બાંગ્લાદેશમાં છેલ્લા કેટલાક દિવસોથી વિરોધ પ્રદર્શન થઈ રહ્યા હતા. સરકારી નોકરીઓમાં અનામતને લઈને વિદ્યાર્થીઓ સતત વિરોધ કરી રહ્યા હતા. આ હિંસામાં 100થી વધુ લોકોના મોત થયા છે, જ્યારે 2500થી વધુ લોકો ઘાયલ થયા છે. બાંગ્લાદેશમાં સ્વાતંત્ર્ય સેનાનીઓના બાળકોને આપવામાં આવતા 30 ટકા આરક્ષણને ઘટાડવાની માંગને લઈને વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું હતું.
જો કે, તાજેતરમાં બાંગ્લાદેશની સુપ્રીમ કોર્ટે આ અંગે મોટો નિર્ણય આપ્યો છે. કોર્ટે સરકારી નોકરીઓમાં અનામત ઘટાડી છે. કોર્ટે પોતાના આદેશમાં કહ્યું છે કે 93 ટકા સરકારી નોકરીઓમાં મેરિટના આધારે ભરતી કરવામાં આવશે. બાકીના 7 ટકા અનામત રહેશે. જેમાં 5 ટકા સ્વાતંત્ર્ય સેનાનીઓના પરિવારો માટે અનામત રહેશે.
એક અઠવાડિયાના હિંસક વિરોધ પ્રદર્શન બાદ બાંગ્લાદેશની શેરીઓમાં હાલ શાંતિનો માહોલ છે. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ બાંગ્લાદેશમાં અનામતની આગ તો ઓલવાઈ ગઈ છે. પરંતુ લોકોના દિલમાં આંદોલનની આગ સળગી રહી છે, તે હજુ શાંત થઈ નથી. કારણ કે, બાંગ્લાદેશ પીએમ ઓફિસ, સેન્ટ્રલ બેંક અને પોલીસ સહિત ઘણી સરકારી વેબસાઇટ હેક કરવામાં આવી છે. તેથી હવે બાંગ્લાદેશ સરકાર સામે એક મોટો પડકાર ઉભો થયો છે.
આ સરકારી વેબસાઈટોને ‘THE R3SISTANC3’ દ્વારા હેક કરવામાં આવી છે. હેકર્સે આ ઓપરેશનને ઓપરેશન ‘હન્ટ ડાઉન’ નામ આપ્યું છે. આ સાથે તેણે એક મેસેજ પણ આપ્યો છે. ત્રણેય વેબસાઈટ પર એક જ મેસેજ આવી રહ્યો છે, જેમાં લખ્યું છે કે, ‘ઓપરેશન હન્ટ ડાઉન, સ્ટોપ કિલિંગ સ્ટુડન્ટ્સ’ અને એ પણ લખવામાં આવ્યું છે કે ‘આ હવે વિરોધ નથી, આ હવે યુદ્ધ છે.’ આ મેસેજ લાલ ફોન્ટમાં લખેલો છે. વેબસાઈટ હેક કરનારાઓએ સરળ ભાષામાં કહી દીધું છે કે હવે કોઈ પ્રદર્શન નહીં, પણ યુદ્ધ થશે.
મેસેજમાં આગળ લખવામાં આવ્યું છે કે, અમારા બહાદુર વિદ્યાર્થીઓના શાંતિપૂર્ણ પ્રદર્શનને સરકાર દ્વારા હિંસા અને હત્યાનો સામનો કરવો પડ્યો છે. આ માત્ર વિરોધ નથી. આ હવે ન્યાય, સ્વતંત્રતા અને અમારા ભવિષ્ય માટેનું યુદ્ધ છે. ન્યાય માટેની લડાઈ શરૂ થઈ ગઈ છે. વેબસાઈટમાં કેટલાક લોકોના ફોટોગ્રાફ્સ પણ બતાવવામાં આવ્યા છે, પરંતુ તેમના વિશે કોઈ માહિતી આપવામાં આવી નથી.
આંદોલનકારીઓ ક્વોટા પ્રણાલીને નાબૂદ કરવાની માંગ કરી રહ્યા હતા, જેમાં ખાસ કરીને બાંગ્લાદેશના 1971ના સ્વતંત્રતા યુદ્ધમાં લડેલા નિવૃત્ત સૈનિકોના પરિવારજનોને જે 30 ટકા સરકારી નોકરીઓમાં અનામત આપવામાં આવતી હતી. તે રદ કરવાની માંગ હતી. બાંગ્લાદેશમાં 56 ટકા અનામત ક્વોટા હતો. જેમાં 30 ટકા સ્વાતંત્ર્ય સેનાનીઓના પરિવારજનો માટે, 10 ટકા પછાત જિલ્લાઓ માટે, 10 ટકા મહિલાઓ માટે, 5 ટકા લઘુમતી જૂથો માટે અને 1 ટકા વિકલાંગો માટે અનામત હતી.
