Surat : નાયબ હિસાબનીશની પરીક્ષામાં સુરતમાંથી 9700 ઉમેદવારો બેસશે, તૈયારીઓ પૂર્ણ
આ પરીક્ષા (Exam )પણ કોઈપણ જાતના વિઘ્ન વગર પાર પડે તે માટે તમામ પ્રકારની વ્યવ્સથા તંત્ર દ્વારા કરી દેવામાં આવી છે. પરીક્ષા દરમ્યાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા પોલીસ તંત્ર પણ કામે લાગ્યું છે.
સુરતના (Surat ) યંગસ્ટર્સમાં સરકારી ભરતી પ્રક્રિયાનું જાણે ઘેલું લાગ્યું હોય એટલી મોટી માત્રામાં દરેક પરીક્ષાઓમાં (Exam ) ઉમેદવારો રજિસ્ટ્રેશન કરાવી રહ્યા છે. ગયા અઠવાડિયે યોજાયેલી બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષામાં સુરતથી 20 હજારથી વધુ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી, એવી જ રીતે આગામી રવિવાર તા.8મી મેના રોજ યોજાનારી નાયબ હિસાબનીશની પરીક્ષા માટે સુરતમાંથી 9706 ઉમેદવારોની એપ્લિકેશન માન્ય કરવામાં આવી છે. સુરત જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા સમગ્ર પરીક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે.
સુરતમાં 33 સ્કૂલોમાં જડબેસલાક બંદોબસ્ત ગોઠવાયો :
શહેરના જુદા જુદા વિસ્તારમાં આવેલી 33 સ્કુલો, કોલેજોના બિલ્ડીંગોમાં 324 બ્લોકમાં 9706 ઉમેદવારોની પરીક્ષા લેવા માટે જડબેસલાક વ્યવસ્થા કરવામાં આવી છે. સમગ્ર રાજ્યવ્યાપી સ્તરે આગામી 8 મે, 2022ના રવિવારના રોજ સવારે 11 થી 12.30 વાગ્યા દરમિયાન યોજાનારી નાયબ હિસાબનીશની પરીક્ષા દરમિયાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે અને ઉમેદવારો શાંતિથી પરીક્ષા આપે તેવા હેતુથી સુરત શહેર પોલીસ કમિશનર અજયકુમાર તોમરએ એક જાહેરનામા દ્વારા 33 પરીક્ષા કેન્દ્રો તથા સ્ટ્રોગ રૂમની 100 મીટરના વિસ્તારમાં કેટલીક બાબતો પર પ્રતિબંધ ફરમાવ્યો છે.
જાહેરનામા અનુસાર પરીક્ષા કેન્દ્રના 100 મીટરની ત્રિજયામાં ચાર કરતા વધુ વ્યકિતઓએ ભેગા થવા, સભા ભરવા કે સરધસ કાઢવું નહી. તેમજ ઝેરોક્ષ સેન્ટરો શરૂ કરવા નહી. વાહનો ઉભા રાખવા નહી. પરીક્ષા કેન્દ્રની બિલ્ડીંગમાં કોઈ પણ પરીક્ષાર્થી તેમજ પરીક્ષા સાથે સંકળાયેલા કોઇપણ કર્મચારી(સરકારી કર્મચારી સિવાય) મોબાઈલ ફોન, ઈલેકટ્રોનિકસ ડિવાઈસ, કોમ્યુનિકેશન ડિવાઈસ કે સિસ્ટમ રાખવા લાવવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.
વિદ્યાર્થીઓની સુવિધાનું ધ્યાન રાખવામાં આવશે :
આમ, આ પરીક્ષા પણ કોઈપણ જાતના વિઘ્ન વગર પાર પડે તે માટે તમામ પ્રકારની વ્યવ્સથા તંત્ર દ્વારા કરી દેવામાં આવી છે. પરીક્ષા દરમ્યાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા પોલીસ તંત્ર પણ કામે લાગ્યું છે. ખાસ કરીને ગેરરીતિના કોઈપણ કિસ્સાને રોકવા માટે તંત્ર દ્વારા ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે. ઉમેદવારો શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપી શકે તે બાબતે પણ વિશેષ ધ્યાન આપવામાં આવ્યું રહ્યું છે.