Surat: કીમ નદીને પ્રદૂષિત કરનારા ઔદ્યોગિક એકમો સામે પગલા લેવા માગ, ખેડૂત આગેવાને GPCBમાં લેખિતમાં કરી ફરિયાદ
ઔદ્યોગિક એકમો (Industrial units) દ્વારા કીમ નદીમાં પ્રદુષિત પાણી ઠાલવવામાં આવી રહ્યું છે. જેના કારણે નદીનાં જળચર જીવોનાં અસ્તિત્વ સામે પણ ખતરો પેદા થયો છે. જેથી નદીમાં પ્રદુષણ ઠાલવાનારા એકમો સામે કડક પગલાં ભરવા ખેડૂત આગેવાન દર્શન નાયકે ફરિયાદ કરી છે.
સુરત (Surat) જિલ્લામાંથી પસાર થતી કીમ નદી (Kim River ) ત્રણ તાલુકાનાં નાગરિકો અને ખેડૂતો માટે જીવાદોરી સમાન સાબિત થઈ છે. પરંતુ આ કીમ નદીમાં છેલ્લા કેટલાક સમયથી મોટા પ્રમાણમાં ઉદ્યોગોના પ્રદુષિત પાણીનો (Polluted water) નિકાલ કરવામાં આવતો હોવાને કારણે કીમ નદી મૃતઃપાય થઈ ગઇ હોય તેવી પ્રતીતિ થઈ છે. આસપાસનાં ઔદ્યોગિક એકમો (Industrial units) દ્વારા કીમ નદીમાં પ્રદુષિત પાણી ઠાલવવામાં આવી રહ્યું છે. જેના કારણે નદીનાં જળચર જીવોનાં અસ્તિત્વ સામે પણ ખતરો પેદા થયો છે. જેથી નદીમાં પ્રદુષણ ઠાલવાનારા એકમો સામે કડક પગલાં ભરવા ખેડૂત આગેવાન દર્શન નાયકે ફરિયાદ કરી છે.
કીમ નદીની જીવસૃષ્ટિને પણ ગંભીર નુકસાન
ખેડૂત આગેવાન દર્શન નાયકે ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડનાં પ્રાદેશિક અધિકારીને લેખિત ફરિયાદ કરતાં જણાવ્યું હતું કે, સુરત જિલ્લાના કુડસદ ,નવાપુર,કીમ,પાલોદ,મોટા બોરસરા,નવાપુર જીઆઇડીસી તેમજ પીપોદરામાં આવેલી 46થી વધુ ડાઇંગ મિલોને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા નદીમાં ઝીરો ડિસ્ચાર્જની શરતે એકમો ચલાવવાની મંજૂરી આપવામાં આવી છે. પરંતુ આ ઔદ્યોગિક એકમો અને ડાઇંગ મિલોમાંથી નીકળતું ઝેરી કેમિકલયુક્ત પ્રદુષિત પાણી કોઈપણ જાતની ટ્રીટમેન્ટની પ્રક્રિયા કર્યા વિના જ ગેરકાયદેસર અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન મારફતે કોતરો અને ગટરોમાં અને ક્યારેક સીધું નદીઓમાં છોડી દેવામાં આવે છે. આ ઝેરી કેમિકલ યુક્ત પ્રદુષિત પાણી કોતરો અને ગટરો મારફતે સીધું જ કીમ નદીમાં જાય છે. જેને કારણે કીમ નદીમાં મોટાપાયે પ્રદૂષણ ફેલાવવાનો ખતરો છે. એટલું જ નહીં આ કેમિકલયુક્ત ઝેરી પ્રદુષિત પાણીને કારણે કીમ નદીની જીવસૃષ્ટિને પણ ગંભીર નુકસાન પહોંચી રહ્યું છે.
”પશુઓને માટે પણ પીવાલાયક રહ્યું નથી”
તેમણે ઉમેર્યું હતું કે સુરત જિલ્લાના ત્રણ તાલુકાનાં ખેડૂતો આ કીમ નદીના પાણીનો ઉપયોગ સિંચાઈ માટે કરે છે. કીમ નદીના કેમિકલ યુક્ત પ્રદુષિત પાણીનો ખેતીમાં ઉપયોગ થવાને કારણે ખેતીની જમીન પણ દૂષિત થઇ રહી છે અને કેમિકલ યુક્ત પાણીના કારણે ખેડૂતોના તેમજ લોકોના આરોગ્યને પણ નુકસાન થઈ રહ્યું છે. પ્રદુષિત પાણીને કારણે ખેડૂતો પણ 12 મહિના ખેતી કરી શકતા નથી. નદીનું ઝેરી કેમિકલયુક્ત પાણી થઈ જવાથી તે પશુઓને માટે પણ પીવાલાયક રહ્યું નથી.
ડાઇંગ મિલો દ્વારા ગેરકાયદેસર રીતે અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન કરવામાં આવી છે. જેના મારફતે કોતરો અને ગટરોમાં કેમિકલ યુક્ત પ્રદુષિત પાણી છોડવામાં આવે છે તે ગંભીર બાબતની તપાસ કરી ઔદ્યોગિક એકમોનાં સંચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી રજુઆત કરવામાં આવી છે.
(વીથ ઇનપુટ-સુરેશ પટેલ, ઓલપાડ)