રખડતા ઢોરનો ત્રાસ !!! રાજય સરકાર 31 માર્ચે વિધાનસભા ગૃહમાં એક બિલ રજુ કરશે, પશુપાલકો માટે લાઇસન્સ લેવું ફરજિયાત
જે અંતર્ગત હવેથી શહેરી વિસ્તારોમાં ઢોર રાખવા પશુપાલકે લાઈસન્સ લેવું પડશે. નવો કાયદો અમલી બન્યાના 90 દિવસમાં પશુપાલકે લાઈસન્સ લેવું ફરજિયાત છે. પશુપાલકોએ મંજૂરીથી રાખેલા તમામ પશુઓને ટેગ લગાવવાના રહેશે.
ગાંધીનગર: ગુજરાતમાં રખડતા આખલાનો ત્રાસ ન હોય તેવી ભાગ્યે જ કોઈ મહાનગરપાલિકા કે પાલિકા હશે. આ રખડતી રંઝાડમાંથી નાગરિકોને મુક્તિ અપાવવા માટે હવે રાજ્ય સરકાર સતર્ક બની છે. રાજ્યમાંથી રખડતા ઢોરનો (Stray Cattle)ત્રાસ નિવારવા માટે રાજ્ય સરકાર 31 માર્ચે વિધાનસભા ગૃહમાં (Legislative Assembly)એક બિલ (Bill)રજૂ કરશે. ગુજરાત હાઈકોર્ટની આકરી ફટકાર બાદ શહેરી વિકાસ વિભાગે કાયદાનો ડ્રાફ્ટ તૈયાર કરી દીધો છે. જેમાં શહેરી વિસ્તારમાં પશુઓ રાખતા પશુપાલકો માટે કાયદામાં કડક જોગવાઈઓ કરવામાં આવી છે.
જે અંતર્ગત હવેથી શહેરી વિસ્તારોમાં ઢોર રાખવા પશુપાલકે લાઈસન્સ લેવું પડશે. નવો કાયદો અમલી બન્યાના 90 દિવસમાં પશુપાલકે લાઈસન્સ લેવું ફરજિયાત છે. પશુપાલકોએ મંજૂરીથી રાખેલા તમામ પશુઓને ટેગ લગાવવાના રહેશે. પશુ પાલકોએ લાઈસન્સ લીધાના 15 દિવસમાં જ ઢોરને ટેગ લગાવવા પડશે. જો ટેગ લગાયેલા પશુ રખડતા પકડાશે તો માલિક સામે ફોજદારી ગુનો નોંધાશે. આ માટે શહેરોના સ્થાનિક સત્તામંડળ લાઈસન્સ ઈન્સપેક્ટર નિમશે. આ ઉપરાંત શહેરી વિસ્તારોમાં નિયત કરાયેલા સ્થળો સિવાય ઘાસનું વેચાણ થઈ શકશે નહીં.
શહેરોમાં રખડતા ઢોર ખુલ્લા મુકી દેતા પશુપાલકોએ હવે આકરા દંડ અને જેલની સજા ભોગવવા માટે પણ તૈયાર રહેવું પડશે. રખડતા ઢોર પર નિયંત્રણ મુકતા નવા કાયદામાં નિયમભંગ કરનારા પશુપાલકને એક વર્ષની સજા થશે. આ ઉપરાંત ઓછામાં ઓછા 5 હજારથી લઈને 20 હજાર રૂપિયા સુધીના દંડની પણ જોગવાઈ રાખવામાં આવી છે. પશુપાલકો ઉપરાંત પ્રતિબંધિત વિસ્તારમાં ઘાસનું વેચાણ થાય તો પહેલીવાર 10થી 50 હજારનો દંડ કરવામાં આવશે. અને 1 મહિના સુધીની કેદની સજા કરાશે. રખડતા ઢોર પકડવા ગયેલી ઢોર પાર્ટી પર હુમલો કે ઢોર ભગાવવાનો પ્રયાસ કરાશે તો એક વર્ષની કેદ અને 50 હજારથી લઈને 1 લાખ સુધીના દંડની જોગવાઈ છે.જ્યારે બીજી વખત ગુનામાં પકડાય તે શખ્સને બે વર્ષની કેદ અને 1થી 5 લાખ રૂપિયા સુધીનો દંડ થશે.
રાજ્યમાં રખડતા ઢોરના ત્રાસથી સરકાર અજાણ ન હતી. પશુપાલન પ્રધાન રાઘવજી પટેલે થોડા દિવસો પહેલા જ કડક કાયદો બનાવવાના સંકેત આપ્યા હતા.
આ પણ વાંચો : Vadodara: એકતાનગરની ઝૂંપડપટ્ટી વિસ્તારમાં મુખ્યપ્રધાનની ઓચિંતી મુલાકાત, લોકોને મળીને જાણી તેમની સમસ્યા
આ પણ વાંચો : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે, વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ કરશે, સાથે જ 3 સ્થળો પર સંબોધન કરશે