valsad : સર્વાઇવલ ટેક્નોલોજીસ કંપનીમાં જોરદાર બ્લાસ્ટ, એક કામદારનું મોત, ચાર ઘાયલ
વલસાડ જિલ્લાના સરીગામ જી.આઇ.ડી.સી.માં આવેલી સર્વાઇવલ ટેક્નોલોજીસ નામની એક કંપનીમાં જોરદાર બ્લાસ્ટ થતાં એક કામદારનું મોત થયું હતું.
વલસાડ જિલ્લાના સરીગામ જી.આઇ.ડી.સી.માં આવેલી સર્વાઇવલ ટેક્નોલોજીસ નામની એક કંપનીમાં જોરદાર બ્લાસ્ટ થતાં એક કામદારનું મોત થયું હતું. જ્યારે ચાર કામદારો ઘાયલ થયા હતા. જેમને સારવાર માટે વાપીની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. બનાવની વિગત મુજબ સરીગામ જીઆઇડીસીના બાયપાસ રોડ નજીક આવેલી સર્વાઈવલ ટેક્નોલોજીસ પ્રાઇવેટ લિમિટેડ નામની કેમિકલ કંપનીમાં સોમવારે રિએક્ટરમાં જોરદાર બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટને કારણે નજીકમાં કામ કરી રહેલા એક કામદારનું ઘટનાસ્થળ પર જ મોત થયું હતું. જ્યારે અન્ય ચાર કામદારો ઈજાગ્રસ્ત થયા હતા.
બ્લાસ્ટ એટલો જોરદાર હતો કે કંપનીના જે ભાગમાં બ્લાસ્ટ થયો હતો એ ભાગના આસપાસની મશીનરી કાટમાળમાં ફેરવાઇ ગઇ હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર પહોંચી હતી. ઘટનાના કારણે આસપાસની કંપનીઓમાં પણ દોડધામ મચી ગઇ હતી. જોકે આ કેમિકલ કંપની અગાઉ પણ વિવાદમાં આવી ચૂકી છે.
સર્વાઇવલ નામની આ કંપનીના પરિસરમાં આ અગાઉ પણ કેમિકલ વેસ્ટના ડ્રમ જમીનમાં દાટવામાં આવ્યા હોવાથી જીપીસીબી દ્વારા તેની તપાસ કરવામાં આવી હતી. ત્યારબાદ કંપની વિરુદ્ધ શિક્ષાત્મક કાર્યવાહીના ભાગરૂપે કંપનીને ક્લોઝર નોટિસ પણ ફટકારવામાં આવી હતી.
મળતી માહિતી મુજબ છેલ્લા બે મહિનાથી કંપની દ્વારા શરતોને આધીન મેન્ટેનસ કરી અને ત્યારબાદ કંપની શરૂ કરવામાં આવી હતી. જોકે કંપનીમાં થયેલા મેન્ટેનન્સ બાદ પણ કંપનીમાં બનેલી આ ગંભીર ઘટનાને કારણે કંપની સંચાલકો દ્વારા દાખવવામાં આવેલી બેદરકારી છતી થાય છે. બનાવમાં એક કામદારનું મોત નિપજ્યું હતું. જ્યારે જ્યારે 4 કામદારો ઈજાગ્રસ્ત થયા હતા.
શરૂઆતમાં કંપની સંચાલકો દ્વારા ઘટનાને છુપાવવા માટેના પ્રયાસો કરવામાં આવ્યા હતા. અને મીડિયાને પણ કંપનીમાં પ્રવેશતા રોકવામાં આવ્યા હતા. અને સરીગામ જીઆઇડીસીના મોટા માથાઓ પણ મેદાને પડયા હતા. જોકે સ્થાનિક લોકો પણ મોટી સંખ્યામાં કંપનીમાં પહોંચી ગયા હતા.
આમ થોડા સમય સુધી વાતાવરણ ગરમાયું હતું. આથી સરીગામની આ વિવાદાસ્પદ સર્વાઇવલ ટેક્નોલોજીસ નામની કંપનીમાં સંચાલકો દ્વારા અવાર નવાર બનતી આવી ઘટનાઓ અને વિવાદોને કારણે કંપની વિરુદ્ધ દાખલારૂપ કાર્યવાહી કરવામાં આવે તેવી લોકો માગ કરી રહ્યા છે.
આ પણ વાંચો : Ahmedabad : કુજાડ ગામમાં યુવકની હત્યાનો કેસ, ક્રુર માતાએ જ આપી હતી હત્યાની સોપારી