Vadodara: બોર્ડના પરીક્ષાર્થીઓને પુષ્પ અને પેન આપી આવકારવામાં આવ્યા, ડર રાખ્યા વિના કસોટી આપવા શીખ આપી
વિદ્યાર્થીઓ કોઈપણ જાતના ડર વિના પરીક્ષા આપી શકે અને તેનામાંથી પરીક્ષાની બીક ઓછી થાય તે માટે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ મહાનુભાવોએ પરીક્ષા ખંડમાં જઇ રહેલા છાત્રોને શુભકામનાઓ પાઠવવા સાથે ચોકલેટથી મોં મીઠાં કરાવ્યાં હતાં
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ (Gujarat Board of Secondary and Higher Secondary Education) દ્વારા આજ સોમવારથી શરૂ થયેલી ધોરણ 10 અને 12ની પરીક્ષા (exam) ના પ્રારંભ પૂર્વે વડોદરા (Vadodara) શહેરના મેયર અને કલેક્ટર સહિતના મહાનુભાવોએ અહીંની એક શાળા (School) માં ઉપસ્થિત રહી પરીક્ષાર્થીઓને શુભકામનાઓ પાઠવી હતી. વિદ્યાર્થીઓ (Students) કોઈપણ જાતના ડર વિના પરીક્ષા આપી શકે અને તેનામાંથી પરીક્ષાની બીક ઓછી થાય તે માટે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. મહાનુભાવોએ પરીક્ષાનો ડર રાખ્યા વિના વિદ્યાર્થીઓને કસોટીમાંથી પાર ઉતરવા શીખ આપી હતી.
કલેક્ટર અતુલ ગોર તથા મેયર કેયુર રોકડિયા, ઉપમેયર નંદાબેન જોશી, અગ્રણી ઋત્વિજ જોશી, નગરસેવકો સહિતના અગ્રણીઓ સવારના વિદ્યુતનગર સ્થિત વિદ્યુત વિદ્યાલય ખાતે પહોંચ્યા હતા. જ્યાં આ મહાનુભાવોએ પરીક્ષા ખંડમાં જઇ રહેલા છાત્રોને શુભકામનાઓ પાઠવવા સાથે ચોકલેટથી મોં મીઠા કરાવ્યા હતા. ઉપરાંત પુષ્પ, બોલપેન આપીને વિદ્યાર્થીઓને આવકાર્યા હતા.
બાદમાં કલેક્ટર ગોરે પરીક્ષા ખંડમાં કરવામાં આવેલી વ્યવસ્થાનું જાત નિરીક્ષણ કર્યું હતું. ઉનાળાની સ્થિતિને ધ્યાને રાખીને પંખા, પીવાના પાણીની સુવિધા સહિતની બાબતોની ચકાસણી કરી સંતોષ વ્યક્ત કર્યો હતો. આ ઉપરાંત કેન્દ્રની બહાર કરવામાં આવેલી સુરક્ષા વ્યવસ્થા પણ ચકાસી હતી.