શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) સમિટ આજે 15મી સપ્ટેમ્બરને ગુરુવારે ઉઝબેકિસ્તાનના સમરકંદમાં કોવિડ રોગચાળાને કારણે બે વર્ષના અંતરાલ પછી, છ સ્થાપક સભ્ય દેશના નેતાઓની પ્રત્યક્ષ હાજરી સાથે યોજાશે. જેમા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi), ચીનના શી જિનપિંગ, રશિયાના વ્લાદીમીર પુટિન (Vladimir Putin), પાકિસ્તાનના શાહબાઝ શરીફ સહીતના નેતાઓનો સમાવેશ થાય છે. આ સમિટ વૈશ્વિક અને પ્રાદેશિક મુદ્દાઓ પર સામ-સામે સંવાદ કરવાની તક પૂરી પાડે છે. SCOની છેલ્લી સીધી કોન્ફરન્સ 2019 માં કિર્ગિસ્તાનના બિશ્કેકમાં યોજાઈ હતી. તે પછી 2020ની મોસ્કો કોન્ફરન્સ કોવિડ-19 રોગચાળાને કારણે ડિજિટલ ફોર્મેટમાં ઓનલાઈન યોજાઈ હતી, જ્યારે 2021ની કોન્ફરન્સ દુશાન્બેમાં મિશ્ર સ્વરૂપમાં એટલે કે પ્રત્યક્ષ અને ઓનલાઈન સ્વરૂપે યોજાઈ હતી.
તેમાં છ સ્થાપક સભ્યો સહિત આઠ પૂર્ણ-સમયના સભ્યો છે. સ્થાપક સભ્ય દેશોમાં ચીન, કઝાકિસ્તાન, કિર્ગિસ્તાન, રશિયા, તાજિકિસ્તાન અને ઉઝબેકિસ્તાન છે. ભારત અને પાકિસ્તાન 2017 માં પૂર્ણ-સમયના સભ્યો તરીકે જોડાયા. SCOના નિરીક્ષક દેશોમાં અફઘાનિસ્તાન, બેલારુસ અને મંગોલિયાનો સમાવેશ થાય છે, જ્યારે સંવાદ ભાગીદારો કંબોડિયા, નેપાળ, શ્રીલંકા, તુર્કી, આર્મેનિયા અને અઝરબૈજાન છે.
વર્ષ 2020 માં કોવિડ રોગચાળો ફાટી નીકળ્યા પછી આ પ્રથમ વખત છે, જ્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી, પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફ, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન બે દિવસીય સંમેલનમાં ભાગ લેશે.
તેઓ જાન્યુઆરી 2020 પછી તેમની પ્રથમ રાજ્ય મુલાકાતે કઝાકિસ્તાન ગયા હતા અને ત્યાર બાદ સમરકંદમાં SCO સમિટમાં ભાગ લેવા માટે ઉઝબેકિસ્તાન જઈ રહ્યાં છે. ચીને શી જિનપિંગના શેડ્યૂલને ખાનગી રાખ્યો છે અને શી જિનપિંગની સમિટ દરમિયાન પુતિન અને મોદીને મળશે કે નહી તે અંગે કોઈ સ્પષ્ટ વાત કરાઈ નથી.
ચીને તાજેતરમાં જ ગોગરા અને હોટ સ્પ્રિંગ્સના પેટ્રોલ પોઈન્ટ 15 પરથી તેના સૈનિકોને હટાવવાની ભારતની માગણી સ્વીકારી હતી. કેટલાક નિષ્ણાતોએ તેને પૂર્વી લદ્દાખમાં મે 2020માં શરૂ થયેલી સૈન્ય ગતિરોધને સમાપ્ત કરવાની દિશામાં એક આવકારદાયક પગલું ગણાવ્યું હતું.
ભારત અને ચીન બંને દેશોએ સૈન્ય અને રાજદ્વારી વાટાઘાટોની શ્રેણીના પરિણામે ગયા વર્ષે પેંગોંગ તળાવના ઉત્તર અને દક્ષિણ કાંઠા અને ગોગરા વિસ્તારમાંથી સૈનિકો પાછા ખેંચવાની પ્રક્રિયા પૂર્ણ કરી હતી. પેટ્રોલ પોઈન્ટ 15 પરથી સૈનિકો હટાવ્યા બાદ સમરકંદમાં મોદી અને શી જિનપિંગની મુલાકાતની શક્યતા અંગે અટકળો શરૂ થઈ હતી.