેહરાનથી મશહદ અને કોમ જેવા પવિત્ર શહેરો સુધી ફેલાઈ ગયા છે.
“ખામેની મુર્દાબાદ ” જેવા નારા લાગ્યા
માનવાધિકાર સંગઠનોના મતે, આ વિરોધ પ્રદર્શનોમાં અત્યાર સુધીમાં અનેક લોકોના મોત થયા છે અને ઘણા લોકોની ધરપકડ કરવામાં આવી છે. અંતિમ સંસ્કારમાં પણ લોકો ખુલ્લેઆમ “ખામેની મુર્દાબાદ ” જેવા નારા લગાવી રહ્યા છે.
ખાસ વાત એ છે કે, આ વખતે આંદોલનમાં મોટી સંખ્યામાં યુવાનો અને Gen Z નો સમાવેશ થાય છે, જેઓ સોશિયલ મીડિયા દ્વારા એકબીજા સાથે જોડાઈ રહ્યા છે.
લેપિડના નિવેદનને હલકામાં લેવું કે નહીં?
આ સિવાય ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને ચેતવણી આપી હતી કે, જો ઈરાન વિરોધીઓ પર ગોળીબાર કરશે તો અમેરિકા હસ્તક્ષેપ કરી શકે છે. આ ઘટનાક્રમને જોતાં એવી અટકળો ચાલી રહી છે કે, ઈરાનમાં તખ્તાપલટ થઈ શકે છે. આમ જોવા જઈએ તો, લેપિડના નિવેદનને ફક્ત ફગાવી દેવું મુશ્કેલ છે.
વેનેઝુએલામાં જે બન્યું તેનાથી ચોક્કસપણે સંદેશ મળ્યો છે કે, યુએસ તેના વિરોધી શાસન સામે સીધી કાર્યવાહી કરવામાં શરમાશે નહીં. ઈરાન લાંબા સમયથી અમેરિકા અને ઇઝરાયલની નજરમાં એક કાંટો બનીને રહ્યું છે.