આંદોલનકારીઓનો વિરોધ મહિલાઓ અને લઘુમતીઓ માટેના અનામત ક્વોટોનો નહોતો. તેઓ માત્ર સ્વતંત્રતા સેનાનીઓના પરિજનોને આપવામાં આવતા 30 ટકા અનામત ક્વોટાને નાબૂદ કરવા માગતા અને સરકારી નોકરીઓને યોગ્યતાના આધારે ભરતી કરવા આંદોલન કરી રહ્યા હતા.
બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાએ 14 જુલાઈએ કહ્યું હતું કે જો સ્વતંત્રતા સેનાનીઓના પરિવારજનોને ક્વોટાનો લાભ ના મળે, તો શું ‘રઝાકારો’ના પરિવારજનોને મળવો જોઈએ ? આ નિવેદન બાદ યુવાનોમાં રોષ ફેલાયો હતો અને ક્વોટા સિસ્ટમ દૂર કરવાની યુવાનોની માંગને વધુ વેગ મળ્યો હતો.
બાંગ્લાદેશમાં પ્રદર્શનો એટલા હિંસક બની ગયા હતા કે, સરકારને દેશભરમાં કર્ફ્યુ લાદવાની ફરજ પડી હતી. તો વિરોધના કેન્દ્ર ઢાકાની શેરીઓમાં સેના ઉતારવી પડી હતી. વિરોધને દબાવવા માટે શૂટ એટ સાઇટના આદેશ આપવામાં આવ્યા હતા. સુપ્રીમ કોર્ટના ગેટની બહાર લશ્કરી ટેન્ક તૈનાત કરવામાં આવી હતી. જો કે સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ સ્થિતિ ઘણી હદ સુધી કાબુમાં આવી ગઈ હતી.
વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓએ દાવો કર્યો હતો કે અનામત સિસ્ટમ ભેદભાવપૂર્ણ છે અને તેનો ફાયદો સરકારના સમર્થકોને થયો છે. જો કે સરકારે આ આરોપને નકારી કાઢ્યો હતો. તમને જણાવી દઈએ કે બાંગ્લાદેશમાં દર વર્ષે લગભગ 3 હજાર સરકારી નોકરીઓનું સર્જન થાય છે, જેના માટે લગભગ 4 લાખ ઉમેદવારો અરજી કરે છે.
બાંગ્લાદેશ સરકારે 2018માં આ અનામત પ્રથા નાબૂદ કરી હતી, પરંતુ 5 જૂન, 2024ના રોજ હાઇકોર્ટે સરકારના નિર્ણયને ગેરકાયદેસર જાહેર કર્યો અને અનામત ક્વોટા યથાવત રાખ્યો હતો. ત્યારથી પ્રદર્શન ચાલી રહ્યું હતું. ત્યારે સરકારની અપીલ પર 21 જુલાઈ, 2024ના રોજ સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના આ નિર્ણયને પલટી નાખ્યો હતો અને સરકારી નોકરીઓમાં વિવાદિત 30 ટકા અનામતને રદ કરી માત્ર 5 ટકા રાખવાનો ચુકાદો આપ્યો હતો.
સુપ્રીમ કોર્ટે પોતાના આદેશમાં કહ્યું છે કે, સરકારી નોકરીઓમાં 93 ટકા સરકારી નોકરીઓ મેરિટના આધારે ભરવામાં આવશે. બાંગ્લાદેશ સ્વાતંત્ર્ય સેનાનીઓના પરિવારજનો માટે માત્ર 5 ટકા બેઠકો અનામત રાખવામાં આવશે. બાકીની 2 ટકા બેઠકો લઘુમતીઓ, ટ્રાન્સજેન્ડર અને વિકલાંગો માટે અનામત રાખવામાં આવશે. બાંગ્લાદેશ સરકારે સરકારી નોકરીઓમાં ક્વોટા સિસ્ટમમાં સુધારો કરવાના સુપ્રીમ કોર્ટના નિર્ણયને સ્વીકારતા એક પરિપત્ર બહાર પાડ્યો હતો. વડાપ્રધાન શેખ હસીનાની સરકારે આ નિર્ણયને આવકારતાં કહ્યું કે તે આ નિર્ણયને લાગુ કરવા તૈયાર છે.
