સિંગાપોર (Singapore ) ખાતે યોજાયેલી વિશ્વનાં (World ) શહેરોની સમિટમાં સુરત શહેર અને સુરત (Surat ) મહાનગરનો દબદબો રહ્યો હતો. મહાનગર પાલિકા દ્વારા સફળતાપૂર્વક ચલાવવામાં આવી રહેલાં ટર્શરી ટ્રીટમેન્ટ પ્લાન્ટ સહિતની યોજના અંગે મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ રજુ કરેલાં પ્રેઝન્ટેશનથી વિશ્વનાં પ્રતિષ્ઠિત શહેરોનાં પ્રતિનિધિઓ તેમજ યુનાઇટેડ નેશન્સનાં ઉચ્ચાધિકારીઓ પણ પ્રભાવિત થઇ ગયાં હતાં. વોટર એન્ડ સેનિટેશનમાં સુરતે મેળવેલી સિદ્ધિ આગામી વર્ષ 2023માં યુનાઇટેડ નેશન્સની મળનારી વોટર સમિટનો રોડમેપ બનશે એટલું જ નહીં વોટર એન્ડ સેનિટેશનમાં સુરત શહેર સમગ્ર વિશ્વનું મોડલ બનશે તે વાતનો વર્લ્ડ સિટીઝ સમિટમાં સ્વીકાર થયો હતો.
સીવેજનાં ગંદા પાણીમાંથી કેવી રીતે સારા પ્રોજેક્ટ પાર પાડી શકાય અને રોગચાળા ઉપર પણ નિયંત્રણ મેળવી શકાય માત્ર એટલું જ નહીં ટર્શરી ટ્રીટમેન્ટ પ્લાન્ટ થકી જે કરોડો રૂપિયાની આવક થાય છે તેમાંથી વિકાસનાં પ્રોજેક્ટ્સ પણ કરી શકાય તે વાત મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ પોતાનાં પ્રેઝન્ટેશનમાં વર્ણવતાં વિશ્વનાં દેશોનાં પ્રતિનિધિઓ તેમજ અધિકારીઓ પણ ખુશ થઇ ગયાં હતાં.
Presenting the Surat Circularity Economy Development Model in Water and Sanitation. World Cities Summit has recognized the best practices of Surat in different areas of urban governance #WorldCitiesSummit pic.twitter.com/f1IK1SZIu4
— Banchha Nidhi Pani (@banchha1) August 2, 2022
ખાડી કે ઓપન ડ્રેનેજના ગંદા પાણીની સમસ્યામાંથી મુક્તિ મેળવવાની સુરત મહાનગરપાલિકાની યોજના છે. જે દુનિયાનું મોડલ બનશે તે વાતનો વર્લ્ડ સમિટમાં ઉપસ્થિત તમામે સ્વીકાર કર્યો હતો. ટર્શરી ટ્રીટમેન્ટ પ્લાન્ટ જેવી મહત્વકાંક્ષી યોજનાથી પ્રભાવિત થયેલાં યુનાઇટેડ નેશન્સનાં પ્રતિનિધિઓએ સુરત મહાનગર પાલિકાનાં પ્રોજક્ટમાં ૨સ દર્શાવ્યો હતો અને ટુંકસમયમાં જ યુનાઇટેડ નેશન્સની ટીમ સુરતની મુલાકાત લેશે તેમ પણ જણાવ્યું હતું.
સિંગાપોર ખાતે મળેલી વર્લ્ડ સિટીઝ સમિટમાં વિશ્વની સૌથી મોટી નાણાંકીય સંસ્થા માસ્ટરકાર્ડનાં ઉચ્ચાધિકારીઓ પણ સુરતનાં વિકાસથી પ્રભાવિત થયાં હતાં. માસ્ટરકાર્ડ વિશ્વનાં સારા અને વિકસિત શહેરોને સિટી પોસિબલ નેટવર્ક સાથે સાંકળવાનું કામ કરે છે અને સમગ્ર ભારતમાં સૌપ્રથમ સુરતને આ નેટવર્ક સાથે સાંકળીને બેસ્ટ પ્રેક્ટિસ અંતર્ગત ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન સંદર્ભે સુરતની પસંદગી કરીને સુરત મહાનગર પાલિકા સાથે એમ.ઓ.યુ. કર્યા હતાં. માસ્ટરકાર્ડનાં અધિકારીઓ પણ સુરત મહાનગર પાલિકાની કામગીરીથી પ્રભાવિત થયાં હતાં. ભવિષ્યમાં નવા ઇનોવેશન્સ અને નવા પ્રોજેક્ટ માટે ઓછા વ્યાજદરથી નાણાં મળી શકે છે.
સીવેજના ગંદા પાણીમાંથી કેવી રીતે સારા પ્રોજેક્ટ પાર પાડી શકાય અને રોગચાળા ઉપર પણ નિયંત્રણ મેળવી શકાય તે સુરત મહાનગરપાલિકાએ સમગ્ર વિશ્વને બતાવી આપ્યું છે. ટર્શરી ટ્રીટમેન્ટ પ્લાન્ટ દ્વારા સીવેજના ગંદા પાણીને ટ્રીટમેન્ટ આપીને ઉધોગોને વેચીને કરોડો રૂપિયા રળવાની પહેલ પણ સુરત મહાનગરપાલિકાએ કરી છે અને તેમાં સફળતા પણ મળી છે.