Surat : ભાજપ છોડી “આપ” માં ફરી જોડાનાર મહિલા કોર્પોરેટરને ગેરલાયક ઠેરવવા સરકારને પત્ર
જોડતોડની રાજનીતિ હાલ ચરમસીમાએ છે. પહેલા આપમાંથી ભાજપમાં ગયા બાદ હવે 37 દિવસમાં જ ફરી પાછા આમ આદમી પાર્ટીમાં જોડાનાર મહિલા કોર્પોરેટર વિરુદ્ધ હવે કેવા પ્રકારની કાર્યવાહી થાય છે તે જોવાની બાબત બની રહેશે.
આમ આદમી પાર્ટીમાંથી(AAP) પક્ષ પલ્ટો કરીને ભાજપનો (BJP) કેસરિયો ધારણ કરનાર વોર્ડ નંબર 5 ના મહિલા કોર્પોરેટર મનીષાબેન કૂકડિયાએ પાટલી બદલ્યા બાદ એક જ મહિનામાં ફરી ભાજપ સાથે છેડો ફાડી આપ સાથે જવાનો નિર્ણય કર્યો છે . ગયા અઠવાડિયે જ આપ ના પ્રભારી ગુલાબસિંહ યાદવ અને પ્રદેશ પ્રમુખની હાજરીમાં મનીષાબેન કૂકડિયાએ આપ માં પુનરાગમન કર્યુ હતું .
નોંધનીય છે કે આમ આદમી પાર્ટી માંથી તબક્કાવાર 6 કોર્પોરેટરો ભાજપમાં જોડાયા હતા . જે બાદ શહેરના રાજકારણમાં ભૂકંપ જેવી સ્થિતિ સર્જાઈ હતી. આ સમયે વોર્ડ નંબર 5 ના મહિલા કોર્પોરેટર મનીષાબેન કૂકડિયાએ ગત તારીખ 14 માર્ચે ભાજપના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપ્યા વિના તથા પક્ષને કોઇપણ પ્રકારની જાણ કર્યા વિના આમ આદમી પાર્ટીમાં જોડાઇ ગયા હતા .
જે બાબતે મનપાના શાસકપક્ષ નેતા અમિત રાજપૂતે રાજ્યના શહેરી વિકાસ વિભાગના અગ્રસચિવને પત્ર પાઠવી ગુજરાતના પક્ષાંતર બાબતના અધિનિયમની કલમોને તાકીને મનીષાબેન કૂકડિયાનું સભ્યપદ રદ કરવાની માગણી કરી છે . નિર્દિષ્ટ કલમો મુજબ , કોઇપણ રાજકીયપક્ષના કાઉન્સિલર અથવા સભ્યએ રાજકીય પક્ષનું તેનું સભ્યપદ સ્વૈચ્છાપૂર્વક છોડી દીધું હોય તો સભ્ય થવા માટે ગેરલાયક ઠરે છે .
વોર્ડ નંબર 5 ના કોર્પોરેટર મનીષાબેન કૂકડિયાએ ભાજપનું સભ્યપદ સ્વૈચ્છાપૂર્વક છોડી દીધું હોવાથી નિયમ મુજબ તેઓ સભ્ય થવા માટે ગેરલાયક ઠરે છે. આ અંગે શાસકપક્ષ નેતા અમિત રાજપૂતે જણાવ્યું કે , પક્ષાંતર ધારાના નિયમ મુજબ પક્ષાંતરને કારણે ગેરલાયક સંબંધી પ્રશ્ન અંગે નિર્ણય લેવાની સત્તા રાજ્ય સરકારના મુખ્ય સચિવને અથવા રાજ્ય સરકારના કોઇપણ વિભાગના સચિવ દરજ્જા કરતાં નીચે ન હોય તેવાં અધિકારીને રાજ્ય સરકાર નિર્દિષ્ટ કરે એ અધિકારીએ કરવાના હોય છે . મનપાનું કાર્યક્ષેત્ર રાજ્યના શહેરી વિકાસ વિભાગ હસ્તક હોવાથી શહેરી વિકાસ વિભાગના અગ્રસચિવને આ અંગે પત્ર પાઠવાયો છે .
નોંધનીય છે કે હવે વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે સીધી ટક્કર છે. ત્યારે જોડતોડની રાજનીતિ હાલ ચરમસીમાએ છે. પહેલા આપમાંથી ભાજપમાં ગયા બાદ હવે 37 દિવસમાં જ ફરી પાછા આમ આદમી પાર્ટીમાં જોડાનાર મહિલા કોર્પોરેટર વિરુદ્ધ હવે કેવા પ્રકારની કાર્યવાહી થાય છે તે જોવાની બાબત બની રહેશે.
આ પણ વાંચો :