બાંગ્લાદેશમાં સ્થિતિ ધીમે ધીમે સામાન્ય થઈ રહી છે. બાંગ્લાદેશમાં સરકારી ઓફિસો અને બેંકો થોડાક કલાકો માટે ખોલવામાં આવી હતી. તો દેશના મોટાભાગના ભાગોમાં હજુ ઈન્ટરનેટ ફરીથી શરૂ કરવામાં આવ્યું નથી. જો કે, કર્ફ્યુમાં થોડી રાહત આપવામાં આવી છે, પરંતુ જ્યાં સુધી સ્થિતિ સુધરે નહીં ત્યાં સુધી ઢાકા અને અન્ય સ્થળોએ કર્ફ્યુ ચાલુ રહેશે. દેશમાં શાળાઓ અને અન્ય શૈક્ષણિક સંસ્થાઓ પણ હજુ બંધ છે.
બાંગ્લાદેશમાં 1972થી સરકારી નોકરીઓમાં સ્વાતંત્ર્ય સેનાનીઓ, પછાત જિલ્લા અને મહિલાઓ માટે અનામતની જોગવાઈ હતી. તત્કાલિન સરકારે 5 સપ્ટેમ્બર, 1972ના રોજ સરકારી, સ્વાયત્ત અને અર્ધ સ્વાયત્ત સંસ્થાઓ અને વિવિધ કોર્પોરેશનો અને વિભાગોમાં નિમણૂક અને અનામતની જોગવાઈને લગતો એક કાર્યકારી આદેશ બહાર પાડ્યો હતો.
આ અનામતની જોગવાઈ અનુસાર 80 ટકા અનામત હતી અને 20 ટકા મેરિટના આધારે ભરતીઓ કરવામાં આવતી હતી. આ 80 ટકામાંથી 30 ટકા સ્વાતંત્ર્ય સેનાનીઓ માટે અને 10 ટકા યુદ્ધથી અસરગ્રસ્ત મહિલાઓ માટે અનામત રાખવાનો નિર્ણય લેવાયો હતો. એટલે કે અનામતનો મોટો હિસ્સો સ્વાતંત્ર્ય સેનાનીઓઓને ફાળવવામાં આવ્યો હતો.
વર્ષ 1976માં પ્રથમ વખત અનામત પ્રણાલીમાં ફેરફાર કરવામાં આવ્યો. તે સમયે મેરિટના આધારે નિમણૂંકોની ટકાવારી વધારવામાં આવી હતી અને માત્ર મહિલાઓ માટે અનામતની અલગ વ્યવસ્થા કરવામાં આવી હતી. એટલે કે, કુલ નોકરીઓમાંથી 40 ટકા અનામત યોગ્યતાના આધારે, 30 ટકા સ્વાતંત્ર્ય સેનાનીઓ માટે, 10 ટકા મહિલાઓ માટે, 10 ટકા યુદ્ધમાં ઘાયલ મહિલાઓ માટે અને બાકીની 10 ટકા નોકરીઓ જિલ્લાના આધારે ફાળવવામાં આવી હતી.
ત્યાર બાદ 1985માં લઘુમતીઓને અનામતના દાયરામાં સામેલ કરીને અને યોગ્યતાના આધારે ભરતીની મર્યાદામાં વધારો કરીને સિસ્ટમમાં સુધારો કર્યો હતો. જેમાં મેરિટ આધારિત ક્વોટા 45 ટકા અને જિલ્લાવાર ક્વોટા 55 ટકા કરાયો હતો.
વર્ષ 1997માં સ્વાતંત્ર્ય સેનાનીઓના સંતાનોને પણ સરકારી નોકરીઓમાં અનામત આપવામાં આવી. જેમાં સ્વાતંત્ર્ય સેનાનીઓને જે 30 ટકા અનામત મળતી હતી તે મુજબ સ્વાતંત્ર્ય સેનાનીઓના સંતાનોને પણ 30 ટકા અનામત આપવામાં આવી. સ્વાતંત્ર્ય સેનાનીઓમાં યોગ્ય ઉમેદવારો ન મળવાના કિસ્સામાં તેમના માટે અનામત રાખવામાં આવેલી 30 ટકા જગ્યાઓ મેરિટ લિસ્ટમાંથી ઉમેદવારોની ભરતી કરવામાં આવતી હતી, પરંતુ 2008માં આ નિર્દેશ રદ કરવામાં આવ્યો હતો.
વર્ષ 2011માં અનામત સિસ્ટમમાં વધુ એક ફેરફાર કરવામાં આવ્યો હતો. ત્યારે આ 30 ટકા અનામતમાં સ્વાતંત્ર્ય સેનાનીઓના પૌત્ર-પૌત્રીઓને પણ સામેલ કરવાનો નિર્ણય લેવાયો હતો. તે પછી વર્ષ 2012માં સરકારે વિકલાંગો માટે 1 ટકા અનામતની જોગવાઈ કરતું જાહેરનામું બહાર પાડ્યું હતું.
આ પણ વાંચો સુરત અને વડોદરા સહિત આ જિલ્લાઓને તોડીને બનાવાશે ભીલ પ્રદેશ ? શરૂ થયું આંદોલન