સુરતમાં (Surat) પ્રિ-મોન્સૂન કામગીરી (Pre-monsoon Works) માટે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. ચોમાસામાં જર્જરિત રસ્તાઓને પગલે લોકોને હાલાકી ન ભોગવવી પડે તે માટે પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે. જો કે સુરતમાં સમગ્ર સેન્ટ્રલ ઝોન (Central Zone) વિસ્તાર પૈકી મોટાભાગના વિસ્તારોમાં વર્ષો જૂની હાઇડ્રોલિક ડ્રેનેજ લાઇનના અપગ્રેડેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેને કારણે સેન્ટ્રલ ઝોનમાં રસ્તાઓની હાલત જર્જરિત થઈ ગઇ છે. ડ્રેનેજ અને હાઇડ્રોલિક વિભાગની સતત કામગીરીને પગલે સેન્ટ્રલ ઝોન દ્વારા રસ્તાઓનું રીપેરિંગ (roads Repairing) પણ કરી શકાતું નથી. પરિણામે સ્થાનિક કોર્પોરેટરો દ્વારા ભારે બૂમો પડી રહી છે.
સુરતમાં દર વર્ષે ચોમાસામાં જર્જરિત રસ્તાઓના કારણે વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવી પડે છે. ત્યારે આ વર્ષે પહેલેથી જ સ્થાયી સમિતિ અને સામાન્યસભાના સંકલનમાં ભાજપના કોર્પોરેટરો દ્વારા રોડ બાબતે બૂમરાણ મચાવવામાં આવી હતી. પરિણામે સ્થાયી સમિતિએ વધારાના કામ તરીકે સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં 24 મીટરથી ઓછી પહોળાઇના રસ્તાઓને કાર્પેટ-રીકાર્પેટ અને ટ્રેન્ચલાઇન રીપેરિંગ માટે 15.92 કરોડના ખર્ચે કોન્ટ્રાક્ટ સોંપવાનો નિર્ણય કર્યો છે. ચોમાસા પહેલા તેની કામગીરી પૂર્ણ કરાશે તેની પણ ખાતરી કરવામાં આવશે.
સુરતમાં સેન્ટ્રલ ઝોનના રોડ વિભાગ દ્વારા ઇસ્યુ કરવામાં આવેલ ટેન્ડર અંતર્ગત બે એજન્સીઓની ઓફર આવી હતી. જે પૈકી લોએસ્ટ એજન્સીનું ટેન્ડર 15.92 કરોડના ખર્ચે કામ કરવાની ઓફર આપી હતી. જે સ્થાયી સમિતિ દ્વારા વધારાના કામ તરીકે એજન્ડામાં સામેલ કરી મંજૂર કરવામાં આવી.
સુરત મહાનગરપાલિકાના સૂત્રો મુજબ, હાલ ડ્રેનેજ, હાઇડ્રોલિક વિભાગની કામગીરીને પગલે સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં 2.5 કિ.મી. જેટલાં અલગ-અલગ પોકેટોમાં રસ્તા ખોદાયેલા છે અને ચોમાસા પહેલાં અન્ય 14 કિ.મી. રસ્તા ખોદાણ તથા ઓગમેન્ટેશનની કામગીરી પૂર્ણ કરવાનું બન્ને વિભાગનું આયોજન છે. કોન્ટ્રાક્ટર દ્વારા ચોમાસા પહેલાં કુલ 16.5 કિ.મી. વિસ્તારમાં ટ્રેન્ચ રીપેરિંગની કામગીરી પૂર્ણ કરવાની રહેશે અને ચોમાસા બાદ રસ્તા કાર્પેટ-રીકાર્પેટની કામગીરી હાથ ધરવામાં આવશે. આ કોન્ટ્રાક્ટ આપવાને પગલે હવે સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં જર્જરિત રોડની લોકોની વ્યાપક ફરિયાદો સામે કોર્પોરેટરો કંઇક જવાબ આપી શકવાની સ્થિતિમાં ઊભા રહી શકે તેમ છે.