જુનિયર ક્લાર્ક પરીક્ષાનું પેપર લીક થવાના કેસમાં મોટો ખુલાસો થયો છે. મળતી માહિતી પ્રમાણે ગુજરાત ATSને 15 દિવસ પહેલા જ પેપર લીક અંગેની જાણ થઇ ગઇ હતી. પેપર બજારમાં પૈસાથી વેચાયુ હોવાની માહિતી છે. ગુજરાત ATSની ટીમ તેમને મળેલી જાણકારીને લઇને શંકાસ્પદ લોકોને ઇન્ટરસેપ્ટ કરી રહી હતી. કોચિંગ ક્લાસમાંથી પેપર વેચાઈ રહ્યું હોવાની ગુજરાત ATSને જાણ થઈ હતી. વડોદરાના સ્ટેક વાઈસ ટેક્નોલોજી નામના ક્લાસિસ સંચાલકની અટકાયત કરી છે. વડોદરાના પ્રમુખ કૉમ્પલેક્સમાં આ ટ્યુશન ક્લાસિસ આવેલું છે.
મળતી માહિતી પ્રમાણે ગત મોડી રાત્રે ગુજરાત ATSએ આરોપીઓને ઝડપી લીધા હતા. ગુજરાતના 4 અને અન્ય રાજ્યોના 11 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. તો રાજ્ય બહારના પ્રિટિંગ પ્રેસથી પેપર ફૂટ્યું હોવાની માહિતી મળી રહી છે. જેથી ગુજરાત ATS હૈદરાબાદ જવા રવાના થઇ છે. પેપરની નકલ વડોદરાથી વાયરલ કરાઈ હોવાની માહિતી છે. ગુજરાત ATSએ આરોપીઓની પૂછપરછ હાથ ધરી છે.
જુનિયર ક્લાર્કનું પેપર લીક થતાં સમગ્ર રાજ્યમાં હડકંપ મચી ગયો છે. સ્પર્ધાત્મક પરીક્ષા મોકૂફ રાખવામાં આવતા પરીક્ષાર્થીઓમાં રોષ જોવા મળ્યો છે. 9 લાખ 53 હજાર વધુ ઉમેદવારોના સપના રોળાયા છે. મહેનત પર પાણી ફરી વળ્યું છે. પંચાયત સેવા પસંદગી મંડળ હવે આગામી સમયમાં બીજી તારીખ જાહેર કરશે. આ અંગે પંચાયત સેવા પસંદગી બોર્ડે પોતાનો લૂલો બચાવ કર્યો છે અને દોષનો ટોપલો ખાનગી એજન્સી પર ઢોળી દીધો છે.
ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડના સભ્ય રાજીકા કચેરીયાએ દાવો કર્યો કે- ગુજરાત બહારથી પેપર લીક થયું હતું. આખી ટોળકી ગુજરાત બહારની છે. ત્યાંની ટોળકીઓ પર સરકારે નજર રાખેલી જ હતી. આ ટોળકી સામે કડક કાર્યવાહી થશે. તેમણે કહ્યું કે, ખાનગી એજન્સી જ પેપર અંગેની બધી જાણકારી હોય છે.
મહત્વનું છે કે સવારે 11થી 12 કલાક દરમિયાન પરીક્ષા યોજાવાની હતી. 9.53 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના હતા. પરંતુ તેમની આશાઓ પર નિરાશાનું મોજું ફરી વળ્યું છે. 2 હજાર 995 પરીક્ષા કેન્દ્રો પર તૈયારીનો ખર્ચ માથે પડ્યો છે. 7 હજાર 500 પોલીસકર્મી સહિત 70 હજારથી વધુનો સ્ટાફ છતા પેપર ફૂટતા સુરક્ષા સામે પણ સવાલ ઉઠ્યા છે.
Published On - 10:40 am, Sun, 29 January 23