વડોદરામાં રંજન ભટ્ટે ઉમેદવારી પરત લીધા બાદ ભાજપ આ મહિલાને આપી શકે ટિકિટ, પૂર્વ કોર્પોરેટર અને બ્રાહ્મણ ચહેરા પર ઉતારી શકે પસંદગી- વીડિયો
વડોદરામાં રંજન ભટ્ટને ટિકિટ આપ્યા બાદ શહેર ભાજપમાં વિરોધમાં સૂર ઉઠ્યો હતો અને ભાજપમાં આંતરિક રીતે જ ડખા શરૂ થયા હતા. રંજનબેન ભટ્ટને ટિકિટ આપ્યા બાદ છેલ્લા 10 દિવસથી ચાલી રહેલા વિવાદ બાદ આખરે રંજનબેન ભટ્ટે આજે સોશિયલ મીડિયા પોસ્ટ કરી ઉમેદવારી પરત ખેંચી છે ત્યારે આ બેઠક પર ભાજપમાંથી કોણ તેને લઈને ચર્ચા શરૂ થઈ છે.
શિસ્તબદ્ધ અને કેડર બેઝ્ડ પાર્ટી ગણાતી ભાજપમાં પણ લોકસભાની ટિકિટનો લઈને આંતરિક જૂથવાદની સ્થિતિ જોવા મળી છે. વડોદરામાં જ્યારથી રંજનબેન ભટ્ટને ભાજપે ટિકિટ આપી ત્યારથી પાર્ટીમાં ખળભળાટ મચી ગયો છે. છેલ્લા થોડા દિવસોથી અનેક વિવાદમાં ઘેરાયેલા વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટે આખરે સોશિયલ મીડિયા પોસ્ટ મારફતે આખરે ચૂંટણી લડવાનો ઈનકાર કર્યો અને પોતાની ઉમેદવારી પરત લીધી છે. ત્યારે હવે ચર્ચા એ છે કે વડોદરાથી ભાજપ નવા ચહેરા તરીકે કોને ટિકિટ આપશે. જેમાં સૌથી વધુ પ્રબળ દાવેદાર તરીકે હાલ કોઈનું નામ ચર્ચાઈ રહ્યુ હોય તો તે પૂર્વ કોર્પોરેટર ગાર્ગી દવેનું નામ છે.
કોણ છે ગાર્ગી દવે ?
ભાજપના સક્રિય કાર્યકર્તા ગાર્ગી દવે વડોદરાના પૂર્વ કોર્પોરેટર રહી ચુક્યા છે. વોર્ડ નંબર 18થી તેઓ પૂર્વ કોર્પોરેટર હતા. બ્રાહ્મણ પરિવારમાંથી આવે છે. શિક્ષિત અને સ્વચ્છ છબી હોવાને કારણે ભાજપ ગાર્ગી દવે પર પસંદગીનો કળશ ઢોળી શકે છે. ભાજપ ફરી એકવાર વડોદરાથી બ્રાહ્મણ અને મહિલા ચહેરાને આગળ કરી શકે છે.
રંજનબેન ભટ્ટને ટિકિટ આપી ત્યારથી શરૂ થયો હતો આંતરિક વિવાદ
વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટ સામે છેલ્લા ઘણા સમયથી આંતરિક અસંતોષની સ્થિતિ હતી. આથી જ તેમણે ઉમેદવારી પરત લીધી હોવાનુ મનાઈ રહ્યુ છે. રંજન ભટ્ટનું નામ જ્યારથી ઉમેદવાર તરીકે જાહેર થયું ત્યારથી જ તેમના નામે વિવાદ અને વિરોધ શરૂ થઈ ગયા હતા. જેમા સૌપ્રથમ જ્યોતિ પંડ્યાએ અવાજ ઉઠાવ્યો તો જ્યોતિ પંડ્યાને પાર્ટીએ સસ્પેન્ડ કરી દીધા. જો કે એક ચર્ચા એવી છે કે જ્યોતિ પંડ્યા ખુદ રાજીનામુ આપવાના હતા પરંતુ એ પેપર લીક થઈ ગયુ અને હાઈકમાનને તેની જાણ થતા પાર્ટીએ સામેથી જ તેમને સસ્પેન્ડ કરી દીધા હતા.
પોસ્ટર વોર શરૂ થતા રંજનબેન ભટ્ટે ઉમેદવારી પરત લીધી
જ્યોતિ પંડ્યા બાદ સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદારે વિરોધ કર્યો અને વધુ એકવાર રાજીનામાનું તરકટ રચ્યુ. આખરે રાજીનામુ આપ્યુ એજ સાંજે ભાજપ પ્રદેશ પ્રમુખ પાટીલ સાથે મિટિંગ બાદ કેતન ઈનામદારે રાજીનામુ પરત લીધુ હતુ. જે બાદ છેલ્લા રંજનબેન ભટ્ટ વિરુદ્ધ પોસ્ટરવોર શરૂ થઈ ગયુ. આ તમામ બાબતોને લીધે રંજનબેન ભટ્ટે આખરે ઉમેદવારી પરત લેવી પડી. જો કે સૂત્રો દ્વારા તો એવી પણ જાણકારી મળી રહી છે ખુદ હાઈકમાન દ્વારા રંજનબેનને ઉમેદવારી પરત લેવાનુ કહેવામાં આવ્યુ હતુ.
Input Credit- Prashant Gajjar- Vadodara